ઔર યે મૌસમ હંસીં…: પ્રકૃતિની દેવી: અપ્સરાઓની કેવી છે દુનિયા…

દેવલ શાસ્ત્રી
અપ્સરાઓની કલ્પના ભારતીય ઉપખંડમાં બાળમાનસથી કહેવાતી કથાઓથી ઘડાયેલું સશક્ત પાત્ર છે. મૂળે ‘અપ્સરા’ સંસ્કૃત શબ્દ ‘અપસ’ એટલે કે પાણી અને રસથી ઉત્પન્ન થયો છે. પૌરાણિક ગ્રંથમાં અપ્સરાઓને પાણીની દેવી સાથે-પ્રકૃતિ સાથે વર્ણવવામાં આવી છે. અપ્સરાઓ ની કલ્પના ફક્ત આપણે ત્યાં જ નહીં, પણ વિશ્વભરની સંસ્કૃતિઓમાં જોવા મળે છે, જેમાં સુંદર અને અલૌકિક મહિલાઓ પ્રકૃતિ, કલા અને પ્રલોભન સાથે જોડાયેલી કથાઓ છે.
ભારતીય પરંપરા મુજબ એક કથા કહે છે કે અપ્સરાઓ સમુદ્રમંથન દરમિયાન પ્રગટ થઇ હતી. આમ તો અપ્સરાઓને બ્રહ્માજીનું સર્જન પણ લખવામાં આવ્યું છે. અપ્સરાની પરિકલ્પના વધતા એને સ્વર્ગમાં નૃત્યાંગના તરીકે દર્શાવીને ગંધર્વો એટલે કે સ્વર્ગના સંગીતકારોની પત્ની તરીકે પણ વર્ણવામાં આવી છે.
અન્ય એક કથા મુજબ કશ્યપ ઋષિ અને પ્રાવા દેવી દ્વારા અપ્સરાઓનો જન્મ થયો. ભારતીય પરંપરામાં અસંખ્ય શક્તિશાળી યોદ્ધાઓનો જન્મ અપ્સરાઓ થકી થયો હોવાની કથાઓ લખવામાં આવી છે. ભારદ્વાજ મુનિ ખાસ અગ્નિહોત્ર યજ્ઞ કરવાની તૈયારી કરતાં હતા એ સમયે ધ્રુતા નામની અપ્સરાના સંપર્કમાં આવ્યા અને દ્રોણનો જન્મ થયો. એક કથા મુજબ શ્રુતાવતી નામની દીકરી પણ હતી, જે તપસ્વી હતી અને એણે તપ કરીને ઇન્દ્રને પોતાનો પતિ બનાવ્યો હતો.
આમ તો અનેક અપ્સરાઓની અનેક કથાઓ છે. ઇન્દ્ર અને કુબેરની સભા શ્રેષ્ઠ અપ્સરાઓ માટે જાણીતી ગણવામાં આવે છે, ઈન્દ્રની સભામાં તિલોત્તમા, મેનકા, રંભા, ઉર્વશી, ધૃતાચી, વિશ્વાચી જેવી પ્રસિદ્ધ અપ્સરાઓ નૃત્ય તથા ગાન કરતી હોય છે. આ સિવાય કેટલાંક નામો પ્રમાણમાં ઓછા જાણીતા છે જેમાં અલમ્બુસા, મિશ્રકેશી, તુલાધના, અરુણા, રક્ષિતા, મનોરમા, એસીતા, સુબ્રતા, સુપ્રિયા, સુભુજા, અતિબાહુની કથાઓ પણ ક્યાંક લખાયેલી હશે.
અપ્સરાઓમાં ઉર્વશીની ઘણી કથા વધુ પ્રચલિત છે, ઉર્વશી અને પુરુરવા વચ્ચે પ્રેમ થતાં છ સંતાનો જન્મ્યાં હતાં. અર્જુન જયારે સ્વર્ગમાં ઉર્વશીને મળ્યો ત્યારે માતા સમાન સન્માન આપતાં ઉર્વશી નારાજ થઇ અને એક વર્ષ નાન્યતર રહેવાનો શ્રાપ આપ્યો. આવી જ પ્રચલિત રંભાની કથા રાવણ સાથે જોડાયેલી છે.
વિશ્વામિત્ર તપોભંગ માટે રંભાને મોકલવામાં આવી હતી, વિશ્વામિત્રએ શ્રાપ આપતા પથ્થર સ્વરૂપ જીવન ગુજાર્યું હતું. કુબેરના પુત્ર નળકુબેર સાથે સુખી જીવન દરમિયાન રાવણની દખલગીરી થતા કુબેરે રાવણને શ્રાપ આપ્યો હતો. આ શ્રાપ રાવણના નાશ માટે કારણ બન્યો હતો. રંભાની અન્ય એક કથા મુજબ તુમ્બરૂં નામના ગાંધર્વની પત્ની હતી.
મહાભારત અને કાલિદાસને લીધે વિશ્વામિત્ર અને મેનકાની કથા વિશ્વભરમાં જાણીતી છે. વિશ્વામિત્રી અને મેનકાના સહવાસને લીધે શકુંતલાનો જન્મ થયો. શકુંતલાની કથામાં આપણા દેશનું નામ કારણ એવું ભારત નામ પ્રગટ થયું. મેનકાની અન્ય એક કથા મુજબ વિશ્વાવસુ નામના ઋષિ થકી એક દીકરી જન્મી, જેનું નામ પ્રમદ્વરા હતું, જેનો ઉછેર સ્થૂલકેશ નામ ઋષિએ કરીને એના લગ્ન રુરુ સાથે કરવામાં આવ્યા હતાં. રુરુ થકી સુનક નામે પુત્રરત્ન પ્રાપ્ત થયો હતો. એક દિવસ સાપ કરડતાં મૃત્યુ પામી પણ પતિના પુણ્ય પ્રતાપે જીવિત થઈને લાંબું આયુષ્ય ભોગવ્યું હોવાની કથા છે.
તિલોત્તમા અપ્સરા કહેવા કરતાં વીર નારી કહેવી વધુ યોગ્ય ગણાય. સુંદ અને ઉપસુંદ નામના રાક્ષસ સામે દેવોને ટકવું મુશ્કેલ થતાં ઇન્દ્રને તિલોત્તમાએ મદદ કરી અને અતિ સુંદર અપ્સરાએ ચાલાકી કરીને બંને રાક્ષસોને લડાવ્યા અને મૃત્યુ ભેગા કર્યા. એક કથા મુજબ તિલોત્તમાને દેવોને મદદ કરવા માટે વરદાન મળ્યું હતું કે સૂર્યના તેજની સાથે તું અસ્તિત્વ ધરાવતી હોઈશ, જેથી કોઈ તારી સામે જોઈ શકે નહિ.
મિત્રકેશી નામની અપ્સરાનું લગ્ન પૂરુ રાજાના પુત્ર રૌદ્રાક્ષ સાથે થયું હતું, જેમને દસ વીર સંતાન હતાં. અદ્રિકા નામની અપ્સરાને શ્રાપ મળતાં માછલી સમાન બની. એણે મત્સ્ય તથા મત્સ્યકન્યાને જન્મ આપ્યો, આ મસ્ત્યકન્યા એટલે શાંતનુ રાજાની સત્યવતી અથવા યોજનગંધા મહાભારતના મૂળમાં આ કથા કહી શકાય.
મનોવિજ્ઞાનની દ્રષ્ટિએ અપ્સરા માનવમનની એક એવી કલ્પના છે જે સુખ અને અધ્યાત્મનું એક સાથે વહન કરે છે. આ કથાઓમાં પુરુષો તેમની મહાનતા બતાવવા માટે અપ્સરાઓને શાપ આપતા હોય એવું લખીને એમને નીચલા દરજ્જાની હોય એવું દર્શાવતા હોય છે. આ પ્રકારની કથાઓ વિશ્વના તમામ સાહિત્યમાં સાંભળવા મળે છે. પુરુષો ઘણીની કલ્પનામાં લોભાવવા માટે અપ્સરાનો ઉપયોગ લખવા છતાં વિશ્વભરના સાહિત્યમાં અપ્સરાને પુરુષ પસંદ કરવાનો અધિકાર પણ આપવામાં આવ્યો હોવાના સંદર્ભ મળે છે.
આ કેવળ મનોરંજન કથાઓ નથી પણ ભારતીય પરંપરામાં દેવોને જયારે અસ્તિત્વનો ડર લાગે છે ત્યારે અપ્સરાઓ આગળ વધીને દેવોને મદદરૂપ થઇ છે. અપ્સરાઓની દરેક કથાઓમાં મનોરંજન કરતાં શ્રાપ અને મૃત્યુના ભય વચ્ચે મદદરૂપ થવાની ભાવના વધુ છલકે છે.
બૌદ્ધ વિચારધારામાં ચીન અને જાપાનમાં અપ્સરાઓની કલ્પના લગભગ એક સરખી જ લાગે છે. બંનેમાં અપ્સરાઓને આકાશમાં ઊડતી દર્શાવવામાં આવી છે અને તે પ્રકૃતિ સાથે જોડાયેલી છે. ગ્રીકની કથાઓની અપ્સરાઓ વન, પાણી અને પહાડો જેવા પ્રાકૃતિક ઘટકોની આપણી જેમ જ દેવી માનવામાં આવી છે.
મનોવિજ્ઞાનના એક અભ્યાસ મુજબ વિશ્વભરમાં અપ્સરાઓ કે ગંધર્વોની કલ્પના જરૂરી છે, કારણ કે એ માનવને અમરત્વ, સુંદરતા અને પ્રકૃતિ સાથે જોડીને રોજબરોજના અસ્તિત્વના ભયને દૂર કરી આપે છે.
આખી વાત લખવાનો સાર શું? જિંદગીની દરેક કથામાં સાર શોધવાની આદત બદલવાની જરૂર છે અપ્સરાઓ પાસેથી કમસેકમ શીખીએ કે, સુખ નામના સ્વર્ગલોક બનાવતાં તત્ત્વને મગજના લોકરમાંથી કાઢીને દિલના લોકરમાં વસાવીએ.
ધ એન્ડ
ઘરની અપ્સરાએ એના પુરુષની નાની-મોટી સમસ્યાઓમાં ખભેખભા મિલાવીને સાથ આપ્યો છે. અપ્સરા ફક્ત સ્વર્ગમાં નથી પણ આસપાસ જીવંતસ્વરૂપે પણ છે.