શિયાળામાં હજારો વર્ષથી જેની ઝાઝી જરૂરિયાત છે… એવાં ગરમ પાણીનો હૂંફાળો ઇતિહાસ…

ઔર યે મૌસમ હંસીં… – દેવલ શાસ્ત્રી
હજારો વર્ષ પૂર્વે માનવ થોડો સમજદાર થયો હશે ત્યારથી તેને ગરમ પાણી અને સ્નાનની જરૂરિયાત સમજમાં આવી હશે. માનવીના ઇતિહાસમાં આગ શોધાઈ એ ક્ષણને ક્રાંતિકારી કહી શકાય ત્યારે જ આગ સાથે જ માણસ ગરમ પાણીના મહત્ત્વને સમજી ગયો હશે.
પ્રાગૈતિહાસિક સમયમાં જ્યારે માનવી ગુફાઓમાં રહેતો હશે ત્યારે આગ પાસે રાખેલું પાણી ધીમે ધીમે ગરમ થતું હશે. એ ગરમ પાણીથી ઘા ધોવા, શરીર સાફ કરવું કે ખોરાક તૈયાર કરવો સહિત જીવન બચાવવાની એક પ્રક્રિયાનો ભાગ બની ગયો હશે. એ માણસ પાસે બીજા દિવસે ભોજન મળશે કે કેમ એ પ્રશ્ન હશે એ સમયે ગરમ પાણીએ તેનું અસ્તિત્વ ટકાવવામાં ભરપૂર મદદ કરી હશે.
આપણે એ બાબતમાં થોડા હોશિયાર હતા, જયારે દુનિયા ગરમ પાણીની જરૂરિયાત સમજતી હતી ત્યારે આપણે તેને ઉપચાર કરવા સુધી લઇ ગયા હતા. આયુર્વેદમાં ગરમ પાણી માત્ર શિયાળાની જરૂરિયાત તરીકે નહીં, પરંતુ દેહશુદ્ધિ અને પાચન માટે જરૂરી લેખવામાં આવ્યું હતું. આપણે ત્યાં સ્નાન પહેલાં પાણી ઉકાળવાની પરંપરા, તીર્થસ્થાનોમાં ગરમ પાણીના કુંડ અને યજ્ઞશાળાઓની આગ જેવી સમજ દર્શાવે છે કે ભારતમાં ગરમ પાણી માત્ર ટેક્નિકલ જરૂરિયાત નહોતું, એ સંસ્કૃતિનો ભાગ બની ગયો હતો. થોડા દાયકાઓ અગાઉ ગામડાઓમાં ચૂલા પર પરિવાર માટે એક જ વખત પાણી તૈયાર થતું અને એમાંથી બધા પોતપોતાની જરૂર પ્રમાણે પાણી લેતા અને બાકીનાઓ માટે ઉમેરીને જતા હતા.
જો કે એક યુગમાં યુરોપમાં પરિસ્થિતિ સાવ અલગ હતી. ત્યાં ઠંડી વધારે, શિયાળો લાંબો અને લાકડાની અછત હતી. રોમન સંસ્કૃતિએ આ મુશ્કેલીને વૈજ્ઞાનિક ઢબે ઉકેલી હતી. રોમન સ્નાનગૃહમાં હાઇડ્રોનિક હીટિંગ સિસ્ટમ્સ હતાં. જમીનની નીચે બનાવેલા હાઇપોકોસ્ટ સિસ્ટમ દ્વારા આગની ગરમી પાણી અને ફ્લોર સુધી પહોંચાડવામાં આવતી. ગરમ પાણી ઘરોમાં આસાનીથી શક્ય ન હોવાથી સમૂહ સ્નાન જેવી સંસ્કૃતિ વિકાસ પામી હતી.
ભારતીય ઉપખંડમાં પાણી અંગે વધુ સમજ કેળવવામાં આવી પણ કમનસીબે યુરોપ એ બાબતે અંધારયુગમાં પહોંચી ગયું. પૌરાણિક સામ્રાજ્યો પડ્યા, નાની-મોટી લડાઈઓમાં શહેરોનો નાશ થયો અને ગરમ પાણી વૈભવ બની ગયું. ધીમે ધીમે યુરોપના ઘણા વિસ્તારોમાં એક નવી પરંપરા શરૂ થઇ અને કાતિલ ઠંડીમાં લોકો નિયમિત સ્નાન કરતાં જ નહોતા, કારણ કે પાણી ગરમ કરવું મોંઘું અને મુશ્કેલ હતું. યુરોપે એક કલ્ચર બનાવ્યું કે શિયાળામાં નહાવાની જરૂર નથી, જો કે એ કોઈ આળસ નહોતી પણ સંજોગોની ઊપજ હતી.
ભારતીય ઉપખંડ સાથે ચીન અને જાપાનમાં ગરમ પાણી અને બાથિંગની પરંપરા સતત જળવાઈ રહી. જાપાનમાં કુદરતી ગરમ પાણીના ઝરણાંઓએ માનવીને સ્નાન અને આરોગ્ય બંને સાથે જોડ્યો. અહીં ગરમ પાણી બનાવવું પડ્યું નહોતું,પણ કુદરત પાસેથી મેળવવું હતું. આ કારણે શિયાળામાં સ્નાન કરવાની સંસ્કૃતિ વધુ મજબૂત બની.
એકવાર ફરી યુરોપે ઉદ્યોગક્રાંતિ સાથે ગરમ પાણીની દુનિયા બદલી નાખી. કોલસા અને સ્ટીમ એન્જિનના યુગમાં બોયલર સિસ્ટમ અને મોટાં મશીનો વિકસ્યાં. ફેક્ટરીઓ માટે બનેલા બોયલર ધીમે ધીમે હોસ્પિટલો, હોસ્ટેલ અને પછી ઘરો સુધી પહોંચ્યા. અહીંથી ગરમ પાણી વ્યક્તિગત જીવનમાં પ્રવેશ્યું. હવે પાણી ગરમ કરવું આખા દિવસનું કામ નહોતું પણ ટેક્નોલોજીનો ભાગ બનતા શિયાળામાં સ્નાન ફરી શક્ય બન્યું. ટેક્નોલોજી બાબતે ભારત થોડું પછાત રહી ગયું. આપણે બધાએ દાયકાઓ અગાઉ અને હજુ લાકડું, કોયલો અને કેરોસિન પર આધાર રાખવામાં આવ્યો. ઇમર્શન રોડ જેવી સાદી પરંતુ જોખમી શોધે મધ્યમવર્ગના ઘરમાં ગરમ પાણી લાવ્યું. એક બાલ્ટી પાણી અને એક રોડના સંયોજનથી શિયાળામાં સ્નાન ફરી સરળ બન્યું. જો કે આ ટેક્નોલોજી નહોતી પણ જુગાડ હતો.
પશ્ર્ચિમ દેશોમાં ઇલેક્ટ્રિક અને ગેસ ગીઝર વિકસ્યા. ગીઝર માત્ર પાણી ગરમ કરતું યંત્ર ન હતું પણ જીવનશૈલીમાં પરિવર્તન લાવી દીધું. જ્યારે ઈચ્છો ત્યારે ગરમ પાણીનો આઈડિયા માનવીના સમયને મુક્ત કરતો ગયો. હવે શિયાળામાં સ્નાન માટે સામૂહિક સ્નાન, ગરમ પાણીના ઝરણાં કે આયોજનની જરૂર રહી નહીં પણ જીવનનો એક ભાગ બની ગયું. પ્રારંભના આ પ્રયોગ થોડા વૈભવી હતા.
યુરોપ અને અમેરિકામાં થયેલા અભ્યાસો પરથી કહી શકાય કે ઘરેલુ ઊર્જા વપરાશમાં ગરમ પાણીનો હિસ્સો નોંધપાત્ર હતો. આ જ ડેટાએ નવા અને સુલભ સંશોધનને પ્રેરણા આપી. હીટ પમ્પ વોટર હીટર્સ, સોલાર વોટર સિસ્ટમ્સ અને સ્માર્ટ ગીઝર બજારમાં આવ્યા. માનવી ફરી મૂળ વિચાર તરફ વળ્યો છે કે જરૂર જેટલું જ ગરમ પાણીનો વપરાશ માટે વિજ્ઞાનને દોડાવો.
માનવજાતના ઇતિહાસ પરથી કહી શકાય કે ગરમ પાણી ક્યારેય માત્ર શિયાળાની જરૂરિયાત નથી રહ્યું, પણ માનવીના આરોગ્ય, સમાજ અને વિચારસરણી સાથે ચાલતું આવ્યું છે. જ્યાં સંસાધન ઓછાં હતાં, ત્યાં સ્નાન ઓછું થયું. જેવી ટેક્નોલોજી વધી કે તરત જ સ્નાન નિયમિત બન્યું.
જયારે ગીઝર શરૂ કરીએ ત્યારે એ માત્ર સ્વિચ નથી પણ હજારો વર્ષના અનુભવ અને સંશોધનનો પરિણામ છે. આગથી શરૂ થયેલી યાત્રા ટેક્નોલોજીના એક છેવાડા તરફ માનવીને હૂંફ આપવા માટે પહોંચી છે. ગરમ પાણીની યાત્રા ભવિષ્યમાં ચાલતી રહેવાની છે, ભવિષ્યની ટેક્નોલોજીમાં એક મહત્ત્વપૂર્ણ ફેરફાર એ હશે કે ગરમ પાણી વ્યક્તિગત ડેટા સાથે બનશે. દરેક સભ્ય માટે અલગ તાપમાન, અલગ સમય અને અલગ વપરાશ સાથે બાથરૂમમાં પ્રવેશતાં જ સિસ્ટમ ઓળખી લેશે કે કોણ આવ્યો છે અને તેને કેટલું ગરમ પાણી ગમે છે. જો કે ઊર્જાનો ચોક્કસ બચાવ થશે. ચૂલા પર બિનજરૂરી પાણી ઉકળતું રહે એના કરતા જરૂર જેટલો ઉપયોગ ફાયદાકારક રહેશે.
સરવાળે ગરમ પાણીની યાત્રા પર નજર કરીએ તો સમજાય છે કે તે ક્યારેય માત્ર તાપમાનનો પ્રશ્ન નહોતો પણ માનવીની બુદ્ધિ, સંસ્કૃતિ અને સંવેદનશીલતાનું પ્રતિબિંબ હતું. આગ પાસે બેઠેલો ગુફાવાસી માણસ હોય કે ચૂલા પાસે આપણો કોઈ વડીલ હોય કે ગીઝરનું સ્વિચ દબાવતો આજનો શહેરી માણસ હોય. આ બધાને એક જ ઈચ્છા છે કે ઠંડી સામે થોડી હૂંફ અને થાકેલા શરીર માટે થોડી રાહત જોઈએ છે.
ધ એન્ડ :
એક હદ સુધી કોઈના પણ માટે ઘસાવું જોઈએ, તમે વધુ પડતા ઉદાર બનશો તો તમારા માટે કશું બચશે નહીં ને એ સમયે કોઈ તમારી પરવા પણ કરશે નહીં.
(કાર્લ લેગરફેલ્ડ)



