ઔર યે મૌસમ હંસીં… મનમાં રમતી અપરાધ ભાવના ભોજનનું સુખ ભોગવવા દેતી નથી

- દેવલ શાસ્ત્રી
આજકાલમાં દિવાળીના શુભ દિવસોનો પ્રારંભ થશે. પેઢીઓથી દિવાળી પર જાતજાતનું ભોજન અને નાસ્તા કરવાના એકબીજાના ઘરે આવવા જવાનો રિવાજ છે. ભેગા મળીને ખુશીઓ સાથે વાતોના વડા કરવાનો અવસર છે. દિવાળી પર મોટાભાગનું ભોજન તળેલું અને મીઠાઈઓ ખાવાની અનેરી મજા છે.
જોકે, આ બધા વચ્ચે આપણી આજકાલ અલગ સમસ્યા છે, મજાનું ભોજન આરોગ્યા પછી આરોગ્યની વાતો કરીને પસ્તાવો કરવાનો. પરિવાર સાથે સાંજ એન્જોય કર્યા પછી જાતજાતની વાતોમાં ગિલ્ટ અનુભવવાનું. સરસ રીતે દિવાળી ઉજવીએ છીએ તો પછી મસ્તીથી ખાવા- પીવાનો આનંદ કેમ ભોગવી શકતા નથી?
આપણા ગામડામાં વડવાઓ દિવાળીની આતુરતાપૂર્વક રાહ જોતા હતા. દિવાળી સહિતના ઉત્સવો ઉજવ્યા પછી ક્યારેય કોઈપણ બાબતે ગિલ્ટ અનુભવતા જોયા નથી. એકના બદલે બે- ત્રણ સમોસા ખવાઈ જાય અથવા ટેસ્ટી ભોજન જોઈને ઓવરઈટિંગ થઇ જાય એટલે મનમાં વિચાર છાલ છોડતા નથી કે ભોજનમાં ભૂલ કરી છે, મારે ભોજન પર કાબૂ રાખવાની જરૂર હતી.
આજકાલ ગિલ્ટ એટલે કે આવી અકારણ અપરાધની ભાવના અનુભવવાની માનસિક સમસ્યાઓ વિસ્તરી રહી છે. એક અભ્યાસ મુજબ કોવિડ પછી લગભગ 25 ટકા લોકો અકારણ કંઈક ખોટું કર્યાની ભાવનાથી પીડાય છે. નાની-મોટી માનસિક સમસ્યા અથવા કોઈક કારણોસર તાણમાં જીવતી વ્યક્તિઓને મનમાં અપરાધ ભાવના વધુ અસર કરે છે.
પરિવારમાં નિધન થાય, બીમારી આવે અથવા કોઈ સમસ્યા ઊભી થાય એટલે વ્યક્તિ એવું માનવા લાગે છે કે આ બધું એના લીધે જ થયું છે. પોતે કરેલાં કર્મોનાં પાપનું પરિણામ છે એવું માનવા લાગે છે. વ્યક્તિ દરેક વાતમાં અફસોસ વ્યક્ત કરતો ફરે છે. તમે પહેલીવાર મળતા હોય તો પણ કોઈપણ કારણોસર ક્ષમા માગ્યા કરે છે.
વ્યક્તિ વાતે વાતે અફસોસ કરવા સાથે પોતાના દોષને ગણાવ્યા કરતો હોય છે. દરેક વાતમાં સહાનુભૂતિ શોધતા આ લોકોમાં ડિપ્રેશન વધવા લાગે છે. જીવનમાં કોઈ ખરાબ ઘટના બને એટલે તરત જ વિચારવા લાગે કે ‘મારા કોઈ કર્મનું આ ફળ હશે… હું જ ખરાબ છું’ જેવી ભાવના પ્રબળ થવા લાગે છે.
આપણા ગ્રંથોમાં આ અર્થમાં વાત લખવામાં આવી નથી, પણ વ્યક્તિના મગજમાંથી ગિલ્ટની લાગણીઓ ખસતી નથી. પ્રેમ, રોમાન્સ, સેક્સ અને બ્રહ્મચર્યની વાતો પર અપરાધની ભાવના એ વિસ્તૃત વિષય છે. ફરી દિવાળી પર યાદ કરવું છું કે આપણા બાપદાદાઓ મનભરીને મીઠાઈઓ ખાતા હતા. તળેલા મઠિયા અને ફાફડા ખાતા હતા. સવાલ એ છે કે આપણે પચાવવા માટે શ્રમ કરવાને બદલે રોતલ વિચારોની બીમારી ઊભી કરીએ છીએ.
આજકાલ બીજી એક નવી સમસ્યા ચાલે છે, ઘરઘથ્થુ અનેક ડાયેટિશ્યન સેવા આપતા હોય છે. દિવાળી પર આ પ્રજાતિ વધુ જોરમાં વાતો કરશે કે ફલાણું ખવાય અને જો ઢીકણું આરોગીએ તો બીમારીઓ આવશે,,,. આપણને બીમારી હોય એ કોઈ અધિકૃત ડોક્ટર કહે તો એ વાત માનવી જોઈએ. બાકી ડિગ્રી વગરના ડાયેટિશ્યન, લેભાગુ લખનારા અને બોલનારા ઈનફ્લુએન્સર પ્રજાતિએ ખોરાક માટે ભયાનક હાઉ ઊભો કરી દીધો છે.
ઈશ્વરે આપણને ધરતી પર વડવાઓ થકી પુરસ્કૃત મોજમજા કરવા મોકલ્યા છે. મિત્રો સંબંધીઓ સાથે સારું ભોજન કરવાની મજા માણવાની છે. બીજા કોઈ મજાથી ભોજનનો લુફ્ત લેતા હોય તો આપણે જ એને જ્ઞાન આપવા તત્પર થઇ જઈએ છીએ. ભોજન કરતી વ્યક્તિને ભોજનને બદલે ગુનો કરતો હોય એવો અહેસાસ કરાવવાનો પાગલ જેવા શોખ છે. જાતજાતની રીલ્સ જોઈને લેભાગુઓએ સમાજને બીમાર કરી દીધો છે. આવા લોકોને બીજાને બીમાર કરવાનો વિકૃત આનંદ આવતો હોય છે.
બર્થ-ડે પર બાળકોને કેકનો નાનો ટુકડો જ ખાવાની પરમિશન આપતા અસંખ્ય વડીલો આસપાસ છે. ચોકલેટ તો ખવાય જ નહીં, પીઝા કે વેસ્ટર્ન ફૂડ અનહેલ્થી છે, વગેરે વારંવાર બોલીને ગુનાની ભાવના મજબૂત કરી છે. ખાસ કરીને ફિગરને લઈને સજાગ યુવતી જો એકાદ કપ વધુ આઈસક્રીમ આરોગી જાય તો એ ભોજનની ખુશી ગુમાવીને ફીગરનું ટેંશન કરવા લાગે છે.
રોજ શિક્ષણ આપવામાં આવે છે કે થાળીમાં રહેલા અનાજનો બગાડ કરવો નહીં. થાળીમાં જરૂર જેટલું લેવું એ શીખવાડીએ છીએ. કોઈ બાળક ભાવતી વાનગી ચાર પાંચ વખત માંગે તો ફરીથી ટોકવામાં આવતો હોય છે.
દિવાળી અને એ પછી લગ્નસરા સહિત ઉત્સવો આવી રહ્યા છે ત્યારે મનમાંથી સારો કે ખરાબ ખોરાક જેવી ભાવના દૂર કરીને ભોજનનો આનંદ માણતા શીખીએ. મઠિયા-ફાફડા વધુ ખવાઈ જાય તો વડવાઓને યાદ કરવા અને એમના જેટલો શ્રમ કરવાનું નક્કી કરવાનું. જે માણ્યું છે એનો અકારણ અફસોસ કરીને ભોગવેલા સુખને ધોઈ નાખવાથી કશું મળશે નહીં.
એક વાત યાદ રાખજો કે આ ફક્ત દિવાળીનો તહેવાર નથી પણ જીવનમાં એક દિવાળી ઓછી થઇ રહી છે એની ખુશીઓને અકારણ અપરાધના ભાવ વચ્ચે ગુમાવવા કરતાં અમિતાભ બચ્ચન માટે આનંદ બક્ષીએ લખેલાં ગીતને યાદ કરવું: ‘હસતે હસતે રોના, રોતે રોતે હસના જીતની ચાબી ભરી રામને ઉતના ચલે ખિલોના! ’
ધ એન્ડ:
સત્ય એ છે કે ‘ક્ષમા’ પણ અપરાધની ભાવના સાથે લખાયેલો શબ્દ છે. (લૌરા ચૌએટ)
આપણ વાંચો: શરદ જોશી સ્પીકિંગઃ અદાલત હાજિર હો!