સિક્કાની ત્રીજી બાજુઃ એકલવાયા વૃદ્ધોને પજવતી સમસ્યા

જયવંત પંડ્યા
પહેલાં દૂરદર્શન પર દર રવિવારે બપોરે અંગ્રેજી સબ ટાઇટલ સાથે પ્રાદેશિક ભાષાની ફિલ્મો આવતી હતી. તેમાં મરાઠી ફિલ્મ ‘મુંબઈયાચા જવાઈ’ જોઈ ત્યારે જાણ થઈ કે આ તો ‘પિયા કા ઘર’ની જ વાર્તા. બંનેનાં પ્રદર્શનનાં વર્ષ સરખાવ્યા (ત્યારે ઇન્ટરનેટ, ગૂગલ, વિકિપિડિયા નહોતું) એટલે ધ્યાનમાં આવ્યું કે ‘પિયા કા ઘર’ ‘મુંબઈયાચા જવાઈ’ની રિ-મેક હતી.
આ રીતે ‘દયાવાન’ 1987ની તમિલ ફિલ્મ ‘નાયકન’ની રિ-મેક હતી તે ‘નાયકન’ જોયા પછી ખબર પડી. અહીં આપણે અહીં રિ-મેકની વાત નથી કરવી પણ વાત કરવી છે પ્રાદેશિક ભાષાની ફિલ્મની.
ગત 9 મે 2025એ એક બંગાળી ફિલ્મ રજૂ થઈ જેનાથી અભિનેત્રી રાખી ગુલઝારે પુનરાગમન કર્યું, બંગાળી ભાષાની ‘આમાર બોસ’. અર્થાત્ અમારા બોસ. આ ફિલ્મ જોયા પછી લાગ્યું કે અત્યારે હિન્દી ફિલ્મી ચેનલો પર દક્ષિણની ફિલ્મો તો હિન્દી ડબ કરીને તો દર્શાવાય છે, પરંતુ બંગાળી, મરાઠી, ઉડિયા, આસામી વગેરે ભાષાની ફિલ્મો પણ કેમ ડબ કરીને ન દેખાડવી જોઈએ?
અને તેનાથી પણ આગળ એ વિચાર આવે છે કે જેમ હવે ‘બાહુબલી’, ‘આરઆરઆર’ જેવી ફિલ્મો પણ હિન્દીમાં ડબ કરીને સમગ્ર ભારતમાં થિયેટરમાં રજૂ કરી શકાતી હોય અને તેને સફળતા તો મળતી હોય તો ‘આમાર બોસ’ જેવી ફિલ્મને તો મળે જ.
આ ફિલ્મ જોવાનું કારણ રાખી ગુલઝાર જ હતાં. એ પુનરાગમન કરતાં હોય તે ફિલ્મ જેવીતેવી તો ન જ હોય. એ વાત અલગ છે કે ‘કરણ અર્જુન’ના પાત્રના આધારે એમને ઉપહાસનું પાત્ર -હાસ્યાસ્પદ કોમેડિયનોએ બનાવી દીધાં છે. (મેરે કરણ અર્જુન આયેંગે…)
આપણે જે ફિલ્મની વાત કરવી છે એની વાર્તા ટૂંકમાં આવી છે, કે ચાલીસીની વયનો અનિમેશ ગોસ્વામી પોતાના પિતાની પ્રકાશન સંસ્થાનો સર્વેસર્વા છે. એને લગ્નજીવનમાં અનુકૂલનની સમસ્યા છે. પત્ની મૌસમી બેનર્જી ટીવી ચેનલમાં પત્રકાર છે. એને પ્રમોશન મળતાં મુંબઈ જવું પડે છે. પત્નીને એનાં માતા-પિતાની દેખભાળ રાખવામાં વ્યસ્ત રહે છે તો અનિમેશને પણ પોતાની માતાની દેખભાળની સમસ્યા છે.
અનિમેશની માતા શુભ્રા ગોસ્વામી (રાખી ગુલઝાર) હરતાં-ફરતાં, સારી સ્મૃતિ ધરાવતાં છે, પરંતુ વયના કારણે ઔષધિઓ પર જીવે છે અને એકલાપણાની સમસ્યાથી પીડાય છે એટલે અનિમેશને એની ચાલુ મીટિંગમાં વારંવાર ફોન કર્યા રાખે.
એક દિવસ એ નક્કી કરે છે કે પોતે અનિમેશની સાથે કામ કરશે. અનિમેશ એમને ટ્રેની તરીકે રાખે છે, પરંતુ જોડાયાં પછી એમને ધ્યાનમાં આવે છે કે અનિમેશને એના કર્મચારીઓ થકી તકલીફ છે ને એના કર્મચારીઓને અનિમેશ થકી. અને કર્મચારીઓને એમનાં માતા કે પિતાની દેખભાળની સમસ્યા છે. આ બધાને આડ-અસર અનિમેશની પ્રકાશન સંસ્થા પર પડી રહ્યો છે.
અનિમેશની માતા શુભ્રા ગોસ્વામી એક નવો વિચાર લાવે છે. કંપનીના કાર્યાલયમાં કર્મચારીઓનાં માતા-પિતા માટે ‘ડે કેર સેન્ટર’ ખોલવાનો. અનિમેશને વિરોધ છે, પરંતુ પછી એને પણ આ વિચાર પસંદ પડે છે.
કરણ જોહરની ‘રોકી ઔર રાની કી લવ સ્ટોરી’ અથવા ‘આપ જૈસા કોઈ’માં બંગાળી પરિવાર દેખાડાય છે તેવો બંગાળી પરિવાર હોય છે ખરો?
‘આમાર બોસ’ જોઈને લાગશે કે ના, બિલકુલ નહીં. આખી ફિલ્મમાં ન તો ગાળાગાળી છે, ન તો ચીલંચીલી. ન તો ફેક ફેમિનિઝમના સંવાદો, ન તો સ્ત્રીઓ દારૂ પીવે છે, ન તો અભદ્ર ડ્રેસિંગ છે. ન તો જાતીય સંબંધનાં દૃશ્યો. પત્ની મુંબઈ રહેતી હોવા છતાં એ પણ ન તો લફરું કરે છે કે ન તો પતિ કોલકાતામાં.
બે કર્મચારી વચ્ચે પણ શુદ્ધ પ્રેમ દેખાડાય છે જે તમને દક્ષિણના ફિલ્મ નિર્દેશક કે. વિશ્વનાથનની ફિલ્મોમાં જોવા મળતો. માતા તરીકે રાખીજી, અનિમેશ તરીકે શિબોપ્રસાદ મુખર્જી, એની પત્ની તરીકે શ્રીબન્તી ચેટર્જી, અને અન્ય કલાકારોએ સારી ભૂમિકા ભજવી છે.
મૂળ વાત એ છે કે આજે એક તરફ, ઘણા પરિવારોમાં પતિ અને પત્ની બંનેએ કમાવું પડે તેવી સ્થિતિ થઈ છે. આના લીધે પણ પતિનાં વૃદ્ધ માતા-પિતાની દેખભાળ અને ઘણી વાર એક જ દીકરી હોય તેના કારણે પત્નીનાં માતા-પિતાની દેખભાળની સમસ્યા ઊભી થતી હોય છે.
એકલવાયાપણાની તો મોટી સમસ્યા છે. ફ્લેટમાં કે સોસાયટીમાં પડોશીઓ પણ એકબીજાને ઓળખતા નથી હોતા. વૃદ્ધો એકલા હોય ત્યારે ઘરમાં સુશ્રુષા કરનાર રાખવો તે પણ ચિંતાનો વિષય છે, કારણ કે કોની મતિ ક્યારે બગડે અને એ લૂંટ માટે માતા-પિતાની હત્યા કરી ભાગી જાય તે કંઈ કહેવાતું નથી.
ભારતમાં 2022ની સ્થિતિએ 60થી ઉપરની વયના નાગરિકોની જનસંખ્યા અનુમાનિત 14.9 કરોડ હતી અને 2050માં તે 34.7 કરોડ થઈ જશે તેમ કહેવાય છે. પહેલાં સંયુક્ત કુટુંબ હતું એટલે વૃદ્ધ દાદા-દાદી સચવાઈ જતાં હતાં.
એકલવાયાપણાની સમસ્યા પણ નહોતી, પરંતુ તે પછી કળિયુગનો પ્રભાવ વધ્યો. બે કે ત્રણ ભાઈ હોય તો પણ માતા-પિતાને કોણ સાચવે તેની સમસ્યા ઊભી થવા લાગી. વૃદ્ધાશ્રમો વધવા લાગ્યા. તેમાં પાછું ‘હમ દો હમારા એક’ની નીતિ લોકોએ અપનાવી. તેનાથી આ સમસ્યા ઓર ગંભીર બની રહી છે. જ્યારે માતા કે પિતા અથવા બંને બીમાર પડે છે ત્યારે એમને દવાખાને કે હૉસ્પિટલે બતાવવા લઈ જવા તે બહુ અઘરું પડે છે.
ઑફિસમાંથી દર વખતે રજા ન મળે. હૉસ્પિટલમાં પણ તરત તો વારો ન જ આવે. ત્રણ-ચાર કલાક તો સહેજે ગણી લેવાના. આવવા-જવાના મુંબઈ જેવા શહેરમાં વધારાના બે કલાક ગણવા પડે. ટૂંકમાં ઑફિસનો આખો દિવસ પડે. આવી સ્થિતિમાં ‘આમાર બોસ’નો ઑફિસમાં જ ‘ડે કેર સેન્ટર’ હોય તે વિચાર ગમી જાય એવો છે. એ દિશામાં વિચારવા જેવું ખરું…
આ પણ વાંચો…સિક્કાની ત્રીજી બાજુઃ એક સમયે સિક્કાનાય સિક્કા પડતા હતા!