અજમેર સેક્સકાંડમાં 32 વર્ષે છને સજા, પણ 12 ફરાર

પ્રફુલ શાહ
સમગ્ર ભારતનું માથું શર્મથી ઝુકાવી દે એવા અજમેર કૌભાંડમાં ન્યાય તોળાવામાં ય ગજબનાક વિલંબ થયો. 100થી વધુ ક્ધયાઓ સાથે સામૂહિક બળાત્કાર અને બ્લેક મેઈલિંગના કેસમાં 2025ના ડિસેમ્બરમાં અદાલતનો ચુકાદો આવ્યો. આ વાસનાનો ભોગ બનેલી અધિકાશ બાળકીઓ સ્કૂલની વિદ્યાર્થિની હતી, તો 32-32 વર્ષ એમનાં પર અને વાલીઓ પર શું શું વીત્યું હશે એની કલ્પના જ થથરાવી મૂકે છે.
2024ની વીસમી ઑગસ્ટે ચુકાદા અગાઉ પોલીસે પુરાવા તરીકે સેક્સકાંડમાં વપરાયેલા કોન્ડોમ, કેમેરા, ગાદલા, કપડાં અને વીડિયો કેસેટ્સ દાયકાઓ સાચવી રાખ્યા હતા. ગાદલા અને કોન્ડોમ સડીને ભયંકર ગંધાતા હતા પણ સત્તાવાર દસ્તાવેજોમાં એની નોંધ હતી. એ મહત્ત્વના પુરાવા હતા એટલે એને સાચવવા સિવાય છૂટકો નહોતો.
32 વર્ષની કાનૂની પ્રક્રિયા દરમિયાન 12 સરકારી વકીલ બદલાઈ ગયા. આને લીધે ય વિલંબ થયો હોઈ શકે. પોલીસ મહામહેનતથી 16 પીડિતાને સાક્ષી બનાવી શકી હતી,પરંતુ સામાજિક બદનામી અને આરોપીઓના ડરથી તેર કિશોરીએ અદાલતમાં પોતાના નિવેદન ફેરવી તોળ્યા હતા. આને એમની લાચારી કહેવી, કાનૂની પ્રક્રિયાની ઊણપ કે સામાજિક નપુંસકતા?
આમ છતાં અગાઉના બયાન અને પોલીસ કેસ ડાયરીને આધારે અદાલતે જજમેન્ટ આપ્યું હતું. જયપુરની સ્પેશ્યલ કોર્ટ ફોર પ્રોટેકશન ઑફ ચિલ્ડ્રન ફ્રોમ સેકસ્યુઅલ ઓફેન્સિઝ (પોક્સો એક્ટ)ના જજ રંજનસિંહે છ આરોપીને આજીવન સજા ઉપરાંત માથાદીઠ પાંચ લાખનો દંડ ફટકાર્યો હતો. આ ગુનેગારો હતા નફિસ ચિશ્તિ, નસીમ ઉર્ફે ટારઝન, ઈકબાલ ભાટી, સોહેલ ગની અને સઈદ ઝમીર. અલબત્ત, આ સજાથી પીડિતાઓની વેદના ભુંસાઈ જવાની નહતી કે બગડેલા ભવિષ્ય સુધરી જવાના નહોતા જ.
આ તો 18 આરોપીઓમાંથી છને સજા થઈ હતી. એ સમયે હજી એનાથી બમણા એટલે કે એક ડઝન આરોપી ફરાર હતા. આવા સંગીન અને શર્મનાક કાંડના 12-12 આરોપી ત્રણ દાયકાથી વધુ સમયમાં ન ઝડપાય એવી વ્યવસ્થા માટે શું કહેવું? દુર્ભાગ્યની બાબત એ છે કે પોલીસના હાથમાંથી નાસી છૂટવામાં સફળ રહેલા આરોપીઓમાં આ સેક્સકાંડનો માસ્ટર માઈન્ડ ફારુક ચિશ્તી પણ ખરો. હા, કેટલાંક આરોપી મરી ગયા એય ખરું.
આ ખટલામાં અજમેરની સાવિત્રી સ્કૂલની બારમા ધોરણની વિદ્યાર્થિનીનું રૂંવાડા ઊભા કરી દે એવું બયાન જોઈએ. એ કિશોરીને રાજકારણમાં અને કૉંગ્રેસમાં જોડાવું હતું એ ઈચ્છાનો ચિશ્તી બંધુઓએ ભરપૂર ગેરલાભ લીધો. સૌથી પહેલા રાજકારણમાં પ્રવેશ માટે તૈયાર કરવાને બહાને નિકટતા સાધી. પછી બન્નેએ એના પર જાતીય આક્રમણ કર્યું. એના ફોટાને આધારે શરૂ કર્યું બ્લેકમેઈલિંગ. પોતાના સર્કલની યુવાન છોકરીઓને મદદ કરવાને બદલે પોતાની પાસે લઈ આવવાનું ચિશ્તીઓ દબાણ કરતા રહ્યા. પછી પોતાની વાનમાં આગંતુકોને લિફટ આપીને પક્ષમાં પ્રવેશ માટે લઈ જવાની વાત કરતા. પક્ષની ઑફિસને બદલે છોકરીઓને ફાર્મ હાઉસ લઈ જઈને તેમના પર બળાત્કાર કરાતા હતા. આના ફોટા પાડીને બ્લેકમેલ શરૂ થતા. દરેક પિડીતને દબડાવાતી કે તારી ફ્રેન્ડને લઈ આવ નહિતર તારા અશ્ર્લીલ ફોટા જાહેર થઈ જશે.
આ વિષચક્ર ચાલતું રહ્યું. જો એક પત્રકારે પર્દાફાશ ન કર્યું હોત તો ન જાણે એ ક્યાં સુધી અનેકને અભડાવતા રહ્યા હોત? આ શૈતાનો ક્યારેક તો અમુક પીડિતાના ભાઈ તરીકે ભાવિ શિકારને મળતા અને મીઠામીઠા શબ્દો બોલીને તેમને પાર્ટી (મહેફિલ)માં જોડાવાનું આમંત્રણ આપતા. પ્રેમપૂર્વક આગ્રહ કરતા અને પછી…
1992ની 21મી એપ્રિલે આ સેક્સકાંડનો રિપોર્ટર સંતોષ ગુપ્તાના સ્કૂપ થકી પર્દાફાશ કરનાર અખબાર ‘દૈનિક નવજ્યોતિ’ના તંત્રી દેવબંધુ ચૌધરીએ કબૂલ કર્યું હતું કે આ અમે બ્રેકિંગ સ્ટૉરી આપ્યાના એકાદ વર્ષ અગાઉથી સ્થાનિક પોલીસને આ સ્કેન્ડલની જાણકારી હતી, પરંતુ તેઓ કદાચ સ્થાનિક રાજકારણીઓના દબાણને લીધે ચૂપ હતા. અંતે ચૌધરીને લાગ્યું કે સ્થાનિક વહીવટ તંત્રને આંચકો આપીને સક્રિય કરવા માટે સેક્સકાંડને અખબારને પાને પર્દાફાશ કરવું અનિવાર્ય છે.
અખબારે ધડાકો કર્યા બાદ પોલીસે સક્રિય થવું પડ્યું. એફઆઈઆર નોંધાઈ. લોકો શેરીઓમાં ઊતરી આવ્યા. કુકર્મ શર્મનાક હતું છતાં શહેર બે કોમી છાવણીમાં વહેંચાઈ ગયું ને માનવતા ડુસકું ભરતી રહી ગઈ. દેખાવો થયા, ધરણા યોજાયા, અખબારોની કોલમ ઊભરાઈ ગઈ પણ જે થવાનું હતું તે રિવર્સમાં થઈ શકે એમ નહોતું.
બધા આરોપીઓ ન પકડાયા. પીડિતાઓને ધમકાવાયાં અને પાછા હટવા મજબૂર કરાયાં. 32 વર્ષે ચુકાદો આવ્યો. આનાથી સમાજ, ખાસ તો બદમાશો પર કોઈ દાખલો બેઠો હશે ખરો?
(સંપૂર્ણ)



