અજબ ગજબની દુનિયા

હેન્રી શાસ્ત્રી
પીએચ.ડી.ની ડિગ્રી, કેન્ટિન મેનેજરની નોકરી
બિલ ગેટ્સ પાસે શૈક્ષણિક લાયકાત ન હોવા છતાં વ્યવસાયિક શિખર પર વાવટો લહેરાવી શક્યા એનું એકદમ વિપરીત ઉદાહરણ ચીનમાં જોવા મળ્યું છે. ‘જોઈએ છે’ મથાળા હેઠળ આવતી નોકરીની જાહેરખબરમાં ‘સાઉથ ઈસ્ટ યુનિવર્સીટી’માં કેન્ટિન ચલાવવા માટે કેન્ટિન મેનેજરની જરૂર હોવાનો ઉલ્લેખ છે, પણ એમાં શૈક્ષણિક લાયકાત ડોક્ટરેટ – પીએચ.ડી. ડિગ્રી હોવી અનિવાર્ય હોવાની વાત પર ભાર આપવામાં આવ્યો છે. આ જાણી લોકો રોષે ભરાયા છે અને સોશિયલ મીડિયા પર આક્રોશ ઠાલવી રહ્યા છે કે આ તો હદ થઈ ગઈ. આ કેન્ટિન મેનેજરની જવાબદારીમાં વિવિધ વાનગી બનાવવાની, કેન્ટિન કોન્ટ્રેક્ટરોની વ્યવસ્થા કરવાની, ખાદ્ય પદાર્થોની જાળવણી તેમજ એડમિનિસ્ટ્રેટિવ કામકાજ વગેરેનો સમાવેશ છે.
સિવાય અફલાતૂન અંગ્રેજી અને ઓફિસના કામકાજમાં જરૂરી ઓફિસના કમ્પ્યુટરને લગતા સોફ્ટવેરના કામની આવડત પણ હોવી જરૂરી છે. આ પ્રકારના કામનો અનુભવ અને કમ્યુનિસ્ટ પાર્ટીનું સભ્યપદ ધરાવનારા ઉમેદવારને પ્રાથમિકતા આપવામાં આવશે…..પીએચ.ડી. ધારક કોલેજના વિદ્યાર્થીઓને લેક્ચર આપતા જ જોવા મળે એવું નથી, કોલેજિયનોને કેન્ટિનમાં નાસ્તો બનાવી આપતા પણ જોવા મળશે.
બિઝનેસ વધારતી બિલાડીની બોલબાલા
જાપાનના નાગાસાકી શહેરનું નામ પડતા 9 ઓગસ્ટ, 1945ના ગમખ્વાર એટોમિક બોમ્બિંગનું ભયાવહ સ્મરણ થાય. આજકાલ નાગાસાકી બિલાડીના કારણે પણ ચર્ચાના ચોતરે ચડ્યું છે. બોબટેઈલ કેટ તરીકે ઓળખાતી વાંકી પૂંછડી ધરાવતી આ બિલાડી નસીબવંતી માનવામાં આવે છે. નાગાસાકીના રહેવાસીઓની દ્રઢ માન્યતા બની ગઈ છે કે આ બિલાડી પાળવાથી શહેરમાં સહેલાણીઓ મોટી સંખ્યામાં આવે છે અને સ્થાનિક લોકોનો બિઝનેસ પણ ધમધોકાર ચાલે છે. આ મીંદડીઓનો વિશાળ ચાહકવર્ગ છે અને એને માટે ખાસ ‘શિન્ટો શ્રાઈન્સ’ તૈયાર કરવામાં આવ્યા છે.
શિન્ટો શ્રાઈન એટલે શિન્ટો ધર્મને અનુસરતા લોકોની દેવીની સ્થાપના માટેનું સ્મારક એટલે કે મીની માસીને દૈવી દરજ્જો પ્રાપ્ત થયો છે. જાપાનમાં આ બોબટેઈલ કેટ નેધરલેન્ડ્સથી આવી છે. દક્ષિણપૂર્વ એશિયાથી જ્યારે જથ્થાબંધ માલ જહાજ વાટે જાપાન આવતો ત્યારે માલસામાનનું ઉંદરથી રક્ષણ કરવા માટે બિલાડીની હાજરી જરૂરિયાત બની ગઈ. શિકારી તરીકે રાખેલી બિલાડી આજે પ્રારબ્ધનું જબરું પ્રતીક બની ગઈ છે.
આ પણ વાંચો….અજબ ગજબની દુનિયા
ઓલ્યા બેલ્જિયમવાળા, અમારો પવન ‘ચોરી’ જાય છે!
પહેલો સગો પાડોશી એ માન્યતા સામાજિક જીવનમાં ઘણે અંશે સાચી ઠરે છે. જોકે, સોસાયટીના બે પાડોશી વચ્ચે જે સ્નેહસેતુ હોય એવું જ બે પાડોશી દેશની બાબતે હોય એ જરૂરી નથી. ભારત માટે પાકિસ્તાન તો જુનો દુશ્મન છે. જગતમાં બે પાડોશી દેશ વચ્ચે જમીન પચાવી પાડવાના વિવાદની નવાઈ નથી. પાડોશી દેશો વચ્ચે પાણી ચોરવાની આક્ષેપબાજી પણ થઈ છે અને અમુક કેસમાં પુરવાર સુધ્ધાં થયું છે. જોકે, નહેર અને પવનચક્કી માટે પ્રખ્યાત યુરોપિયન દેશ નેધરલેન્ડ્સ દ્વારા મૂકવામાં આવેલું ચોરીનું આળ જાણ્યા પછી તમારી આંખો આશ્ચર્યથી પહોળી થઈ જશે. ‘ પાડોશી દેશ બલ્જિયમના વિન્ડફાર્મ (પવનથી વીજળી ઉત્પાદનની વ્યવસ્થા) અમારા દેશનો પવન ‘ચોરી જાય છે! ’ એવો આક્ષેપ હવામાનનો વરતારો કરતા નેધરલેન્ડ્સના અધિકારીએ કર્યો છે. વાત વિગતે સમજવી જરૂરી છે.
બેલ્જિયમના વિન્ડફાર્મ ડચ (નેધરલેન્ડ્સના લોકો, ભાષા અને સંસ્કૃતિ ડચ તરીકે ઓળખાય છે)ના ઇન્સ્ટોલેશન માંથી ત્રણ ટકા વિન્ડ એનર્જી (હવાઈ ઉર્જા) પોતાની તરફ ખેંચી રહ્યા છે. પરિણામે વીજ ઉત્પાદન કરતા નેધરલેન્ડ્સના વિન્ડ ટર્બાઈનને મળતા પવનની ગતિ ધીમી હોવાથી ઉર્જા ઉત્પાદન ક્ષમતામાં થોડો ઘટાડો થયો છે. અલબત્ત, આ કોઈનું પાકીટ તફડાવવું કે કોઈના ઘરમાં ખાતર પાડી માલ સામાન ઉઠાવી જવા જેવી રેગ્યુલર ચોરી નથી.
બેલ્જિયમના વિન્ડફાર્મ એના સ્થાનને કારણે આ ‘ચોરી’ કરવામાં સફળ રહ્યા છે. નેધરલેન્ડ્સ દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે આ ‘ચોરી’ અંગે કોઈ એક્શન નહીં લેવામાં આવે, પણ ભવિષ્યમાં બેલ્જિયમએ નવા વિન્ડફાર્મ ઊભા કરતી વખતે નેધરલેન્ડ્સ સાથે ચર્ચા – વિમર્શ કરવી જરૂરી રહેશે. આ શરત મૂકી ડચ અધિકારી વધુ ચોરી અટકાવવા માગે છે. આજે પવન પાવર ઉત્પાદન કરતી મૂડી ગણાય છે.
આ પણ વાંચો….અજબ ગજબની દુનિયા: પર્વત પર પૈસા ઊગે? હા, આમ ઊગે!
લગ્ન કરવાનો શ્રેષ્ઠ મહિનો કયો? ઓક્ટોમ્બયુરી!
મિત્રોની મહેફિલમાં લગ્ન કરવાનો શ્રેષ્ઠ મહિનો કયો એવા સવાલનો જવાબ આવ્યો ‘ઓક્ટોમ્બયુરી’. આવો તો કોઈ મહિનો જ નથી, સાગમટે બધા બોલ્યા. એટલે જવાબ આપનારે કહ્યું કે ‘એક્ઝેક્ટલી, હું એ જ કહેવા માગું છું કે લગ્ન કરવાનો કોઈ શ્રેષ્ઠ સમય નથી!’ અને બધા હસી પડ્યા.
આપણા દેશમાં પુરુષ માટે 21 વર્ષ અને મહિલા માટે 18 વર્ષ લગ્ન માટે કાયદેસર ઉંમર છે. જોકે, સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી એક પોસ્ટમાં લગ્ન કરવાની યોગ્ય ઉંમર સંદર્ભે વિદ્યાર્થીએ આપેલા જવાબ વાંચી પહેલા હસવું આવી શકે છે, પણ પછી વાત વિચારવા જેવી ચોક્કસ છે એવું તમે જ કહેશો. વિદ્યાર્થીએ જવાબમાં લખ્યું છે કે ‘બાયોલોજીના હિસાબે લગ્ન કરવાની યોગ્ય ઉંમર 15 વર્ષ છે, કાયદા અનુસાર 18 વર્ષ પણ આર્થિક ધોરણે 30 વર્ષની ઉંમરે લગ્ન કરવા જોઈએ. વિદ્યાર્થીનો ગળે ઉતરી જાય એવો તર્ક એમ છે કે આજના સમયમાં પગભર થતાં થતાં ઉંમર ત્રીસની થઈ જ જાય છે. જોકે, સૌથી મજેદાર અને સાથે ચોંકાવનારો જવાબ છે વફાદારી અંગેનો છે. આજના યુગમાં લગ્ન સહિત દરેક સંબંધમાં એટલી છેતરપિંડી જોવા મળે છે કે પાર્ટનર બેવફાઈ કરે એની સંભાવના વધુ છે એટલે એ ધોરણે તો કોઈ ઉંમરે લગ્ન ન થઈ શકે. આજીવન કુંવારા રહેવું પડે.!
લ્યો કરો વાત!
ઘરના વડીલના 100 વર્ષની ઉજવણી, સંસ્થાના 200 વર્ષ કે યુગ પ્રવર્તકની 400મી જન્મ જયંતીની ઉજવણીની વિવિધ કથા તમે સાંભળી હશે. જોકે, યુકેના ઓક્સફર્ડશાયરના ગ્રામીણ વિસ્તારમાં આવેલા એક ચર્ચમાં રાખવામાં આવેલી ઘડિયાળની 500મી વરસગાંઠની ઉજવણી કરવામાં આવી. યુકેની આ પ્રાચીન ઘડિયાળમાં નથી કોઈ ડાયલ કે નથી સમય દેખાડતા કોઈ કાંટા. તો સમયની જાણ કઈ રીતે થાય છે? દર પંદર મિનિટે ચર્ચમાં લગાડવામાં આવેલા બેલના ધ્વનિથી સમયની જાણ થાય છે. તાજેતરની ઉજવણી વખતે સહેલાણીઓને ટાવર પર લઈ જઈ ઘડિયાળનું મ્યુઝિકલ બોક્સ કઈ રીતે કામ કરે છે એ સમજાવવામાં આવ્યું હતું.
આ પણ વાંચો….અજબ ગજબની દુનિયા : દુકાનદાર લાઇસન્સ લાવિંગ એન્ડ લાવિંગ એન્ડ લાવિંગ