ઈન્ટરવલ

અજબ ગજબની દુનિયા: નિશાને ઉષા સાથે ક્યાંથી ફાવે?

હેન્રી શાસ્ત્રી

ત્રીસેક વર્ષ પહેલા ‘હમ આપકે હૈં કૌન’ ફિલ્મના ગીતની પંક્તિ ‘હાય રામ કુડિયોં કા હૈ ઝમાના’ દ્વારા જે બીજ રોપ્યું હતું એ હવે વૃક્ષ બની રહ્યું છે. વટ સાવિત્રી નહીં, વટ સત્યવાન વ્રત થવા લાગે એ સમય બહુ દૂર નથી. ‘આજ કી નારી સબ પે ભારી’ એ હવે માત્ર ઘોષણાબાજી નથી રહી, વ્યવહારમાં જોવા મળી રહ્યું છે. ઉત્તર પ્રદેશની હાઈ સોસાયટી ગણાતા નોઈડાનો આ કિસ્સો વાંચ્યા પછી તમને પણ ખાતરી થઈ જશે. બન્યું છે એવું કે સોશિયલ મીડિયામાં ખાસ્સી વ્યસ્ત રહેતી અને રિલ્સ બનાવતી નિશા નામની ગૃહિણીએ પતિ વિરુદ્ધ જ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ના, દહેજ કે મારપીટ જેવા કારણસર નહીં, પણ પતિ વિજેન્દરનો ‘અપરાધ’ એટલો જ હતો કે ‘ડાર્લિંગ, સોશિયલ મીડિયા પાછળ ઓછો સમય બગાડો અને ઘરકામમાં ધ્યાન આપો’ એવું નિશાને કહ્યું. ઘરકામને પહોંચી વળવા સવારે વહેલા ઊઠવું પડે. હવે તમે જ કહો કે નિશા(એટલે રાત્રિ)ને ઉષા (સવાર) સાથે ફાવે ખરું? પતિનું કહ્યું માનવા જતા રિલ્સ બનાવવાનો વખત ન મળ્યો અને એટલે ઈન્સ્ટાગ્રામ પર તેના ફોલોઅર્સની સંખ્યા ઘટી ગઈ. સવારમાં ચા – નાસ્તો તૈયાર ન થાય કે કૂકરની સીટી વગાડવાનું વિસરી જવાય એ ચાલે, પણ રિલ્સ ન બને એ કેમ ચાલે? નિશા વિફરી અને તાબડતોબ સાસરું છોડી પિયર પહોંચી અને પોલીસમાં ફરિયાદ નોંધાવી દીધી.

આજીવન બિલાડીની દેખભાળ કરો, દલ્લો મેળવો

પાળેલા પ્રાણી માટે કેટલા પ્રેમ – લાગણી હશે. તુંડે તુંડે મતિર્ભિન્ના તમે કહેશો. દલીલ સાચી છે, પણ રોમિયોના જુલિયેટ માટે કે હીરના રાંઝા માટે કે લૈલાના મજનુ માટેના પ્રેમને ભુલાવી દે એવા અગાધ – અફાટ પ્રાણીપ્રેમના કિસ્સા જાણવા જેવા હોય છે. ચીનના ગ્વાંગડોંગ પ્રાંતના 82 વર્ષના રહેવાસી મિસ્ટર લોન્ગ પાસે સારી સંપત્તિ છે. એમને કોઈ સંતાન નથી અને પત્નીનું અવસાન થયું છે. સગા સંબંધીઓ છે, પણ જે વ્યક્તિ તેમની લાડલી બિલાડી શિયાનબાની આજીવન સેવા કરવા તૈયાર હોય એમના નામે જ વસિયત કરશે એવું તેમણે જાહેર કર્યું છે. એમના ઘરમાં ઘણાં વર્ષો પહેલા ચાર બિલાડી પાળવામાં આવી હતી. સમય જતા ત્રણ મૃત્યુ પામતા ચોથી શિયાનબાની માટે મમત્વ વધી ગયું. દસ વર્ષ પહેલા પત્નીના અવસાન પછી મિસ્ટર લોન્ગ માટે બિલાડીની દેખભાળ જીવનનો એક માત્ર હેતુ બની ગયો. પોતે આ દુનિયામાં હયાત નહીં હોય ત્યારે એ એકલી ન પડી જાય એવી વ્યવસ્થા જીવતેજીવત કરી દેવા માગે છે મિસ્ટર લોન્ગ.

આ પણ વાંચો: અજબ ગજબની દુનિયા…

હવે, તું તારા રસ્તે ને હું મારા રસ્તે

મથાળું વાંચી એવી કોઈ ગેરસમજ નહીં કરી બેસતા કે કોઈ યંગ કપલના બ્રેકઅપની કે પછી છૂટાછેડા થયેલા યુગલની કે સંયુક્ત કુટુંબમાં રહેતા બે ભાઈ વચ્ચે તકરાર થયા પછીનો ચિતાર વાંચવા મળશે. વાત છે પ્રકૃતિના પરાક્રમની, દરેક પ્રકારના અવરોધ વચ્ચે પણ પોતાના માર્ગે ખળખળ વહી જતા જળની. કર્ણાટકના હાસન જિલ્લાના મનકાંહલ્લી નામના એક ખોબા જેવડા ગામમાં એક એવો પથ્થર છે જે જોયા – જાણ્યા પછી વામન વિસ્તારની વિરાટ વરાયટી એવું બોલ્યા વિના તમે નહીં રહી શકો. વર્ષો પહેલા કોઈ ભેજાબાજ – જ્ઞાની વ્યક્તિએ ગામના એક વિશિષ્ટ સ્થળે એક પથરો બેસાડ્યો હતો. એના પર અંગ્રેજીમાં કોતરવામાં આવેલા અક્ષરમાં સૌથી ઉપર RIDGE (એટલે કે પાળ) વંચાય છે અને એક તરફ ARABIAN SEA(અરબી સમુદ્ર) અને એક બાજુ BAY OF BENGAL(બંગાળનો ઉપસાગર) વંચાય છે. અચરજની વાત એ છે કે ઊંચે આકાશમાંથી ધરતી પર વરસાદ સ્વરૂપે વરસતા જળનો હિસ્સો આ પથ્થર પર જમણી બાજુ પર પડ્યા પછી કાવેરી નદીમાં ભળી પૂર્વ દિશામાં વહી બંગાળના ઉપસાગરમાં સમાઈ જાય છે, જ્યારે ડાબી બાજુએ નભમાંથી પડતું પાણી નેત્રાવતી નદીમાં ભળી પછી પશ્ર્ચિમ દિશામાં આગળ વધી અરબી સમુદ્રમાં સમાઈ જાય છે. ધરતી પર વરસતા સુધીની યાત્રા સંગાથે કર્યા પછી તું તારા રસ્તે ને હું મારા રસ્તે – જળકમળવત ભાવનાનું કેવું સશક્ત ઉદાહરણ. આ વર્ષે પણ આ સ્થળની અજાયબી માણવા પર્યટકો આવ્યા હતા.

ઠંડો મામલો ગરમ થાય ત્યારે…

ઉગ્ર બોલાચાલી કે મારપીટ અથવા પથ્થર ફેંકવાના બનાવ પછી પરિસ્થિતિ થાળે પડી જાય ત્યારે મામલો ઠંડો પડી ગયો એમ કહેવાતું હોય છે. કાયદાની દુનિયામાં પુરાવાના અભાવે કોઈ શંકાસ્પદ કેસમાં નિરાકરણ ન થયું હોય તો એ કેસ ‘કોલ્ડ કેસ’ કહેવાય છે. યુકેમાં વર્ષો પહેલા ઠંડા પડી ગયેલા મામલા (કોલ્ડ કેસ)માં મોડર્ન સાયન્સની કમાલ ગણાતા ડીએનએ પુરાવાના આધારે 92 વર્ષના જૈફ બ્રિટિશ નાગરિકને 58 વર્ષ જૂના બળાત્કાર અને હત્યા કેસમાં કસૂરવાર ઠેરવવામાં આવ્યા છે. 1967ના જૂન મહિનામાં એ સમયે 34 વર્ષના નરાધમે એક ઘરમાં ઘૂસી 75 વર્ષની મહિલા પર બળાત્કાર કરી એની હત્યા કરવાનું હિચકારું કૃત્ય કર્યું હતું. નરાધમ વડીલને આજીવન કેદની સજા ફટકારી ઓછામાં ઓછા 20 વર્ષની
જેલનો ચુકાદો આપી ન્યાયમૂર્તિએ સાફ સાફ શબ્દોમાં જણાવ્યું હતું કે ‘તમને ક્યારેય કારાવાસમાંથી મુક્તિ નહીં મળે, તમારું મૃત્યુ જેલમાં જ થશે.’ ઠંડો મામલો ગરમ થાય ત્યારે ભલભલા દાઝી જાય.

આ પણ વાંચો: અજબ ગજબની દુનિયા

લ્યો કરો વાત!

‘કાળિયા સાથે ધોળિયો બાંધો તો વાન ન આવે પણ સાન તો આવે’ કહેવતનો થાઈલેન્ડમાં વિચિત્ર સાક્ષાત્કાર જાણ્યા પછી અચરજ પણ થાય અને પીડા પણ થાય. થાઈલેન્ડની સ્કૂલના પ્રિન્સિપાલે આઠ વર્ષના વિદ્યાર્થીના માતા પિતાને મળવા બોલાવ્યા અને કહ્યું કે તમારા બાળકનું વર્તન શ્વાન જેવું છે, સવાલ પૂછીએ તો જવાબ આપવાને બદલે ભસે છે. કારણ એવું નીકળ્યું કે એ બાળકના માતા પિતા અને એના મોટાભાઈએ એ હદે અવગણના કરી હતી કે એ મોટાભાગનો સમય ગાર્ડનમાં શ્વાનની સંગતમાં પસાર કરતો હતો. જે મમતા, પ્રેમથી એ ઘરમાં વંચિત રહ્યો એ શ્વાન અને ગલૂડિયાં પાસેથી મળ્યા અને કુમળી વયમાં શ્વાનને જ સર્વસ્વ સમજી બેઠો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button