અજબ ગજબની દુનિયા!

હેન્રી શાસ્ત્રી
શાંતિનું સરનામું
શહેરના ધમાલિયા જીવનથી કંટાળી શાંતિ મેળવવા લોકો હિલ સ્ટેશને ઉપડી જતા હોય છે. શાંતિ એટલે વાતાવરણના કોલાહલથી દૂર, પણ મોબાઈલ ફોનના કોલાહલ નજીક એવું જોવા મળતું હોય છે. જોકે, યુએસએમાં એક એવી જગ્યા છે જ્યાં તમને ખરા અર્થમાં ટાંકણી પડવાનો અવાજ પણ સંભળાય એવી નીરવ શાંતિનો અનુભવ થશે. આ જગ્યા `શાંતિનું સરનામું’ તરીકે પણ ઓળખાય છે.
અમેરિકાના વર્જિનિયા રાજ્યમાં ગ્રીન બેંક નામનું શહેર ટેકનોલોજીના સહારે જીવતા લોકો માટે દુ:સ્વપ્ન છે, જ્યારે એકલતા અને શાંતિ પ્રિય લોકો માટે સ્વર્ગ છે. મોબાઈલ ફોન, કોર્ડલેસ ફોન, માઈક્રોવેવ, વાયરલેસ સ્પીકર અને ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્ઝનો ઉપયોગ કરતાં ઉપકરણો પર અહીં પ્રતિબંધ છે અને એથી મહત્ત્વની વાત એ છે કે અહીં વાઈફાઈ એટલે કે વાયરલેસ ઈન્ટરનેટની સુવિધા નથી. આ સ્થળનું કોઈ લશ્કરી કનેક્શન નથી. અહીં ગ્રીન બેંક નામની વેધશાળા હોવાથી આ વિસ્તાર `નેશનલ રેડિયો ક્વાયેટ ઝોન’ તરીકે જાણીતો છે.
1957માં બંધાયેલી આ વેધશાળામાં આઠ ટેલિસ્કોપ છે. 300 ફૂટનો વ્યાસ અને અંદાજે 77 લાખ કિલો વજનનું રેડિયો ટેલિસ્કોપ મુખ્ય છે. ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્ઝને કારણે વેધશાળાના કામમાં કોઈ ખલેલ ન આવે એ માટે આવો નિર્ણય લેવાયો છે. 2023ની વસતિ ગણતરી પ્રમાણે અહીં માત્ર 51 લોકો રહે છે. અહીં ઉપકરણોથી દૂર કુદરતના ખોળે રહેવાનો આનંદ માણી શકાય છે.
નિષ્ફળ વિદ્યાર્થી ને હોનહાર શિક્ષક
`લહરોં સે ડરકર નૌકા પાર નહીં હોતી… કોશિશ કરનેવાલોં કી કભી હાર નહીં હોતી…’ એ પંક્તિ સમજાય તો ભલભલા નિરૂત્સાહીમાં ઉત્સાહનો સંચાર થઈ જાય. મલેશિયામાં રહેતા શખ્સને આ પંક્તિની જાણ છે કે નહીં આપણે નથી જાણતા, પણ તેમણે કરેલી કોશિશમાં આ પંક્તિના સામર્થ્યનું પ્રતિબિંબ જરૂર પડે છે.
બીમારીને કારણે ક્લાસમાં ભણેલું યાદ નહોતું રહેતું હોવાથી ભાઈ સાહેબ દસમા ધોરણની પરીક્ષામાં બે – પાંચ વાર નહીં, નવ વાર નાપાસ થયા. લોકોના મેણાં ટોણાં સાંભળવા પડતાં હતાં, સગા – સંબંધી ઠેકડી ઉડાવતાં હતાં અને મિત્રો `આવાની સાથે દોસ્તી થોડી રખાય’ એમ કહી કટ્ટી કરી જતા રહ્યા.
આવી પ્રતિકૂળ પરિસ્થિતિમાં પણ શખ્સે હિંમત ગુમાવી નહીં. કવિ દયારામના કરોળિયાની જેમ હિંમત રાખી 10મી વાર પરીક્ષા આપી ફત્તેહ મેળવી. ત્યારબાદ બારમા ધોરણની પરીક્ષા બીજા પ્રયત્ને પાસ કરી.જોકે, બારમામાં એને એટલા સારા પર્સન્ટેજ આવ્યા કે એને યુનિવર્સિટીમાં એડમિશન આસાનીથી મળી ગયું. એટલે એના ઉત્સાહમાં ભરતી આવી.
યાદશક્તિની સમસ્યા પણ દૂર થઈ ગઈ અને તાજેતરમાં 37 વર્ષની ઉંમરે ડિગ્રી મેળવી ભાઈસાહેબ ટીચર બની ગયા છે. એમની ટીચિંગ સ્ટાઈલ પસંદ કરવામાં આવી રહી છે. સોશ્યલ મીડિયા પર બહેને ભાઈની સંઘર્ષ કથા બયાન કરતા વિદ્યાર્થીઓના મનમાં એમને માટે આદર વધી ગયો છે. એક નિષ્ફળ કથા એક પ્રેરક કથા બની ગઈ છે.
આખા દેશમાં 35 મિનિટ માટે પિન ડ્રોપ સાયલન્સ
આખા દેશમાં 35 મિનિટ માટે વિમાન ઉડ્ડયન માટે બંધ. સ્ટોક માર્કેટ એક કલાક મોડું શરૂ. માતા પિતા ધર્મસ્થાનકો ભણી રવાના. દુકાનો બંધ. બેન્ક અને સરકારી ઓફિસ આવતા લોકોએ એક કલાક મોડા પહોંચવાનું. અવાજ-ઘોંઘાટ થાય એવી કંસ્ટ્રક્શન જેવી પ્રવૃત્તિ પર પ્રતિબંધ. પિન ડ્રોપ સાયલન્સ.
આ બધું એક જ દિવસે અને એક જ સમયે. ક્યાં? કેમ?
સાઉથ કોરિયાની રાજધાની સોલ ઉપરાંત બીજાં કેટલાક અગ્રણી શહેરમાં દર વર્ષે નવેમ્બર મહિનાના ત્રીજા ગુરુવારે કોલેજ એન્ટ્રી એક્ઝામ લેવામાં આવે છે. આ વર્ષે સાડા પાંચ લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. દેશની અગ્રણી યુનિવર્સિટીમાં એડમિશન લેવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે આ પરીક્ષા મહત્ત્વની છે. મોટાભાગના વિધાર્થીઓ કુલ આઠ કલાક પરીક્ષા આપે. પહેલી પરીક્ષા સવારે 8.40 વાગ્યે શરૂ થાય અને બધું પતે ત્યારે સાંજના 5.40 થયા હોય.
આ દરમિયાન બપોરે એક વાગીને પાંચ મિનિટથી એક ચાલીસ સુધી (પૂરી 35 મિનિટ) નીરવ શાંતિ જાળવવાનું કારણ એટલું જ કે એ સમયે ઈંગ્લિશ લિસનીંગ ટેસ્ટ આપતા (કશુંક સાંભળીને પરીક્ષા આપવી) હોય એમાં એમને કોઈ પણ પ્રકારની ખલેલ પડે નહીં. અનેક પેરેન્ટ્સ આ દિવસને તેમના સંતાનોના જીવનનો સૌથી મહત્ત્વનો દિવસ માને છે. કોઈ વિદ્યાર્થીને પરીક્ષા કેન્દ્ર પહોંચવામાં મોડું થયું હોય તો પોલીસ એમને સમયસર પહોંચાડી દેવા દોડાદોડ કરતી નજરે પડે અને સંતાનોને એક્ઝામ સેન્ટર સુધી મૂકવા આવેલાં માતા પિતા કેન્દ્ર પરથી સીધા બૌદ્ધ મંદિરે પહોંચી સંતાનને સારા માર્ક મળે એવી પ્રાર્થના કરે.
નદીનાં ડૂસકાં… ઠાકુરના નુસખા
છેલ્લાં કેટલાંક વર્ષથી પુણે પારાવાર પ્રોબ્લેમ્સનો સામનો કરી રહ્યું છે. શહેરની મૂળા મુઠા નદીની અશુદ્ધિની સમસ્યા એવી છે જેમાં કોઈ સુધારો જોવા નથી મળી રહ્યો. વિવિધ સંસ્થાઓ પ્રયાસ કરી રહી છે, પણ પરિસ્થિતિ `જૈસે થે’ જોવા મળી રહી છે. ગયા વર્ષે ડિસેમ્બરમાં પુણે મહાનગરપાલિકા દ્વારા એક પ્રોજેક્ટ પણ શરૂ કરવામાં આવ્યો હતો.
જોકે, આ પ્રોજેક્ટમાં જે કંઈ કરવામાં આવી રહ્યું છે એનાથી નદી સ્વચ્છ બનશે કે નહીં એની કોઈ ગેરંટી નથી, પણ પર્યાવરણને ખાસ્સું નુકસાન થશે એવો દાવો પુણેના યુવાન એન્જિનિયર સ્વપ્નિલ ઠાકુરે કર્યો છે. એક દિવસ સ્વપ્નિલ લીલુડી ધરતી પર બિરાજી પ્રાકૃતિક સૌંદર્યનો આનંદ લઈ રહ્યો હતો ત્યાં એના જોવામાં આવ્યું કે કેટલાક લોકો જંગલનો સફાયો કરી રહ્યા હતા.
ચોંકી ગયેલા ઠાકુરે પૂછપરછ કરતા ખબર પડી કે નદીની સ્વચ્છતાના પ્રોજેક્ટ માટે વૃક્ષની છટણી કરવામાં આવી રહી હતી. નદીની જાળવણી માટે વૃક્ષનો સફાયો એ વાત સ્વપ્નિલને ગળે ન ઊતરી. તેણે આ પ્રયાસનો વિરોધ કરવાનું નક્કી કર્યું. એ પોતે મ્યુઝિશિયન છે અને વાદ્ય વગાડવામાં તેની હથોટી છે એટલે ભાઈસાહેબ વન મેન મ્યુઝિક બેન્ડ બનાવ્યું છે અને પુણે શહેરમાં વિવિધ ઠેકાણે સંગીતના માધ્યમથી વન વિચ્છેદન પ્રત્યે જનતામાં જાગરૂકતા લાવવાના પ્રયાસ કરી નદીમાં કચરો ફેંકી એને પ્રદુષિત ન કરવા પણ સમજાવી રહ્યો છે.
નર્યા ઉપદેશને બદલે સંગીતના માધ્યમથી કરવામાં આવેલી રજૂઆત અને સાથે `આપણી નદીનાં ડૂસકાં તમને સંભળાય છે?’ એવા પોસ્ટર રાખે છે, જેને લોકો ધ્યાનથી જોઈ રહ્યા છે. સ્વપ્નિલને વિશ્વાસ છે કે એનો આવો સંગીતમય વિરોધ પર્યાવરણ પ્રેમીઓ સાંભળીને લોકોમાં સભાનતા આવશે અને નદીઓનાં જળ ફરી પહેલા જેવા નિર્મળ બની જશે.
લ્યો કરો વાત!
આર્જેન્ટિનામાં છેક 1948માં શરૂ કરવામાં આવેલી 13850 ફૂટની ઊંચાઈએ વાદળો વચ્ચે સડસડાટ દોડતી `ટ્રેન ટુ ધ ક્લાઉડ્સ’ વિશ્વભરના સહેલાણીઓનું વર્ષોથી આકર્ષણ રહી છે. 16 કલાકની યાત્રામાં ટ્રેન 217 કિલોમીટરનું અંતર કાપે છે. અગાઉ માલસામાનની હેરફેર કરતી આ ટ્રેનનો આનંદ છેલ્લાં 50 વર્ષથી સહેલાણીઓ પણ લઈ રહ્યાં છે. તાજેતરમાં આ ટ્રેન પર દેશની સરકારનું વિશેષ ધ્યાન ખેંચાયું છે.
એનું કારણ એવું છે કે છેલ્લાં કેટલાક વર્ષથી આર્જેન્ટિનાની આર્થિક હાલત કથળી ગઈ છે. દેશના અર્થતંત્રમાં ગાબડાં પડ્યા છે. આ ટ્રેન સર્વિસ વ્યસ્ત રહેવાથી સ્થાનિક લોકોને રોજગારી મળે છે અને સહેલાણીઓ માટે આ ટ્રેન અનેરું આકર્ષણ હોવાથી ટુરિઝમ ઉદ્યોગને પણ ઉત્તેજન મળી રહ્યું છે. ટ્રેનના પૈડાં જેટલા વધુ દોડશે એટલી મદદ અર્થતંત્રને પાટે ચડવામાં થશે.



