અજબ ગજબની દુનિયા…

હેન્રી શાસ્ત્રી
માત્ર 40 હજારની વસતિ ધરાવતો યુરોપિયન દેશ લિંકેન્સ્ટાઈન પ્રતિકૂળતામાં અનુકૂળતાનું લાક્ષણિક ઉદાહરણ છે. વિશ્વના 195 દેશમાંથી માત્ર બે દેશ જ ડબલ લેન્ડલોક્ડ છે. મતલબ કે દેશમાં કોઈ દરિયા કિનારો નથી અને સમુદ્ર પાસે પહોંચવા બે આંતરરાષ્ટ્રીય સરહદ ઓળંગવી પડે. દેશને પોતાનું એરપોર્ટ નથી, હવાઈ મુસાફરી માટે સ્વિટ્ઝર્લેન્ડ જવું પડે છે. દેશની પોતાની ભાષા નથી અને ત્યાં જર્મન બોલાય છે. એની પાસે પોતાનું ચલણ નથી અને અહીં સ્વિસ ફ્રેન્ક વપરાય છે.
તેમ છતાં દેશમાં આર્થિક સમૃદ્ધિ છે અને વિશ્વના ટોપ જીડીપી (ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ)માં પણ એનું સ્થાન ઘણું ઉપર છે. એટલે બધે આનંદ આનંદ જોવા મળે છે. આ દેશમાં ગુનાખોરીનું પ્રમાણ નજીવું છે અને વિશ્વના સૌથી સલામત દેશની યાદીમાં પહેલા પાંચમા સ્થાન ધરાવે છે. આશ્ર્ચર્ય તો એ વાતનું છે કે લિંકેન્સ્ટાઈનની જેલમાં ફક્ત સાત કેદી છે. ભારતનાં અનેક શહેરોની સરખામણીએ આ દેશ નાનકડો હોવા છતાં શ્રીમંતાઈ, સમૃદ્ધિ અને સૌંદર્ય ધરાવે છે.
ડોક્ટર વિનાનું ક્લિનિક
મતદાર યાદીને કારણે બિહાર સમગ્ર દેશમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. જોકે, આ ચૂંટણી માહોલમાં બિહારનાં સન્નારી બબીતા કુમારીનું નામ પણ લોકજીભે રમતું થયું છે. બિહારના મુઝફ્ફરપુર જિલ્લાના બિશનપુર બધનગરી ગ્રામ પંચાયતની મુખિયા છે. દેશના અનેક ગામડાંની જેમ બધનગરી ગામની મહિલાઓએ પણ જાજરૂ (ટોયલેટ)ની સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. ‘સ્વચ્છ ભારત અભિયાન’ દરમિયાન ગામમાં 1200થી વધુ ટોયલેટ બાંધવામાં આવ્યા હતા.
જોકે, દેખરેખના અભાવે તેમાંથી અનેક ટોયલેટ તૂટી ગયા અને ઘણા કામ કરતા બંધ થઈ ગયા હતા. ગામનાં સરપંચ બબીતાજી હાથ જોડી બેસી ન રહ્યાં, એમણે ગામમાં ટોયલેટ ક્લિનિક શરૂ કર્યું. આ એવું ક્લિનિક હતું જેમાં ડોક્ટર વિના ટોયલેટની ‘સારવાર’ કરવામાં આવી. સ્થાનિક મહિલાઓને કડિયા કામ અને સ્વચ્છતા કાર્યની સઘન તાલીમ આપી. તાલીમબદ્ધ કાર્યકર્તાઓને કારણે અનેક ટોયલેટ ફરી કાર્યરત થઈ ગયા અને મહિલાઓ ખુલ્લી જગ્યામાં હાજત જવાની સંકોચપૂર્ણ પરિસ્થિતિમાંથી બહાર આવી ગઈ.
સંયુક્તાએ પૃથ્વીરાજનું હરણ કર્યું
કનૌજના રાજા જયચંદની દીકરી સંયુક્તાનું સ્વયંવર દરમિયાન ચૌહાણ વંશના પ્રતાપી સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણે અપહરણ કર્યું હતું એ ઈતિહાસની પ્રસિદ્ધ રોચક કથા છે. આ કળિયુગ છે અને ઉત્તર પ્રદેશમાં સંયુક્તાએ પૃથ્વીરાજનું હરણ કર્યું હોવાની ‘ચમત્કારિક’ ઘટના જાણવા મળી છે.
વાત એમ છે કે યુપીના ઝાંસી જિલ્લાના એક ગામના રહેવાસી સની નામના યુવકનાં લગ્ન મધ્ય પ્રદેશની ક્ધયા સાથે નક્કી થયા હતા. કંકોતરી પણ વહેંચાઈ ગઈ હતી, નજીકના સગા – સંબંધીઓ પણ લગ્નમાં મહાલવા આવી પહોંચ્યા હતા. લગ્નની સાંજે વરરાજા સનીને તૈયાર કરવામાં આવી રહ્યો હતો ત્યારે મધ્ય પ્રદેશની એક ક્ધયા ધસી આવી અને ધમાલ મચાવી દાવો કર્યો કે પોતે સનીના ગળાડૂબ પ્રેમમાં છે. ધાંધલ ધમાલ થઈ, પણ આધુનિક સંયુક્તા મોડર્ન પૃથ્વીરાજનો હાથ પકડી પોતાની સાથે ઘસડી ગઈ.
મામલો પોલીસસ્ટેશનમાં પહોંચ્યો ત્યારે સનીએ પણ પોતે એમપીની ક્ધયાના પ્રેમમાં હોવાનું અને એની સાથે જ પરણવા માગે છે એવી કબૂલાત આપી. વાર્તામાં બીજો એવો વળાંક આવ્યો કે સની સાથે જે ક્ધયાના લગ્ન થવાના હતા એ દુલ્હન બની તૈયાર બેઠી હતી. અજબ દુનિયાની ગજબ વાત જેવી ઘટના એ બની કે સનીનો એક કુંવારો કઝીન પેલી ક્ધયા સાથે લગ્ન કરવા તૈયાર થઈ ગયો. જેના ભાગ્યમાં જે લખ્યું હોય એ થઈને જ રહે છે.
ચીંધેલું કામ હસબન્ડ ભૂલી જાય તો શું થાય? લાભમલાભ!
માર્કેટ ગયેલા પતિને ચાર વસ્તુ લેવાની કીધી હોય એમાંથી એક ઓછી આવી હોય અથવા એક અલગ આવી હોય એવા પ્રસંગની નવાઈ નથી. યુએસએના સાઉથ કેરોલિનાની રહેવાસી પત્નીની સ્ટોરી જાણ્યા પછી ચીંધેલું કામ મિસ્ટર ભૂલી જાય તો મિસિસે નારાજ નહીં થવાનું અને નસીબ બળવાન હોય તો એ ભૂલકણા સ્વભાવને કારણે મોટો લાભ થવાની સંભાવના હોય છે એ વાત સુપેરે સમજાય છે.
ગ્રોસરી લેવા માટે સ્ટોરમાં ગયેલા અમેરિકન હસબન્ડને એની વાઈફે ઘરવખરીનું લાંબું લિસ્ટ આપ્યું અને સાથે ‘મારી હથેળીમાં ખંજવાળ આવે છે એટલે લાભ થવાનો હશે એટલે મારા માટે લોટરીની ટિકિટ પણ લેતા આવજો’ એમ કહ્યું. જોકે, યાદીની બધી ચીજવસ્તુ લઈ લીધી, પણ લોટરીની ટિકિટ હસબન્ડ ભૂલી ગયા.
પત્નીને જાણ થઈ ત્યારે એનો કકળાટ ન કર્યો, પણ લોટરી સ્ટોરમાં ગઈ અને લોટરી ટિકિટ લઈ આવી. ગજબ એવો થયો કે શ્રીમતીને પાંચ લાખ ડૉલરનું ઈનામ લાગ્યું. પતિના ભુલકણા સ્વભાવનો લાભ થવાથી રાજી રાજી થયેલી પત્ની નોકરીમાંથી વહેલી નિવૃત્તિ લેવા માગે છે અને પૈસાનું શું કરવું એનું પ્લાનિંગ પણ એણે કરી લીધું છે.
લ્યો કરો વાત!
દેશી ઘી, સરસવનું તેલ, લીલા શાકભાજી અને શુદ્ધ ઘઉંની રોટીનો ખોરાક ખાતા હરિયાણાના 77 વર્ષનાં દાદીમા સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. 27 વર્ષના યુવાનોને પણ શરમાવે એવો આત્મવિશ્વાસ અને જોશ જાણી લોકો હેરત પામી ગયા છે. ગામડાની નહેરમાં 10 વર્ષની ઉંમરે તરવાનું શરૂ કર્યું હોવાથી સ્વિમિંગ એમના જીવનનો હિસ્સો બની ગયો હતો.
આ ઉંમરે પણ સવારે વહેલા જાગી વ્યાયામ કરે છે, તરવા પણ જાય છે અને દેશી પદ્ધતિથી પોતાને એકદમ ફિટ રાખે છે. ગંગા નદીમાં ત્રણ વ્યક્તિને ડૂબી જતા એમણે બચાવી લીધા હતા. આ સિદ્ધિઓને કારણે લોકો સોશિયલ મીડિયા પર ‘હરિયાણાની ફિટનેસ ક્વીન’ કહી સલામ કરે છે.