અજબ ગજબની દુનિયા…

હેન્રી શાસ્ત્રી
પ્રાણવાયુ દેવતાને પેન્શન
ભારતીય વૈજ્ઞાનિક જગદીશચંદ્ર બોઝએ જ્યારે વનસ્પતિ નિર્જીવ નથી, સજીવ છે ત્યારે નિર્જીવોની પ્રતિક્રિયા શું હતી એ તો ખબર નથી, પણ અનેક સજીવોના મોઢા પર શંકાનાં વાદળ ઘેરાયાં હતાં. વાયવ્ય ભારતના રાજ્ય હરિયાણાની સરકાર બોઝની થિયરીથી પરિચિત છે કે નહીં એની જાણ નથી, પણ વૃક્ષ માટે તેમને અપાર વ્હાલ છે એટલું ચોક્કસ કહી શકાય. વિજ્ઞાન અનુસાર વૃક્ષ કાર્બન ડાયોક્સાઈડ ગ્રહણ કરી પ્રાણવાયુ તરીકે ઓળખાતો ઓક્સિજન વાતાવરણમાં પાછો આપે છે. એટલે હરિયાણામાં વૃક્ષને પ્રાણવાયુ દેવતાનું બિરુદ આપવામાં આવ્યું છે. વૃક્ષનું જતન કરવા સરકારે પ્રાણવાયુ દેવતા યોજના તૈયાર કરી છે. આ યોજના હેઠળ 75 વર્ષથી વધુ ઉંમરના વૃક્ષની જાળવણી કરનારા લોકોને વર્ષનું ત્રણ હજાર રૂપિયા પેન્શન આપવામાં આવે છે. હરિયાળીની જાળવણી કરવા માગતા લોકો આ જાણી હરખાઈ ગયા છે. કરનાલ જિલ્લામાં અત્યાર સુધીમાં 112 વૃક્ષને પેન્શન ચૂકવી દેવાયું છે અને અન્ય 55 વૃક્ષને ટૂંક સમયમાં આ લાભ મળવાનો છે. પેન્શનની રકમ મામૂલી લાગી શકે છે, પણ આ પ્રકારના પ્રયાસ ક્લાઈમેટ ચેન્જની સમસ્યા ઘટાડી શકવાની ક્ષમતા ધરાવે છે.
કરોળિયાને કૂદવાની તાલીમ
સર્કસમાં એક રિંગ માસ્ટર હોય. એ રિંગ માસ્ટર આદેશ છોડે એ પ્રમાણે જાનવરો ઉછળકૂદ કરીને ખેલ દેખાડીને જનતાનું મનોરંજન કરે એવું આપણે જોયું અને અનુભવ્યું છે. એક એવી માન્યતા પણ છે કે જીવન સંસાર પણ એક સર્કસ જ છે. એમાં ક્યારેક સંજોગો-પરિસ્થિતિ માણસને નચાવતી હોય છે અને કાળા માથાના માનવીએ એ પ્રમાણે નાચવું પડતું હોય છે. ક્યારેક સ્વાર્થ માટે તો ક્યારેક વખાના માર્યા. જોકે, આ જ માનવી પોતાનાથી કમજોર માણસ કે પ્રાણીને નચાવવાની તક મળે તો છોડતો નથી એવું સુધ્ધાં જોવા મળ્યું છે. યુનાઇટેડ કિંગડમનો આ પ્રયોગ એ વાતની સાક્ષી પૂરે છે.
યુકેની ‘યુનિવર્સિટી ઑફ મેન્ચેસ્ટર’ના સંશોધકોએ એક અત્યંત પ્રગતિશીલ કહી શકાય એવું સંશોધન કર્યું છે. એ સુધ્ધાં અદ્યતન ટેકનોલોજીની મદદથી. અતિ ઉદ્યમી જીવ તરીકે ઓળખાતા કરોળિયાના હલનચલનનો તેમ જ એના વર્તનનો અભ્યાસ કરીને આ સિદ્ધિ મેળવવામાં આવી છે. આ સફળ સંશોધનને પગલે વૈજ્ઞાનિકોની ટીમે કરોળિયાને એવી તાલીમ આપી છે જેને કારણે ઈચ્છિત ઊંચાઈ અને અંતર સુધી એ કૂદકો મારી શકે છે. આ પ્રયોગને પગલે સમાન લક્ષણો ધરાવતા કેટલાક શિકારી જીવો કઈ રીતે શિકાર કરે છે એનું રહસ્ય હાથ લાગ્યું છે
હાથી પણ કેવો ગજબ કરે છે, માણસની જેમ પૈસા ‘ખાય’ છે
પોતાની સગવડ – સુવિધાના વિસ્તાર માટે માણસ જંગલમાં ઘૂસી રહ્યો છે તો પોતાના વિસ્તારમાં થઈ રહેલા અતિક્રમણનો જવાબ આપવા હાથી સહિત અનેક પ્રાણીઓ માનવ વિસ્તારમાં ઘૂસી રહ્યા છે. માનવી જંગલમાં ઘૂસી વન્યસૃષ્ટિનો ખાત્મો બોલાવી રહ્યો છે તો હાથી અને અન્ય પ્રાણીઓ માનવ વસ્તીમાં તોડફોડ કરી હાહાકાર મચાવી રહ્યા છે. ઓડિશાના રાયગડા જિલ્લમાં તો હાથીઓના ઝુંડે એવી તબાહી મચાવી કે ‘આ હાથી છે કે માણસ’ એવી પ્રતિક્રિયા પણ કટાક્ષમાં કરવામાં આવી. રાજ્યના નિયમગીરી પર્વત વિસ્તારમાં હાથીઓનો આતંક મુશ્કેલીનો મુદ્દો બની ગયો છે. તાજેતરમાં હાથીઓએ સાગમટે એક ગામમાં ઘૂસી ચોખાની ગૂણો અને બીજી કેટલીક ખાદ્ય વાનગી ઝાપટી ગયા પણ ચોંકાવનારી વાત એ હતી કે સાથે સાથે 80 હજાર રૂપિયાની નોટોના બંડલ પણ ઓહિયાં કરી ગયા. ગાર માટીના ઘરનો પણ ખુરદો બોલાવી દીધો. ‘કેવો કળિયુગ આવી ગયો છે કે માણસની જેમ હાથી પણ પૈસા ‘ખાય’ છે એવી પ્રતિક્રિયા સાંભળી દુ:ખમાં પણ લોકોને હસવું આવી ગયું હશે. વન્ય અધિકારીએ આપેલી જાણકારી અનુસાર બે ડઝન હાથીનું ઝૂંડ છેલ્લા કેટલાક દિવસથી વિસ્તારમાં ફરી રહ્યું હતું અને લાગ જોઈ હલ્લા બોલ કર્યું હતું. દક્ષિણનાં વિવિધ રાજ્યોમાં હાથીની માનવ વિસ્તારમાં ઘૂસણખોરી સમસ્યા બની ગઈ છે અને એને માટે જંગલમાં માનવ ઘૂસણખોરી જ જવાબદાર છે.
વેકેશનમાં વારસાનું જતન
વેકેશન પડે એટલે એક જમાનામાં બાળકો ‘મામાનું ઘર કેટલે? દીવો બળે એટલે’ એવું રટણ કરતા અને ભાઈભાંડુ સાથે રસાલો પહોંચતો મોસાળ. ઝમાના બદલ ગયા હૈ. હવે હોલિડેઝમાં ‘મામાનું ઘર કેટલે? રિઝોર્ટ દેખાય એટલે’ જેવો આગ્રહ હોય છે. રિઝોર્ટમાં જઈ મોબાઈલ – કમ્પ્યુટર ગેમ્સ જેવો મોડર્ન સ્ટાઈલનો આનંદ લેવામાં આવે છે. જોકે, ‘સમજુ બાલિકા’ લોકગીતનું સ્મરણ કરાવતી રાજસ્થાનના બાડમેર વિસ્તારની ત્રણ બાલિકાઓ વેકેશનમાં આધુનિક નહીં પણ પરંપરાગત મિશનમાં મશગૂલ થઈ છે. દાદાજી શ્યામલાલ સોનીએ વિકસાવેલી કઠપૂતળીના ખેલની કલાના વારસા પર લાગેલી ધૂળ ખંખેરી આજનાં બાળકોને એનાથી વાકેફ કરવા માગે છે. 20 વર્ષની જ્યોતિ સોની,18 વર્ષની સંજુ સોની અને 12 વર્ષની હર્ષિતા સોની બાડમેર શહેરની સડકો પર ‘ચોરી ચોરી’ ફિલ્મના ‘જહાં મૈં જાતી હૂં વહીં ચાલે આતે હો’ ગીતમાં જોવા મળેલા કઠપૂતળીના ખેલ જેવા ખેલ દેખાડી જનતાનું મનોરંજન કરે છે. સોની બહેનો માટે કઠપૂતળી કેવળ એક કલા નથી, દાદાજીનો સમૃદ્ધ વારસો છે જે તેઓ આગળ ધપાવવા માગે છે. આ કળા માત્ર બાડમેર પૂરતી સીમિત ન રહે, દિલ્હી ઉપરાંત અન્ય શહેરોના લોકો પણ એનાથી પરિચિત થઈ આનંદ માણે એવા દાદાજીના અરમાન હતા. ત્રણેય બહેનોએ કળા શીખી લીધી છે અને બાડમેરની સરકારી શાળાઓમાં નિયમિત કઠપૂતળીના ખેલ કરે છે. સારો આવકાર મળતા રાજી રાજી થઈ ગયેલી સોની સિસ્ટર્સ દિલ્હીમાં ખેલ કરવાનું દાદાજીનું સપનું સાકાર કરવા તલપાપડ છે.
લ્યો કરો વાત!
કમાણી અને કારને સીધો સંબંધ છે. ગોળ નાખો એટલું ગળ્યું થાય એ ન્યાયે જેટલા ફીચર્સ વધારે એટલી કાર મોંઘી. કાર કેટલી મોંઘી એનો કોઈ હિસાબ નથી. 15 – 20 લાખની મળે અને ચાર ચાર બંગડીવાળી ગાડી જોતી હોય તો વાત 45 લાખ સુધી પહોંચે. જોકે, લેમ્બર્ગીની જેવી કાર માટે ચારથી પાંચ કરોડ ચૂકવવા પડે. એનાથી આગળ લક્ઝરી કારની દુનિયા આવે છે. એમાં લિમોઝીન ખૂબ જ જાણીતું નામ છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં નજરે પડતી લિમોઝિનની ખાસિયત એ છે કે એમાં હેલિકૉપ્ટર લેન્ડ થઈ શકે છે. એટલું જ નહીં એમાં એક સ્વિમિંગ પૂલ અને નાનકડો ગોલ્ફ કોર્સ પણ છે. 24 પૈડાં ધરાવતી આ રાક્ષસી કારમાં 75 લોકો એક સાથે બેસી શકે છે.
આપણ વાંચો : અજબ ગજબની દુનિયા