અજબ ગજબની દુનિયા...
ઈન્ટરવલ

અજબ ગજબની દુનિયા…

હેન્રી શાસ્ત્રી

એક યે ભી દિવાલી હૈ

આપણા દેશમાં જ્યાં જ્યાં દિવાળી તહેવારની ઉજવણી થાય છે ત્યાં ત્યાં મોટેભાગે વાકબારસથી ભાઈ બીજ સુધી અને પછી દેવ દિવાળીનો એક દિવસ એવો શિરસ્તો જોવા મળે છે. દક્ષિણ રાજ્યોમાં દિવાળીનું મહત્ત્વ ઓછું છે. જોકે, ઉત્તર પ્રદેશમાંથી છૂટું પડી હવે ઉત્તરાખંડ તરીકે સ્વતંત્ર રાજ્યની ઓળખ મેળવનારા રાજ્યમાં તેમ જ એની પડખે આવેલા હિમાચલ પ્રદેશમાં દિવાળીનો તહેવાર એક મહિના સુધી ઉજવાય છે.

અહીં આ ઉત્સવ ઈગાસ, મંગસીર બગ્વાલ અથવા બુઢી દિવાળી તરીકે પ્રખ્યાત છે. અલબત્ત, આવા નામ પાછળ ચોક્કસ કારણ છે. લંકા વિજય પછી ભગવાન શ્રી રામ અયોધ્યા પાછા ફર્યા એની જાણકારી પર્વતીય વિસ્તારમાં 11 દિવસ મોડી પહોંચી એટલે આ દિવાળી ‘બુઢી દિવાળી’ તરીકે પણ ઓળખાય છે. પર્વતીય વિસ્તારની પ્રજાની મજેદાર લોકકથા અને અનોખી પરંપરાને વણી લેતી આ ઉજવણી દરમિયાન દીવડા ઝગમગ ઝગમગ થવા સાથે ગામવાસીઓ લોક સંગીત અને લોક નૃત્યના સમન્વયથી ઉત્સવનો આનંદ મનાવે છે.

આ ઉજવણીની એક ખાસિયત એ છે કે લોકો ખેતરમાં એકઠા થઈ ભૈલો (દેવદાર વૃક્ષના લાકડાંમાંથી તૈયાર કરવામાં આવેલી મશાલ) પ્રજ્વલિત કરી નાચ ગાન કરે છે. પ્રાણીઓની પૂજા કરવામાં આવે છે અને તેમને પૌઆ, દૂધ અને ઘી ખવડાવવામાં આવે છે. આ સિવાય કેટલીક પરંપરાગત આઈટમ પણ આપવામાં આવે છે. આસો માસની દિવાળી પછી બરાબર એક મહિના સુધી કારતક મહિનાની અમાસે ઉત્સવની સમાપ્તિ થાય છે.

આંગળી જળમાંથી નીકળી ને જગા પુરાઈ ગઈ

માણસની હસ્તીનું મૂલ્ય શું? મરીઝ સાહેબે જેમનું વર્ણન ‘ગુજરાતી ગઝલ સાહિત્યનો બગીચો’ તરીકે કર્યું છે એવા ઓજસ પાલનપુરીની બે પંક્તિ બાવીસ, બાવન કે બાણું વર્ષના આયુષ્યના લેખાંજોખાં કેવા અદ્ભુત રીતે માંડે છે કે ‘મારી હસ્તી મારી પાછળ એ રીતે વિસરાઈ ગઈ; આંગળી જળમાંથી નીકળી ને જગા પુરાઈ ગઈ.’ જોકે, મૃત્યુ પછી પોતે જનમાનસના હૃદયમાં કેવી રીતે વસવાટ કરશે એની ઉત્કંઠા કેટલાક લોકોમાં સળવળતી હોય છે.

બિહારના કોંચી ગામના 74 વર્ષના ભૂતપૂર્વ એર ફોર્સ ઓફિસર મોહનલાલને સગા – સંબંધી – સ્નેહીને એમના માટે કેવી અને કેટલી લાગણી છે એ જાણવાની તમન્ના જાગતા તેમણે મૃત્યુ પામવાનું નાટક કર્યું. કેટલાક નિકટવર્તી લોકોને સાધી પોતાના અવસાનના ખબર ચારેકોર ફેલાવી દીધા. મોહનલાલની ‘અંતિમયાત્રા’ નીકળી ત્યારે એમાં માણસ ઉભરાયું હતું અને લોકો સંતાપ વ્યક્ત કરી એમની મીઠી સ્મૃતિ મમળાવી રહ્યા હતા.

જોકે, એ ‘અંતિમ યાત્રા’ અંતિમ સ્થાને પહોંચે એ પહેલાં 74 વર્ષના વડીલ ઠાઠડીમાંથી આળસ મરડી ઊભા થતા લોકો ચોંકી ગયા. સદભાગ્યે બીકના માર્યા નાસભાગ ન થઈ અને એર ફોર્સના માજી અધિકારીએ તરત જ સ્પષ્ટતા કરી કે ‘અવસાન પછી લોકો અર્થી ઉઠાવી જતા હોય છે, પણ મારું જીવન કેટલું અર્થપૂર્ણ રહ્યું છે અને લોકોના મારા માટે કેટલી લાગણી અને કેવો આદર છે હું જાતે જોવા માગતો હતો અને એટલે આ અવસાનનું નાટક કર્યું.’ અંતે સૌ સારા વાના થયા અને મોહનલાલ વાજતે ગાજતે ઘરે પાછા ફર્યા, મૃત્યુના ડ્રામા બદલ લોકોની માફી માગી અને બારમા-તેરમાની વિધિમાં જમાડવાને બદલે ‘પુનર્જન્મ’ની મિજબાની લોકોને આપી જલસા કરાવ્યા.

ઉપન્યાસ સમ્રાટની સાદગી

આઠ ઓક્ટોબરે જેમની 90મી પુણ્યતિથિ હતી એ હિન્દી-ઉર્દૂ ભાષાના મહાન લેખક અને ‘ઉપન્યાસ સમ્રાટ’ (નવલકથાને હિન્દીમાં ઉપન્યાસ કહેવાય છે) તરીકે ખ્યાતિ મેળવનારા ધનપત રાય શ્રીવાસ્તવ ઉર્ફે ‘નવાબ રાય’ ઉર્ફે મુનશી પ્રેમચંદનો એક અનોખો ફોટોગ્રાફ સોશ્યલ મીડિયામાં વાઈરલ થયો છે. ફોટોગ્રાફમાં ઉપન્યાસ સમ્રાટના ડાબા પગનું બૂટ ફાટેલું ને પગની ટચલી આંગળી બહાર દેખાય છે.

ઉપરછલ્લી રીતે હસવું આવે એવી સામાન્ય ઘટના લાગી શકે છે, પણ સાહિત્ય અકાદમીના પુરસ્કારથી સન્માનિત હિન્દી ભાષાના સમર્થ વ્યંગકાર હરિશંકર પરસાઈએ ‘પ્રેમચંદ કે ફટે જૂતે’ નામનો એક નિબંધ લખ્યો છે.

એ કૃતિમાં પરસાઈજીએ મુનશીજીને સંબોધી વ્યંગ કર્યો છે કે ‘ફોટો પડાવતી વખતે કોઈના જૂતા માગી લેવા જોઈએ ને?’ એવી હળવી ટકોર કરી લેખકશ્રીની કલમ ધારદાર વ્યંગ કરી આગળ લખે છે કે ‘જૂતું ફાટી ગયું છે અને આંગળી બહાર દેખાય છે એનો સંકોચ તમને ન થયો?

શું તમને એટલી પણ ભાન ન પડી કે ધોતિયું સહેજ નીચે ખેંચી લીધું હોત તો આંગળી ઢંકાઈ જાત અને જૂતાની ‘અવસ્થા’ ઢંકાઈ જાત? પણ ના, ઊલટાનું તમારા ચહેરા પર લાપરવાહી છે, એક આછું સ્મિત છે જેમાં આનંદ નહીં, ઉપહાસ, વ્યંગ છલકાય છે.

આ કેવો માણસ છે જે પોતે ફાટેલા જૂતા પહેરી ફોટો પડાવી અન્ય કોઈ પર હસી રહ્યો છે?’ પરસાઈજીએ પ્રેમચંદજીનાં પાત્રોને પણ સાંકળી એક બેમિસાલ નિબંધ લખ્યો છે. કલમ તલવાર કરતાં વધુ શક્તિશાળી હોય છે, ખરું ને!

ટોઇલેટ એક હોટેલ કથા

મનુષ્યનું દિમાગ શરારતી હોય છે અને કરામતી પણ હોય છે. ખોબા જેવડા મગજમાં અફાટ સમુદ્ર જેવા ખયાલો-વિચારો-કલ્પના સતત ઉછળકૂદ કરતા હોય છે. જાણીને હેરત થાય, સાંભળી બે ઘડી કાન પર વિશ્વાસ ન બેસે એવી અજબ દુનિયામાં ગજબ ઘટના બનતી રહે છે. શિક્ષણ માટે જગવિખ્યાત એવા ઈંગ્લેન્ડના ઓક્સફર્ડ શહેરમાં ‘એક આઈડિયા જો બદલ દે જિંદગી’ જેવો નુસખો જોવા મળ્યો છે.

રાણી વિક્ટોરિયાના શાસન દરમિયાન આ શહેરમાં જન સુવિધા માટે ‘ધ નેટી’ નામનું એક અંડરગ્રાઉન્ડ ટોઇલેટ બાંધવામાં આવ્યું હતું. 113 વર્ષમાં લોકોની લઘુશંકા અને ગુરૂશંકાનું નિવારણ કર્યા પછી સલામતીનાં કારણોસર 2008માં ટોયલેટને તાળાં લાગી ગયાં. 11 વર્ષ બંધ અવસ્થામાં રહ્યા પછી એના માલિકે એને નવું સ્વરૂપ આપવા વિચાર્યું.

પાંચેક વર્ષના આયોજન અને મહેનત પછી આજે એ ટોઇલેટ એક બુટિક હોટેલ બની ગયું છે. ઓક્સફર્ડ શહેરના અનોખા આવાસની ખ્યાતિ મેળવનાર આ હોટેલમાં માત્ર બે સ્વીટ (ઘર જેવા લાગતા હોટેલ રૂમ) છે અને એનું લઘુતમ ભાડું એક દિવસ-એક રાતના 170 પાઉન્ડ (આશરે 20 હજાર રૂપિયા) છે.

આ વિશિષ્ટ હોટેલમાં સ્વાગત માટે કોઈ રિસેપ્શનિસ્ટ નથી, નથી કોઈ રેસ્ટોરાં કે નથી કોઈ રૂમ સર્વિસની સગવડ. હા, આગમન વખતે મહેમાનને કોમ્પ્લિમેન્ટરી કોકટેલ આપવામાં આવે છે અને બીજી કોઈ જરૂરિયાત પૂરી કરવા હેલ્પલાઇન નંબર આપવામાં આવે છે. હા, સૂવાબેસવાની સગવડ સાથે એક નાનકડું ટોઇલેટ પણ છે. હોટેલની અંદર દાખલ થયા પછી એની સજાવટ આંખોને મોહી લે છે ને ટોઇલેટનું કેવું ટ્રાન્સફોર્મેશન (પરિવર્તન) થઈ શકે છે એનું અચરજ થાય છે.

લ્યો કરો વાત!

અમેરિકાનું શહેર જે અમેરિકામાં નથી. શું વાત કરો છો? અમેરિકાનું પોઈન્ટ રોબર્ટ્સ જાણીતું શહેર નથી. જોકે, અમેરિકાના લોકો એનાથી સારી પેઠે પરિચિત છે. પોતાના જ દેશમાં નથી એવા શહેર તરીકે આ જગવિખ્યાત છે. આ શહેરમાં જવા માગતા અમેરિકન લોકોએ આંતરરાષ્ટ્રીય સરહદ ઓળંગીને જવું પડે છે.

આ શહેર એક્સકલેવ તરીકે ઓળખાય છે. એક્સક્લેવ એટલે એવું શહેર જે રાજકીય રીતે કોઈ દેશ સાથે જોડાયેલું છે, પણ એની ભૌગોલિક સરહદ અલગ છે. અહીં પ્રવેશવા માટે તમારે બીજા દેશમાંથી પસાર થવું પડે છે. મોટાભાગના અમેરિકનો સુધ્ધાં કેનેડા મારફત જ આ શહેરમાં દાખલ થઈ શકે છે. પોઈન્ટ રોબર્ટ્સ ગ્રામ્ય વિસ્તાર છે અને અહીંની વસતિ બે હજારની આસપાસ માંડ હશે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button