આ તો સ્કેમ છે… સ્કેમ છે…!: પશુ, ઘાસચારો, દવા ને કંપની બોગસ, ચુકવણી સાચી!

પ્રફુલ શાહ
ખરા અર્થમાં જનપ્રિય લાલુ પ્રસાદ યાદવ પ્રજા અને મીડિયાના ખૂબ વહાલા- માનીતા બની ગયા હતા. આજે લાલુજી ભલે ઘાસચારા કૌભાંડનો પર્યાય બની ગયા હોય પણ ગોળાચારી એમના શાસન અગાઉ શરૂ થઈ ચુકી હતી. સામાજિક ન્યાયના બુંગિયા પોકારનારા લાલુ એમાં કઈ રીતે સપડાઈ ગયા એ જોઈએ.
બિહારની ધરતી પર ભલે પવિત્ર ગંગા વહેતી હોય, મહાવીર-બુદ્ધ અને નાલંદા તક્ષશીલાની ગૌરવવંતી પરંપરા હોય પણ ભ્રષ્ટ રાજકારણીઓએ એને ગંદીગોબરી ભૂમિ બનાવી નાખી. પછી બિહાર જાણે ભ્રષ્ટાચાર અને અપરાધનું પાટનગર બની ગયું. આ વિધાનમાં કદાચ થોડી ઘણી અતિશોક્તિ હોઈ શકે ખરી.
ફ્રોડર સ્કૅમ કે ઘાસચારા ગોટાળો પ્રકાશમાં આવ્યો 1990ના દાયકામાં. સમગ્ર દેશને હમમચાવીને અખબારોની હેડલાઈન પર કબજો જમાવી લેનારું આ કૌભાંડ એકદમ અનોખું હતું. આમાં સીધેસીધી રૂપિયાની ચોરી કે ઉઠાંતરી નહોતી પણ શાસન અને ભ્રષ્ટ બુદ્ધિની ગજબનાક મિલીભગત હતી. ટૂંકમાં કહી શકાય કે બનાવટી કે અસ્તિત્વ ન ધરાવતા ગાય-ભેંસ જેવા ઢોરઢાખરને નામે ઠગાઈ થતી હતી. રાજ્યના પશુપાલન વિભાગમાં આ સડાની લાલુપ્રસાદ શાસનના આગમન અગાઉ શરૂઆત થઈ ચૂકી હતી.
1970ના દાયકામાં બિહારનો પશુપાલન વિભાગ ચુપચાપ નાના-નાના ગોટાળા- બનવાનો અડ્ડો બની ગયો હતો. નીચલા સ્તરના કર્મચારીઓ ખોટા બિલ બનાવીને પશુઓ માટે ચારો, દવા અને સાધન- સામગ્રીના નામે નાની-મોટી રકમ ઘરભેગી કરતા હતા. આ બધુ બેરોકટોક અને સરળતાથી ચાલતું હતું. આવી છેતરપિંડીની નાની રમત ધીમે ધીમે મોટી થવા માંડી એટલે એમાં મોટા માથા સામેલ થઈ ગયા. નામવંત નેતાઓ, ટોચના અમલદારો અને સપ્લાયર્સની ટોળકીએ પશુને નામે બેફામ રકમ ચાવવાનું શરૂ કરી દીધું.
આ પહેલીવાર પર્દાફાશ થયું 1985માં. એ સમયના (CAG કોમ્પટ્રોલર ઍન્ડ ઑડિટર જનરલ ઑફ ઈન્ડિયા) એટલે કે કૅગ’ (ભારતના નિયંત્રક અને મહાલેખા પરીક્ષક) દ્વારા આ માલલો બહાર આવ્યો. એ સમયે તે પ્રામાણિકકૅગ’ ટી. એન. ચતુર્વેદીને બિહારની સરકારી તિજોરીના માસિક ખર્ચના અહેવાલ આપવામાં થતાં વિલંબ અંગે શંકા ગઈ. તેમણે તત્કાળ મુખ્ય પ્રધાન ચંદ્રશેખર સિંહને સાફ શબ્દોમાં ચેતવણી આપી હતી કે આ વિલંબમાં મને ગોટાળાની ગંધ આવે છે. પરંતુ એમની વાત કોઈએ ન સાંભળી અને બધું અગાઉની જેમ ચાલતું રહ્યું.
પછી 1990માં લાલુપ્રસાદ યાદવ બની ગયા બિહારના ચૂંટાયેલા નાથ. આ આખાબોલા, સ્પષ્ટવકતા, હસમુખા અને સામાજિક ન્યાયની દુહાઈ આપનારા નેતાના રાજમાં ય પશુપાલન વિભાગમાં ભ્રષ્ટાચારનો ચારો ચરવાનું ચાલુ જ ન રહ્યું, પરંતુ સતત વધતું ગયું.
અગાઉ માત્ર બનાવટી બિલ બનતા હતા. હવે બનાવટી ગાય, ભેંસ અને બકરી પણ ઉમેરાવા માંડયા. એક હજારને બદલે બે હજાર જાનવર માટે ચારો-દવા મંગાવાય. પશુપાલન ખાતામાં સતત જાનવરોની સંખ્યા વધવા માંડી. એમની જરૂરિયાત પણ વધે જ ને? સાચા પ્લસ બનાવટી-અસ્તિત્વહિન જાનવરો ઘાસ-દવા-સામગ્રી આવતા પણ વધારાની સામગ્રી રાજકારણીઓ-અમલદારો ઓહીયા કરી જતા અને કોઈને ઓડકાર સુધ્ધાં સંભળાતો નહોતો. હદ તો જુઓ કે અમુક જાનવરોને હરિયાણા કે પંજાબમાંથી સ્કુટર પર બિહાર લવાયાનું સત્તાવાર દસ્તાવેજોમાં નોંધાયું હતું.
પરંતુ બાબત સારી હોય કે ખરાબ, કંઈ કાયમી હોતું નથી. 1996માં નવો ફણગો ફુટ્યો. એ સમયે નાયક બન્યા અમિત ખરે. તેઓ ચાઈબાસા (ત્યારે બિહારમાં પણ હવે ઝારખંડ)ના નાયબ કમિશનર હતા. ખરેસાહેબે ન જાણે કેમ પશુપાલન ખાતાની કચેરીઓ પર દરોડા પાડયા. 1996ની 27મી જાન્યુઆરીએ ભરાયેલા આ પગલામાં એવું-એવું સામે આવ્યું કે દરોડા પાડનારાઓની આંખ અને મોઢા ખુલ્લા ને ખુલ્લા રહી ગયા.
પશુપાલન ખાતાની સરકારી કચેરીઓમાં શું શું હતું? અસ્તિત્વ ન ધરાવતી કંપનીઓને ઘાસચારા અને દવાની ખરીદી પેટે મોટીમસ રકમ ચુકવાઈ હતી. એ સમયે ચાઈબાસા જિલ્લાની સરકારી તિજોરીમાંથી અધધ કહી શકાય એટલા રૂા. 37.70 કરોડની હેરાફેરી થઈ હતી. આ કદાચ જિલ્લા સ્તરનું કૌભાંડ બનીને અખબારોની ફાઈલ, પોલીસના ચોપડા અને અદાલતના કબાટમાં ધૂળ ખાતું સબડી રહ્યું હોત, પરંતુ `એશિયન એજ’ નામના અખબારે એવો ધડાકો કર્યો કે માત્ર બિહાર નહિ, આખા દેશમાં હોબાળો મચી ગયો. તલવાર કરતાં કલમ વધુ તાકાતવાર હોવાનું ફરી પુરવાર થયું. આ કલમને પ્રતાપે ઘણાંના ચહેરા, વ્યક્તિત્વ, વર્તમાન અને ભવિષ્ય પર કાળી મેષ લાગી જવાની હતી. (ક્રમશ:)



