
- હેન્રી શાસ્ત્રી
શારીરિક બળની બાબતમાં પુરુષ એકંદરે ચડિયાતો ખરો, પણ માની આંતરિક શક્તિ સામે પુરુષ જ નહીં વિશ્વની અનેક તાકાત પાણી ભરે એ દર્શાવતા અનેક ઉદાહરણ દુનિયાએ જોયા અને જાણ્યા છે.
50 વર્ષની ચીની માતાની કહાણી આ વાતને પુષ્ટિ આપે છે. ‘સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટ’ અખબારમાં પ્રકાશિત માહિતી અનુસાર 1990માં કેમેસ્ટ્રીમાં ગ્રેજ્યુએટ થયેલી યાંગ નામની મહિલાએ 50 વર્ષની ઉંમરે મેળવેલી સિદ્ધિએ અનેક લોકોને અચંબામાં મૂકી પ્રેરણા સાબિત થઈ છે.
2013માં મહિલા ગંભીર રીતે દાઝી જતા ડાબા હાથે એ કશું જ કામ નહોતી કરી શકતી જ્યારે જમણે હાથે થોડું ઘણું કામ થઈ શકતું હતું, પણ એનું મગજ એકદમ સાબૂત હતું. શારીરિક મર્યાદા આવે ત્યારે દિમાગ વધુ મજબૂત બનતું હોય છે એ ન્યાયે નોકરી ગુમાવી અને ડિપ્રેશન માં સરી પડવા છતાં મનોબળ મક્કમ હતું. ભણતર માટે રુચિ વધી.
આ દરમિયાન પુત્ર લો સ્કૂલની એન્ટ્રન્સ એક્ઝામમાં નાપાસ થયા પછી એનાં પુસ્તકો નજીવી રકમમાં વેચી નાખવાને બદલે માતુશ્રીએ જિજ્ઞાસાથી એના પાનાં ફેરવવાનું શરૂ કર્યું અને વિષયો બહુ મુશ્કેલ ન લાગ્યા. એટલે દીકરાને નિષ્ફળતા મળી હતી એ જ પરીક્ષા માટે માએ તૈયારી શરૂ કરી અને પતિ અને પુત્રની મદદથી પરીક્ષામાં પાસ પણ થઈ ગઈ. ‘મન હોય તો માળવે (આમ) જવાય!’ એ કહેવતનો વધુ એક સાક્ષાત્કાર.
ફસાતી હૈ દુનિયા ફસનેવાલા ચાહિયે
‘ઝૂકતી હૈ દુનિયા ઝુકાનેવાલા ચાહિયે’ ભાષા પ્રયોગમાં એક જણના સામર્થ્ય અને બીજાની નબળાઈની વાત ઉજાગર થાય છે. એકવીસમી સદીની ડિજિટલ દુનિયામાં જનતાને પટાવી ને ફસાવી એમનું બેંક બેલેન્સ શૂન્ય કરી પોતાના એકડા આગળ શૂન્યો વધારવા સ્કેમર તરીકે જાણીતી મંડળી ટાંપીને જ બેઠી હોય છે. આ લોકો એવી એવી તરકીબ અને એવા એવા નુસખા અજમાવે છે કે દંગ રહી જવાય.
આવા પ્રયાસો સામે અનેકવાર જાહેરમાં ચેતવણી આપવા છતાં ભોળી કે બેવકૂફ જનતા સ્કેમરની જાળમાં ફસાઈ જાય છે. આપણા દેશના મિસ્ટર નટવરલાલે (મિથિલેશ કુમાર શ્રીવાસ્તવ) તો વિદેશી પર્યટકોને તાજમહેલ ‘વેચી’ને પૈસા ઓળવી લીધા હોવાનું ઉદાહરણ છે. ભૂકંપના પ્રદેશ તરીકે પ્રખ્યાત જાપાનમાં એક 80 વર્ષના સન્નારી પાસેથી એક ધુતારો 10 લાખ યેન (આશરે સાડા છ લાખ રૂપિયા) પડાવી લીધા હોવાનો કિસ્સો બહાર આવ્યો છે.
અલબત્ત, સન્નારીએ ગુમાવેલા પૈસા કરતાં ઠગે જે કારણ માટે પૈસા માંગ્યા એની વધુ ચર્ચા થઈ રહી છે. ધુતારાએ માજીને ફોન કરીને કહ્યું કે ‘હું એસ્ટ્રોનોટ છું અને અંતરિક્ષમાં-સ્પેસમાં વિવિધ પ્રયોગો કરી દેશનું ભાવિ ઉજળું કરવાની દિશામાં કામ કરી રહ્યો છું.’ આવી બીજી કેટલીક વાતો કરી દાદીમા માટે માનવંતો બની ગયા પછી ચારેક દિવસ બાદ સ્કેમરે પોત પ્રકાશ્યું.
‘હું સ્પેસમાં મુસીબતમાં આવી ગયો છું અને ઓક્સિજન ખરીદવા તાત્કાલિક પૈસાની જરૂર છે. જો પૈસા સમયસર નહીં મળે તો…’ એમ રડમસ અવાજમાં કહ્યું. માજી બિચારા ભોળવાઈ ગયાં અને ધુતારાએ જણાવ્યા અનુસાર બેંક એકાઉન્ટમાં પૈસા જમા કરાવી દીધા. જાળમાં ફસાઈ ગયા હોવાનો ખ્યાલ દાદીમાને આવ્યો ત્યારે બહુ મોડું થઈ ગયું હતું. પોલીસમાં ફરિયાદ કરી, પણ ‘તમારા પૈસા પાછા નહીં આવે’ એમ સાફ કહી દેવામાં આવ્યું. જોકે, અન્ય લોકો આવી છેતરપિંડીનો ભોગ ન બને એ માટે આખો કેસ જાહેરમાં મૂકી દીધો.
મંદિરમાં લાઈબ્રેરી… નવી પેઢીનું આગવું ઘડતર
ધર્મનું શિક્ષણ અને શિક્ષણનો ધર્મ એ બંને બાબત સ્થૂળ સ્વરૂપે બે છેડાની લાગે, પણ સૂક્ષ્મ ભાવે એમાં ઘણું સામ્ય છે. ધર્મ અને શિક્ષણ સખા સહિયારા બને તો જાગૃત અને વિચારલક્ષી પેઢી તૈયાર થાય એવી માન્યતા ખોટી તો નથી જ. હરિયાણા રાજ્યમાં શિક્ષણ એ સાચો ધર્મ છે એવું સ્થાપિત કરતો ધર્મ અને શિક્ષણનો એવો સુંદર સમન્વય જોવા મળ્યો છે કે મંદિરમાં બિરાજમાન દેવ પણ રાજી થઈ ગયા હશે.
રાજ્યના કૈથલ જિલ્લાના બડસિકરી ગામના મંદિરના સંકુલમાં જ એક લાઈબ્રેરી 2012માં શરૂ કરવામાં આવી હતી. ઈશ્વરનાં ચરણે નતમસ્તક થવા આવતા વિદ્યાર્થીઓમાં પુસ્તકાલયના સભ્ય બનવાની રુચિ જાગી. ધરમ ધ્યાનને પગલે શિક્ષણમાં ધ્યાન પરોવાયું અને એક આખી પેઢીનું જીવન ધોરણ સુધરી ગયું એ ઉજળી વાસ્તવિકતા છે.
સરકારી નોકરી મેળવવા ઉત્સુક અભ્યાસીઓ માટે પ્રભુના આશીર્વાદ સાથે આ લાઈબ્રેરી પણ આશીર્વાદરૂપ બની ગઈ. આશરે પાંચેક હજારની વસતિ ધરાવતા આ ગામમાં આંગળીઓના વેઢાં પર ગણી શકાય એટલા સરકારી કર્મચારી હતા. આજની તારીખમાં આ સંખ્યા 70ની આસપાસ પહોંચી ગઈ છે.
ગામમાં એક સુધ્ધાં બાળક અભણ-અશિક્ષિત ન રહે એ હેતુ સાથે મંદિરના પરિસરમાં શરૂ થયેલા આ પુસ્તકાલય જનતાને શિક્ષિત કરવામાં યોગદાન આપી એમનું જીવનધોરણ સુધારી દીધું છે. અભ્યાસ કરવામાં મળતી સગવડોને કારણે લોકોને પોલીસ, શિક્ષણ તેમ જ એડમિનિસ્ટ્રેટિવ વિભાગમાં સારી નોકરી મળી છે. વિશેષ મહત્ત્વની વાત તો એ છે કે કન્યાઓ માટે અલગ લાઈબ્રેરી હોવાને કારણે સલામતી અનુભવી મોડી રાત સુધી એ લોકો અભ્યાસ કરી શકે છે. રાજ્યમાં મહિલા સાક્ષરતા દર વધી રહ્યો છે. એકંદરે લાઈબ્રેરી લાઈફલાઈન બની ગઈ છે.
ટીચર ટીચર ચીટર સ્ટાર નાઉ આઈ નો વ્હોટ યુ આર!
શાળામાં અંગ્રેજી વ્યાકરણ શીખવતીવખતે ANAGRAM શીખવવામાં આવે છે. કોઈ એક શબ્દના અક્ષરો નવેસરથી ગોઠવી નવો શબ્દ બને એને ‘એનાગ્રામ’ કહે છે. મજેદાર વાત એ છે કે TEACHER (જ્ઞાન આપતા શિક્ષક-શિક્ષિકા) અને CHEATER (છેતરપિંડી કરનારી વ્યક્તિ) એનાગ્રામ છે. ટીચર અને ચીટર વિરોધાભાસી છે. જોકે, જર્મનીમાં એક ટીચર જ ચીટર હોવાનું જાણવા મળતા ‘વાડ જ્યારે ચીભડા ગળે..’ એવો માહોલ ઊભો થય એ સ્વાભાવિક છે.
વાત એમ છે કે જર્મનીમાં એક ટીચર છેલ્લાં 16 વર્ષથી માંદગીની રજા (સિક લીવ) ભોગવી રહી છે. દર મહિને મેડિકલ સર્ટિફિકેટ પણ જમા કરાવતી રહી. જર્મન કાયદા અનુસાર ટીચર ‘પબ્લિક સર્વન્ટ’ કેટેગરીમાં આવે છે અને એમને અન્ય સરકારી કર્મચારીઓ કરતાં વધુ લાભ મળે છે. ટીચર જો બીમાર પડે તો અચોક્કસ મુદત સુધી પૂરા પગારના હકદાર રહે છે. વળી એમને નોકરીમાંથી કાઢી પણ ન શકાય એવો કાયદો છે.
જર્મનીમાં ટીચરનો માસિક પગાર 6100 યુરો હોય છે. 16 વર્ષની માંદગીની રજા દરમિયાન તેને 10 લાખ યુરો (આશરે 10 કરોડ રૂપિયા) પગાર પેટે ચૂકવવામાં આવ્યા હોવાનો અંદાજ છે. 16 વર્ષ સ્કૂલ દ્વારા ટીચરને બીમારી સાબિત કરવા મેડિકલ ટેસ્ટ (તબીબી જાંચ) માટે કહેવામાં આવ્યું તો મેડમ ટીચરે સ્કૂલ પર જ કેસ ઠોકી દીધો છે. જોકે, કોર્ટે ટીચરની અરજી ફગાવી મેડિકલ ટેસ્ટ માટે આગ્રહ રાખ્યો છે. આ ગુરુ તો ‘ગુરુ ઘંટાલ’ સાબિત થશે એવું લાગે છે.
લ્યો કરો વાત!
જાપાનમાં એક જંગલ એવું છે જ્યાં રાતે તો શું દિવસે જતા પણ લોકો થરથરી ઊઠે છે. ભૂતના નિવાસસ્થાનની ‘ખ્યાતિ’ મેળવ્યા પછી આજની તારીખમાં એ સ્યુસાઇડ પ્લેસ મતલબ કે ‘આત્મહત્યાના સ્થળ’ તરીકે ઓળખ ધરાવે છે. દર વર્ષે અહીં આત્મહત્યાના બનાવ બને છે.
વિશ્વવિખ્યાત માઉન્ટ ફ્યુજીની તળેટીમાં ઓકિગહારા નામના જંગલનો આ વિસ્તાર વર્ષો સુધી વૃક્ષોના સમુદ્ર તરીકે ઓળખાતો હતો, પણ એકવીસમી સદીમાં એને ‘સ્યુસાઇડ ફોરેસ્ટ’ તરીકે નવી ઓળખ મળી છે.
આ જંગલમાં રહેલી અલૌકિક શક્તિને કારણે ત્યાં જનારા લોકો આત્મહત્યા કરી લે છે અને ત્યારબાદ એમના આત્મા ત્યાં ભટકતાં રહે છે એવી અંધશ્રદ્ધા ફેલાઈ છે. ઘનદાટ, ભયાનક અને ભૂતિયા જંગલમાં ધોળે દિવસે સૂર્યનું એક કિરણ પણ પહોંચી શકતું નથી.
આપણ વાંચો: તસવીરની આરપારઃ તરણેતર મેળામાં આકર્ષણ જમાવે છે ગાયની હરીફાઈ!