અજબ ગજબની દુનિયા | મુંબઈ સમાચાર

અજબ ગજબની દુનિયા

  • હેન્રી શાસ્ત્રી

હરિકાની હિંમતને સલામ

તાજેતરમાં દેશવાસી ચેસની અવ્વલ ખેલાડી કોનેરુ હમ્પીને પરાસ્ત કરી ચેસમાં વર્લ્ડ ચેમ્પિયન બનેલી દિવ્યા દેશમુખના ગુણગાન ચારે દિશામાં ગાઈ રહ્યા છે. અલબત્ત, એ એની હકદાર પણ છે. રમતના રસિયાઓ આ તબક્કે ત્રણ વર્ષ પહેલા ચેન્નઈમાં રમાયેલી ચેસ ઓલિમ્પિયાડ અને એમાં સહભાગી થયેલી ભારતીય શતરંજની ગ્રાન્ડમાસ્ટર હરિકા દ્રોણાવલીના પર્ફોર્મન્સને સંભારી રહ્યા છે. એ સ્પર્ધા ઐતિહાસિક મહત્ત્વ એટલા માટે ધરાવે છે કે ભારતીય પુરુષ ટીમ કોઈ મેડલ નહોતો મેળવી શકી, જ્યારે આપણી મહિલા ટીમ ચેસ ઓલિમ્પિયાડમાં પ્રથમ વાર મેડલ મેળવવામાં સફળ રહી હતી. એ સફળતામાં કોનેરુ હમ્પી હતી અને અન્ય ખેલાડીઓ સાથે હરિકા દ્રોણાવલી પણ ટીમમાં હતી. એ સમયે આઠ મહિનાની ગર્ભવતી હોવા છતાં હરિકા સહભાગી થઈ અને પડકારને ઈતિહાસમાં ફેરવી નાખ્યો. 13 વર્ષની ઉંમરે શતરંજ રમવાનું શરૂ કરનારી હરિકાનું સપનું હતું કે ભારતને મેડલ મળે. ચેન્નઈની સ્પર્ધા વખતે ઉજળા સંજોગો હતા એટલે સગર્ભા હોવા છતાં દેશનું નામ રોશન થાય એ માટે સ્પર્ધામાં ઉતરી અને ફતેહ મેળવી. હરિકાને યાદ કરવી એ આપણી ફરજ છે.

કોલિન કાઉડ્રેની કમાલ

ઓવલના મેદાન પર સોમવારે ભારતે મેળવેલો દિલધડક વિજય અનેક કારણોસર દેશવાસીઓની સ્મૃતિમાં અકબંધ રહેશે. જોકે, ઈંગ્લેન્ડ માટે હોઠ નજીક આવેલો જામ ઢોળાઈ ગયો જેવી પરિસ્થિતિ થઈ. અલબત્ત, વિજય માટે 17 રન બાકી હતા ત્યારે ડાબા ખભામાં તીવ્ર ઈજા અને ભયંકર દુખાવા સાથે બેટિંગ કરવા આવેલા ફાસ્ટ બોલર ક્રિસ વોક્સનો લડાયક મિજાજ ઈંગ્લેન્ડની ટીમ માટે અનોખું સંભારણું બની રહેશે. 1963માં લોર્ડ્સમાં રમાયેલી ઈંગ્લેન્ડ – વેસ્ટ ઈન્ડિઝ સિરીઝમાં પણ પ્લાસ્ટર બાંધી ઈંગ્લેન્ડનો ખેલાડી મેદાનમાં ઊતર્યો હોવાની ઘટના બની હતી. એ ખેલાડી હતો અગ્રણી બેટ્સમેન કોલિન કાઉડ્રે. ટીમનો સ્કોર 3 વિકેટે 72 હતો ત્યારે વિન્ડિઝના ઝંઝાવાતી ફાસ્ટ બોલર વેસ્લી હોલનો બોલ વાગતા કાઉડ્રેના ડાબા હાથની કોણીમાં ફ્રેક્ચર થવાથી પેવેલિયનમાં બેસી રહેવું પડ્યું હતું. રસાકસીપૂર્ણ મેચમાં વિજય માટે પાંચ રન બાકી હતા ત્યારે મેચની અંતિમ ઓવરના ચોથા બોલે ઈંગ્લેન્ડની નવમી વિકેટ પડી હતી. એ સમયે કાઉડ્રે હાથમાં પ્લાસ્ટર સાથે ટીમનું ટાણું સાચવી લેવા મેદાનમાં ઊતર્યા હતા. દસમા નંબરનો ખેલાડી બીજા છેડે રન આઉટ થયો હોવાથી કાઉડ્રેએ રમવું પડે એમ નહોતું. નવમા નંબરના ખેલાડી ડેવિડ એલને બાકી રહેલા બે બોલ રમી કાઢ્યા અને મેચ ડ્રો થઈ. કાઉડ્રેના બેટની જરૂર ન પડી, પણ એની હિંમત ખપ લાગી.

વિદ્યાર્થીઓને શિક્ષણ કે શિક્ષા!

‘પઢેગા ઈન્ડિયા તો બઢેગા ઈન્ડિયા’ જેવું આકર્ષક સ્લોગન તૈયાર કરવું એક વાત છે અને એનો અમલ સર્વાંગી રીતે થાય એની ખાતરી કરવી એ અલગ વાત છે. આજનો બાળક આવતી કાલનો નાગરિક છે. એ બાળક શિક્ષિત થાય એ જવાબદારી શાસનની છે.

જોકે, મહારાષ્ટ્રના નાશિક શહેરના હેડપાડા ગામના બાળકોની અવસ્થા જોયા પછી એમને શિક્ષણ મળે છે કે શિક્ષા (સજા) એવો સવાલ થયા વિના રહે નહીં. પ્રાથમિક શાળામાં ભણવા જતા બાળકો માટે યુનિફોર્મ, પુસ્તકો અને કંપાસ બોક્સ સાથે પાણીની ભયજનક સપાટીમાં જાળવીને ‘મારે જાવું હેમખેમ પેલે પાર’ પણ એટલું જ મહત્ત્વ ધરાવે છે. એમાંય ચોમાસાના સમયમાં વરસાદને કારણે નદી છલકાય ત્યારે વાલીઓ બાળકોને પીઠ પર બેસાડી કે ખભે ઊંચકી નિશાળે મૂકવા – લેવા જાય છે. આ વ્યાયામ એટલા માટે કરવો પડે છે કે એક કાંઠે રહેલા ગામથી બીજે કાંઠે આવેલી શાળા સુધી પહોંચવા એક બ્રિજ પણ નથી. કેટલાક પેરન્ટ્સ આ જહેમત નથી ઉઠાવી શકતા, જેને કારણે એમનાં બાળક ભણતરથી વંચિત રહી જાય છે. આ તકલીફને કારણે હેડપાડાની જિલ્લા પરિષદની શાળામાં ભણવા આવતા વિદ્યાર્થીઓની સંખ્યા દિવસે દિવસે ઘટતી જાય છે અને અત્યારે હિંમત રાખી નદી ઓળંગી આવતા વાલીઓનું મનોબળ ભાંગી જશે તો પૂરતી સંખ્યાના અભાવે કદાચ શાળા બંધ થઈ જશે એવો ભય સતાવી રહ્યો છે.

અકેલા હૈ કેલા, તો ક્યા ગમ હૈ, બસ એક જરા ઈમોશન હો તેરા

જામનગર હોય કે જાપાન કે જર્મની, વીણી વીણીને ખરીદી કરવી એ સર્વકાલીન અને સર્વસ્થળીય ભાવના છે. દરેક સુપરમાર્કેટમાં એક અટૂલું ટમાટર કે નારંગી અથવા કેળું ‘આ લેવા જેવું નથી’ કહી ત્યાગી દેવામાં આવતું હોય છે. અંતે આ ત્યક્તા વસ્તુ બગડી જાય છે અને કચરામાં પધરાવી દેવામાં આવે છે. મોટે પાયે થતો બગાડ અને નુકસાન થતા અટકાવવા જર્મનીના સુપર માર્કેટે એક અલાયદો આઈડિયા અજમાવ્યો છે. એકલવાયા કેળાને SAD SINGLES (એકલવાયા દુ:ખી)નું લેબલ મારી ‘અમને તરછોડશો નહીં, અમને પણ ખરીદો’ જેવી લાગણીશીલ અપીલ કરવામાં આવી. આ વાત ગ્રાહકોના ધ્યાનમાં આવતા કેટલાક લોકોની આંખના ખૂણા ભીના થયા તો એવા પણ હતા જેમણે ‘સો કયુટ’ જેવી કોમેન્ટ કરી. અગાઉ એકલવાયા ટમાટર HAPPY SINGLES (એકલવાયા આનંદી) તરીકે વેચાણ કરવામાં આવ્યું હતું. જોકે દુ:ખી ભાવનાવાળા કેળાનું વેચાણ આનંદી ટમાટર કરતાં વધુ થયું. એટલું જ નહીં, ‘અમે દુ:ખી છીએ’ કેળાનો ઉપાડ વધવાથી કેળાના એકંદર વેચાણમાં 58 ટકાનો ઉછાળો નોંધાયો. આનંદમાં સહભાગી થવા કરતા લોકો દુ:ખમાં મદદ કરવા વધુ તત્પર હોય છે.

લ્યો કરો વાત!

ટેક્નોલોજીમાં કેવી કેવી પ્રગતિ થઈ રહી છે એ જાણ્યા પછી આવતી કાલે શું થશે એની કલ્પના ધ્રુજાવી દે છે. એમાંય ચીન તો એવું કૂદકે ને ભૂસકે આગળ વધી રહ્યું છે કે વાત ના પૂછો. રોબોટ – યાંત્રિક માનવીની મદદ તો વિવિધ ક્ષેત્રમાં લેવાઈ રહી છે. હોટેલથી માંડી ઓપરેશન થિયેટર સુધી નજરે પડતો આ રોબોટ હવે એક ડગલું આગળ વધ્યો છે. અત્યાર સુધી આ યાંત્રિક માનવની બેટરી બદલવાનું કામ સાચુકલા માણસે કરવું પડે છે. ચીને એવી યંત્રણા વિકસાવી છે જેમાં પાવર ઘટી ગયો છે એ જાણ રોબોટને થાય છે અને અને એ જાતે બેટરી બદલાવી નાખે છે, બોલો…! પરિણામે રોબોટ ક્યારેય પાવર વિનાનો નથી રહેતો. એક રીતે જોતા એનો પાવર વધી રહ્યો છે, બરાબર ને!

આપણ વાંચો:  ટૂંકુ ને ટચ : વજન ઘટાડવું હવે બનશે સરળ…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button