ઝોહરાન મમદાનીએ વેનેઝુએલા પર અમેરિકાના હુમલાની ટીકા કરી: “આ યુદ્ધ સમાન કૃત્ય છે”

વોશિંગટન ડીસી: ન્યૂ યોર્ક એવા ઘણા લોકોનું ઘર છે, જેઓ વેનેઝુએલાના આર્થિક અને રાજકીય સંકટને કારણે સ્થળાંતર કરી અહીં આવ્યા છે. ત્યારે અમેરિકા દ્વારા વેનેઝુએલામાં કરાયેલા હુમલાને કારણે ન્યૂ યોર્કમાં સ્થિત વેનેઝુએલાવાસીઓની સ્થિતિ વધુ તણાવપૂર્ણ બની છે. એવા સમયે ન્યૂ યોર્કના નવા ચૂંટાયેલા મેયર ઝોહરાન મમદાનીએ પોતાની પ્રતિક્રિયા આપી છે અને અમેરિકાની ટીકા કરી છે.
એકતરફી હુમલો કરવો યુદ્ધનું કામ છે
ન્યૂ યોર્ક શહેરના મેયર ઝોહરાન મમદાનીએ અમેરિકન સૈન્ય દ્વારા વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો અને તેમની પત્ની સિલિયા ફ્લોરેસની ધરપકડ સામે સખત વિરોધ નોંધાવ્યો છે.
ઝોહરાન મમદાનીએ એક્સ પર પોસ્ટ કરીને જણાવ્યું કે, “મને આજે સવારે અમેરિકન સેના દ્વારા વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો અને તેમની પત્નીને બંધક બનાવવામાં આવ્યા, સાથોસાથ ન્યૂ યોર્ક શહેરમાં ફેડરલ કસ્ટડીમાં તેમને જેલમાં પૂરવાની યોજના વિશે માહિતી આપવામાં આવી. કોઈ સાર્વભૌમ દેશ પર એકતરફી હુમલો કરવો યુદ્ધનું કામ છે અને ફેડરલ તથા આંતરરાષ્ટ્રીય કાયદાઓનું ઉલ્લંઘન છે.
આપણ વાચો: વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોને ન્યૂયોર્ક લવાશે, ફ્રાન્સે હુમલાની નિંદા કરી…
મારું ધ્યાન વેનેઝુએલાના લોકોની રક્ષા પર છે
મમદાનીએ આગળ જણાવ્યું કે, “સત્તાપલટ કરવાનો આ જાહેર પ્રયાસ વિદેશમાં રહેનારા લોકોને જ અસર નથી કરતો, પરંતુ તેની સીધી અસર ન્યુ યોર્કના રહીશો પર પણ પડે છે, જેમાં હજારો વેનેઝુએલાના લોકોનો પણ સમાવેશ થાય છે, જેઓ આ શહેરને પોતાનું ઘર કહે છે.
મારું ધ્યાન તેમની રક્ષા અને દરેક ન્યૂ યોર્કવાસીઓની રક્ષા પર છે અને મારું પ્રશાસન પરિસ્થિતિ પર દેખરેખ રાખશે અને જરૂરી આદેશો જાહેર કરશે.
ઉલ્લેખનીય છે કે, વેનેઝુએલામાં અમેરિકા દ્વારા કરાયેલી એર સ્ટ્રાઇકની ઘટનાએ સમગ્ર વિશ્વમાં રાજકીય ખળભળાટ મચાવ્યો છે. વેનેઝુએલા પર અમેરિકાના હુમલાની રશિયા, ચીન, ઈરાન અને અન્ય લેટિન અમેરિકન દેશોએ આકરી ટીકા કરી છે. UNએ અમેરિકાની આ કાર્યવાહીને આંતરરાષ્ટ્રીય સંબંધોમાં એક “ખતરનાક ઉદાહરણ” ગણાવ્યું છે.



