વિયેતનામમાં ભયાનક બોટ દુર્ઘટના: વાવાઝોડાથી ‘વન્ડર સી’ બોટ પલટી, 34 પ્રવાસીઓના મોત, અનેક લાપતા

હનોઈ: ખરાબ હવામાનને કારણે દરિયાઈ વિસ્તારોમાં મુસાફરી કરવા માટે યોગ્ય હોતું નથી. ઘણીવાર તે અકસ્માતનું કારણ પણ બનતું હોય છે. તાજેતરમાં વાવાઝોડાને કારણે વિયેતનામમાં એક પ્રવાસીઓથી ભરેલી એક બોટ પલટતા અનેક પ્રવાસીઓનું મૃત્યુ નીપજ્યું છે.
બોટ અકસ્માતમાં 34 લોકોનું મૃત્યુ
આંતરરાષ્ટ્રીય મીડિયાના અહેવાલો અનુસાર, 19 જુલાઈ 2025ને શનિવારની બપોરે ‘વન્ડર સી’ નામની આ હોડી 48 મુસાફરો અને પાંચ ક્રૂ મેમ્બરને લઈને હાલોંગ ખાડીના પ્રવાસે ગઈ હતી. પ્રવાસ દરમયિાન ખાડીમાં ભયાનક વાવાઝોડુ આવ્યું હતું. વાવાઝોડાના કારણે પ્રવાસીઓથી ભરેલી બોટ અચાનક દરિયામાં પલટી ખાઈ ગઈ હતી. જેને લઈને રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.
રેસ્ક્યૂ ઓપરેશનમાં 12 લોકોને બચાવી લેવાયા હતા તથા અનેક લોકોના મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા હતા. વિયેતનામના સરકારી મીડિયાના અહેવાલ મુજબ, આ બોટ અકસ્માતમાં 34 પ્રવાસીઓનું મૃત્યુ નીપજ્યું છે. જ્યારે 8 લોકોની શોધખોળ ચાલી રહી છે.
મળતી માહિતી મુજબ, બોટમાં 20 જેટલા મુસાફરો બાળકો હતા.જે પૈકીના એક 14 વર્ષીય છોકરાનો બચાવ થયો છે. પલટી ગયેલી બોટમાં આ છોકરો ચાર કલાક સુધી રહ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, વિયેતનામના હવામાન વિભાગ દ્વારા ‘વિપ્હા’ નામનું વધુ એક વાવાઝોડુ આવતા અઠવાડિયે ઉત્તર વિયેતનામમાં ત્રાટકશે એવી આગાહી કરવામાં આવી છે. જેમાં હાલોંગ ખાડીના દરિયાકાંઠાના વિસ્તારને એલર્ટ આપવામાં આવ્યું છે.
આ પણ વાંચો…ચર્ચગેટ સ્ટેશન પર ટ્રેન મેનેજરની ત્વરિત કામગીરીથી આગની દુર્ઘટના ટળી…