સાઉથ આફ્રિકાએ વર્લ્ડ કપના પ્લેયરની કૅપ્ટન્સી કેમ પાછી ખેંચી લીધી?
સાઉથ આફ્રિકાની ક્રિકેટ ટીમને ઇઝરાયલ-ગાઝા પટ્ટી યુદ્ધની વિપરીત અસર થઈ એવું જો તમને કોઈ કહે તો માનશો?
ખરેખર એવું બન્યું છે. 19મી જાન્યુઆરીએ સાઉથ આફ્રિકામાં અન્ડર-19 વર્લ્ડ કપ શરૂ થાય છે અને એ માટે યજમાન દેશના ક્રિકેટ બોર્ડે ઘણા દિવસ પહેલાં જ ડેવિડ ટીગરને કૅપ્ટન નિયુક્ત કરી દીધો હતો.
જોકે તેની સલામતી માટે ક્રિકેટ બોર્ડે તેને સુકાનીપદેથી દૂર કરી દીધો છે. કારણ એ છે કે થોડા દિવસ પહેલાં ટીગરે ઇઝરાયલના સૈનિકોની તરફેણ કરતા કેટલાક નિવેદનો આપ્યા હતા. મુદ્દાની વાત એ છે કે ઇઝરાયલ અને પૅલેસ્ટીનના પીઠબળવાળા હમાસ આતંકવાદીઓ વચ્ચેની વૉરમાં સાઉથ આફ્રિકાની સરકાર ઇઝરાયલની વિરુદ્ધમાં છે અને ટીગરે થોડા દિવસ પહેલાં એક અવૉર્ડ સ્વીકાર્યા બાદ એ અવૉર્ડ ઇઝરાયલી સૈનિકોને સમર્પિત કરતું નિવેદન આપ્યું હતું.
સાઉથ આફ્રિકાના ક્રિકેટ બોર્ડે નક્કી કર્યું છે કે ટીગરને કૅપ્ટન્સીમાંથી હટાવી દેવો, પરંતુ તેને પ્લેયર તરીકે ટીમમાં જાળવી રાખવો. નવો સુકાની થોડા દિવસમાં નિયુક્ત કરાશે.
સાઉથ આફ્રિકામાં રમાનારા અન્ડર-19 વિશ્ર્વકપમાં 16 દેશ ભાગ લેશે. ભારત આ જુનિયર વિશ્ર્વકપનું ડિફેન્ડિંગ ચૅમ્પિયન છે. ભારતની પ્રથમ મૅચ 20મી જાન્યુઆરીએ બાંગલાદેશ સામે રમાશે.