ન્યૂ યોર્કના પેહલા મુસ્લિમ, ભારતીય મૂળનો, સૌથી નાની ઉંમરનો મેયર ઝોહરાન મમદાની કોણ છે?

ન્યુ યોર્ક: ગઈ કાલે મંગળવારે યુએસના મેગા સીટી ન્યૂયોર્કમાં ઈતિહાસ રચાયો, શહેરના મેયરની ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીના ભારતીય મૂળના ઉમેદવાર ઝોહરાન મમદાનીની જીત થઇ. આ સાથે સમાજવાદી વિચારધારા સાથે જોડાયેલા 34 વર્ષીય ઝોહરાન મમદાની શહેરના સૌથી યુવા મેયર બનશે. તેઓ શહેરના પ્રથમ મુસ્લિમ અને દક્ષિણ એશિયન મેયર હશે.
મંગળવારે યોજાયેલી ચૂંટણીમાં 80 ટકા મતદાન યોજાયું હતું, જેમાં મમદાનીને 50.3 ટકા મત મળ્યા, જ્યારે અપક્ષ ઉમેદવાર એન્ડ્રુ કુઓમોને 41.6 ટકા મતો મળ્યા, રિપબ્લિકન ઉમેદવાર કર્ટિસ સિલ્વાને માત્ર 7.2 ટકા મતો મળ્યા.
સોશિયલ મીડિયા પર કટેલાક લોકો મમદાનીને યુએસના ભાવી રાષ્ટ્રપતિ ગણાવી રહ્યા છે.
કોણ છે મામદાની?
ઝોહરાન મમદાનીનો પ્રખ્યાત ભારતીય ફિલ્મ ડાયરેક્ટ મીરા નાયર અને યુગાન્ડાના વિદ્વાન લેખક મહમૂદ મમદાનીના દીકરા છે. ઝોહરાનનો જન્મ 18 ઓક્ટોબર, 1991 ના રોજ યુગાન્ડાના કમ્પાલામાં થયો હતો. તેઓ સાત વર્ષના હતા ત્યારે પતા-પિતા સાથે ન્યુ યોર્ક શહેરમાં રહેવા આવ્યા અને અમેરિકન નાગરિક બન્યા.
મામદાનીના લગ્ન સીરિયન-અમેરિકન કલાકાર રામા દુવાજી સાથે થયા છે, ઓક્ટોબર 2024 માં બંનેની સગાઈ થઇ હતી અને આ વર્ષે ફેબ્રુઆરીમાં લોઅર મેનહટનમાં શહેરના ક્લાર્કની ઓફિસમાં સદાઈ પુર્વક કોર્ટહાઉસ લગ્ન કર્યા હતા.
ઝોહરાન મમદાની વર્ષ 2017 માં ડેમોક્રેટિક સોશિયાલિસ્ટ્સ ઓફ અમેરિકામાં જોડાયા. ન્યૂ યોર્ક એસેમ્બલી ચૂંટણી 2020માં તેઓ ક્વીન્સના એક જિલ્લાથી જીત્યા, તેઓ 2022 અને 2024 માં ક્વીન્સથી ફરી ચૂંટાયા.
ન્યુ યોર્કના મેયર પદ માટે ચૂંટણી લડવાની જાહેરાત બાદ, મામદાનીએ તેમના પ્રચાર અભિયાનમાં મફત ચાઈલ્ડ કેર, મફત બસો, રેન્ટ-રેગ્યુલેટેડ એપાર્ટમેન્ટમાં રહેતા લોકો માટે ભાડા પર મર્યાદા લાદવા, નવા વ્યાજબી ભાવના આવાસો અને શ્રીમંતો પર વધારાનો કર જેવા મુદ્દાઓ આવરી લીધા હતાં.
ન્યુયોર્કના લોકોએ તેમનામાં વિશ્વાસ મુક્યો છે, મેયર પદ આપ્યું છે, હવે જોવાનું રહેશે કે તેઓ તેમના વચનો કેવી રીતે પુરા કરે છે.



