નેપાળમાં સરકારને ઉથલાવી નાખનાર આ Gen Z કોણ છે? જાણો તમારી ઉંમર પ્રમાણે તમે કઈ કેટેગરીમાં આવો છો

Who is Gen-Z: નેપાળ સરકારે તાજેતરમાં ફેસબુક, વોટ્સએપ અને યુટ્યુબ સહિતના 26 સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂક્યો હતો. જેને લઈને દેશના Gen-Z વિફર્યા હતા અને દેશવ્યાપી આંદોલન શરૂ કર્યું હતું. આ આંદોલનના કારણે ગણતરીના દિવસોમાં નેપાળમાં સરકાર પડી ભાંગી છે. જેથી Gen-Z ચર્ચામાં આવ્યા છે. ત્યારે આવો જાણીએ Gen-Z કોને કહેવાય છે?
વિશ્વમાં જુદી જુદી 6 જનરેશનનું અસ્તિત્વ
જુદા જુદા દાયકાના સમયગાળામાં જન્મેલા લોકો પ્રમાણે જુદી જુદી જનરેશનના ભાગ પાડવામાં આવ્યા છે. સમગ્ર વિશ્વમાં 6 પ્રકારની જનરેશન અસ્તિત્વ ધરાવે છે. જેમાં બેબી બૂમર્સ, જનરેશન એક્સ, મિલેનિઅલ્સ અથવા જનરેશન વાય, જનરેશન ઝેડ, જનરેશન આલ્ફા અને જનરેશન બીટાનો સમાવેશ થાય છે.

1946થી 1964 વચ્ચે જન્મેલા લોકોને બેબી બૂમર્સ કહેવાય છે. 1965થી 1980 વચ્ચે જન્મેલા લોકોને જનરેશન એક્સ(Gen X) કહેવાય છે. 1981થી 1996 વચ્ચે જન્મેલા લોકોને મિલેનિઅલ્સ અથવા જનરેશન વાય(Gen Y) કહેવાય છે. 1997થી 2012 વચ્ચે જન્મેલા લોકોને જનરેશન ઝેડ(Gen Z) કહેવાય છે. 2013થી 2025 વચ્ચે જન્મેલા લોકોને જનરેશન આલ્ફા(Gen α) તથા 2025 બાદ જન્મેલા લોકોને જનરેશન બીટા(Gen β) તરીકે ઓળખવામાં આવે છે. જોકે, આ 6 જનરેશન પૈકી જનરેશન ઝેડ(Gen Z) હાલ ચર્ચાનું કેન્દ્ર બની છે.
જનરેશન ઝેડ(Gen Z) કેમ બની ચર્ચાનું કેન્દ્ર
જનરેશન ઝેડ(Gen Z) હાલ યુવાન અવસ્થામાં છે. જેની ઉંમર હાલ 25થી 26 વર્ષ અથવા તેનાથી ઓછી હશે. આ એક એક પેઢી છે, જેણે ડિઝિટલ દુનિયાનો વિકાસ જોયો છે અને તેને અપનાવ્યો છે. આ પેઢી હંમેશા જુદી રીતે ડિઝિટલ પ્લેટફોર્મ અને સોશિયલ મીડિયા સુધી પહોંચી છે. તેનો કામ કરવાનો, સમજવાનો, બોલવાનો અને લોકો જોડે ભળવાનો ઢંગ મિલેનિઅલ્સ કરતા ઘણો અલગ છે. આ પેઢી જૂની વિચારધારા તથા પોતાની સંસ્કૃતિ અને સભ્યતાને બદલે ટેક્નોલોજી સાથે આગળ વધનારી છે. જોકે, Gen Zમાં Gen Y કરતાં અધ્યાત્મિકતાનું પ્રમાણ વધારે જોવા મળી રહ્યું છે.
Gen Zએ બદલાવ્યો સરકારનો નિર્ણય
આમ, ટેક્નોલોજી ફ્રેન્ડલી Gen Z નેપાળમાં સોશિયલ મીડિયા પરનો પ્રતિબંધ સહન ન કરી શકી. Gen Z યુવાનો કાઠમાંડુના રસ્તા પર ઉતરી આવ્યા અને છેક નેપાળની સંસદ સુધી પહોંચી ગયા. યુવા પ્રદર્શનકારીઓની ભીડને નિયંત્રણમાં લેવા માટે પોલીસે ટીયર ગેસ છોડ્યો હતો. જેના કારણે પ્રદર્શનો હિંસક બન્યા હતા. જેમાં અંદાજીત 19 યુવાનોનું મૃત્યુ થયું હતું. પરિણામે સરકારે સોશિયલ મીડિયા પરનો પ્રતિબંધ હટાવવાનો નિર્ણય પરત લેવો પડ્યો હતો.
આપણ વાંચો: નેપાળની વચ્ચગાળાની સરકારનું નેતૃત્વ કરનાર કોણ છે સુશીલા કાર્કી? ભારતને લઈ શું છે તેની વિચારધારા…