ચાબહાર પોર્ટ પર ભારતને મળતી છૂટછાટનો અંત લાવી અમેરિકાએ કોને કરાવ્યો ફાયદો?

નવી દિલ્હી: મુખ મે રામ, બગલ મેં છૂરી. આ કહેવત અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ પર બંધબેસે છે. કારણ કે તેઓ એક તરફ ભારત અને અમેરિકાની મિત્રતાની વાતો કરે છે અને બીજી તરફ એવા નિર્ણયો લે છે, જે દેશને નુકસાન પહોંચાડે છે. તાજેતરમાં પણ કંઈ એવું જ થયું છે. તાજેતરમાં અમેરિકાએ ઈરાનના વ્યૂહાત્મક ચાબહાર પોર્ટ પરના પ્રતિબંધોથી આપવામાં આવેલી મુક્તિને રદ્દ કરી દીધી છે. આ નિર્ણયથી ભારત પર કેવી અસર પડશે? આવો જાણીએ.
પાકિસ્તાન અને ચીનને થશે ફાયદો
સંરક્ષણ નિષ્ણાત ડૉ. બ્રહ્મ ચેલાનીએ ડૉનાલ્ડ ટ્રમ્પના બેવડા વલણને લઈને એક્સ પર એક પોસ્ટ કરી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, ટ્રમ્પની ભારત નીતિ સ્પષ્ટ થઈ રહી છે. મોદીની સતત પ્રસંશા કરીને તે તેમના પર દેખરેખ રાખી રહ્યા છે. મોદીને ‘મહાન’, ‘બહુ નજીકનો દોસ્ત’ અને ‘બહુ સારું કામ કરે છે’ એવું કહેવું એ ટ્રમ્પની કડવી વાતો પર મીઠો પડદો નાખવા સમાન છે. રશિયાના ઉર્જા ક્ષેત્ર પર પ્રતિબંધોના બીજા રાઉન્ડમાં ભારતને એકમાત્ર લક્ષ્ય બનાવવાથી લઈને, પાકિસ્તાનના ગ્વાદર બંદરના વ્યૂહાત્મક હરીફ એવા ઈરાનના ચાબહાર બંદર પરના પ્રતિબંધોમાં ભારતને મળતી છૂટછાટનો અંત લાવવા સુધીના પગલાં સૂચવે છે કે ટ્રમ્પની નીતિઓ માત્ર પ્રશંસા પૂરતી મર્યાદિત નથી. ટ્રમ્પની “સોદા કલા”માં ચાપલૂસી દોસ્તી નથી. આ લોખંડની મુઠ્ઠી પર મખમલની વાત છે.
ભારતની કંપનીઓની વધશે મુશ્કેલી
ભારત દ્વારા 2003માં ચાબહાર બંદરના વિકાસનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો, જેથી ભારતીય માલને ઈન્ટરનેશનલ નોર્થ-સાઉથ ટ્રાન્સપોર્ટ કોરિડોર પરિયોજનાથી પાકિસ્તાનને બાકાત રાખીને અફઘાનિસ્તાન અને મધ્ય એશિયા સુધી પહોંચાડી શકાય. 2018માં ભારતીય કંપનીઓને ચાબહાર પોર્ટ પર કામ કરવાની પરવાનગી આપવામાં આવી હતી. આ કંપનીઓ અમેરિકાના પ્રતિબંધો હેઠળ આવતી ન હતી. પરંતુ આ પરવાનગી રદ્દ થતા હવે ભારતીય કંપનીઓને અમેરિકાના પ્રતિબંધોનો સામનો કરવો પડશે. જોકે, ભારત ઈરાન સ્થિત ચાબહાર પોર્ટનો વિકાસ કરી રહ્યું છે. સંરક્ષણ નિષ્ણતાના જણાવ્યાનુસાર, અમેરિકાના આ નિર્ણયથી પાકિસ્તાન અને ચીનને સીધો ફાયદો થશે.
ઉલ્લેખનીય છે કે, અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ ઘણીવાર ભારતને મજબૂત ભાગીદાર ગણાવે છે, પરંતુ તેમની વાસ્તવિક નીતિમાં તે અમેરિકા ફર્સ્ટની કઠોર વલણ સાથે ચાલે છે. અમેરિકાએ જ્યારે ભારત પર 50 ટકા ટેરિફ લાદ્યો. ત્યારે ભારતે પોતાની વિદેશનીતિની સ્વાયત્તતા પ્રદર્શીત કરતા ચીનની આગેવાની વાળી SCO બેઠકમાં એક સ્વાવલંબી દેશ તરીકે પોતાની હાજરી આપી હતી. ત્યારે ડૉનાલ્ડ ટ્રમ્પને કહેવું પડ્યું હતું કે, મેં ભારત-રશિયાને ચીનના હાથોમાં ગુમાવી દીધું છે.
આ પણ વાંચો…પહેલા ટેરિફ બોમ્બ, હવે ચાબહાર બંદર પર અમેરિકાની કાતર: શું ભારતને મોટો ફટકો?