જ્યારે દુબઈના રસ્તા પર હોડીની જેમ તરતી દેખાઈ Tesla, Porsche And Rolls Royce…

પોતાની શાનદાર અને વૈભવી જીવન માટે પ્રખ્યાત સોનાની નગરી તરીકે ઓળખાતા દુબઈની સ્થિતિ હાલમાં ખૂબ જ ખરાબ છે. રણની વચ્ચોવચ્ચ વસેલાં આ શહેરમાં દાયકાઓ બાદ એટલો ધોધમાર વરસાદ રડ્યો છે કે નહીં પૂછો વાત. અહીં એટલો બધો વરસાદ પડ્યો કે થોડાક જ કલાકોમાં એરપોર્ટ, મેટ્રો સ્ટેશન, મોલ, રસ્તા બધે જ પાણી પાણી ફરી વળ્યું હતું અને એ સાથે જ રસ્તા પર એવા દ્રશ્યો જોવા મળ્યા કે જેના વિશે કોઈએ કલ્પના સુધ્ધા નહોતી કરી…
એકથી ચઢિયાતી એક લક્ઝરી અને મોંઘાદાટ કાર રસ્તા પર હોડી બનીને તરતી જોવા મળી હતી. જ્યાં એક સમયે રેતી અને ધૂળની ડમરીઓ ઉડતી હતી ત્યાં હવે આખા શહેર પર પાણી ફરી વળ્યું છે. સોશિયલ મીડિયા પર આના કેટલાક ફોટો અને વીડિયો વાઈરલ થયા છે. આ વીડિયોમાં રોલ્સ રોયસથી લઈને ટેસ્લા સુધીની કાર પાણીમાં તરતી જોવા મળી હતી.
આવો જ એક બીજો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે જેમાં કાર રસ્તા પર વચ્ચોવચ્ચ પાણીમાં અટવાઈ પડેલી જોવા મળી રહી છે અને એવું કહેવાઈ રહ્યું છે કે આ કાર પોર્શેની કાર છે. દરમિયાન ટેસ્લાની ઈલેક્ટ્રિક કારનો પણ એક વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ વાઈરલ થઈ રહ્યો છે. જેમાં કારના ફ્રન્ટ બંપર સંપૂર્ણપણે પાણીમાં ડૂબેલા દેખાઈ રહ્યા છે.
આ ઉપરાંત એક એસયુવી કારનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે જેમાં વરસાદનું પાણી અંદર ઘૂસી ગયું છે અને કારની પૂરી કેબિન વરસાદના પાણીથી ભરાઈ ગઈ છે. આ સિવાય રોલ્સ રોયલ કાર પણ દુબઈમાં પડેલાં આ ધોધમાર વરસાદમાં ફસાયેલી દેખાઈ રહી છે. પરંતુ રોલ્સ રોયસની કાર હાઈ વોટર વેડિંગ કેપેસિટી સાથે આવે છે.