હમાસનો ખાત્મો બોલાવ્યા બાદ ગાઝાના રહેવાસીઓનું ઇઝરાયલ શું કરશે?

ગાઝા પટ્ટીમાંથી હમાસનું અસ્તિત્વ કાયમ માટે નાબૂદ કરવા ઇઝરાયલ ગાઝામાં સતત હુમલા કરી રહ્યું છે. હમાસના અનેક આતંકીઓ અને યુદ્ધના ઠેકાણાને તેણે ખતમ કરી દીધું છે. જો કે ગાઝામાં આતંકીઓ ત્યાંની સ્થાનિક પ્રજાની વચ્ચે વસેલા છે. આતંકવાદીઓ ઇઝરાયલના હુમલાથી બચવા માટે સ્થાનિક પ્રજાનો ઉપયોગ કરી રહ્યા છે. એવામાં સવાલ એ ઉભો થાય છે કે જો ઇઝરાયલ જંગ જીતી જાય તો ગાઝાવાસીઓનું શું થશે?
પીએમ નેતન્યાહુએ નિવેદન આપ્યું હતું કે યુદ્ધ જીતી જઇએ પછી ઇઝરાયલ સંપૂર્ણપણે ગાઝાના નાગરિકોની સુરક્ષાની જવાબદારી ઉઠાવશે. ઇઝરાયલના રક્ષાવિભાગે પણ આ જ ઇશારો કર્યો હતો, આના પરથી એટલું સમજી શકાય છે કે હવે હમાસ જેવું અન્ય કોઇ સંગઠન ગાઝામાં વિકસે નહિ તેની ઇઝરાયલ પૂરેપૂરી તકેદારી રાખશે. જો યુદ્ધ ખતમ થયા બાદ ગાઝા સંપૂર્ણપણે ઇઝરાયલના કંટ્રોલમાં આવી જાય તે પછી તેમાં રહેતા નાગરિકો સાથે શું શું થઇ શકે તે અંગે કેટલાક તારણો આ મુજબ છે..
ઇઝરાયલ અલગ દેશ બન્યો એ પછી 20 વર્ષ સુધી તેની અંદર જે પેલેસ્ટાઇન તથા આરબ નાગરિકો રહ્યા તેમણે ફરજિયાતપણે આર્મીના શાસન હેઠળ રહેવું પડ્યું. જો કે 60ના દાયકો પૂર્ણ થતા સુધીમાં સ્થિતિ બદલાઇ. ઇઝરાયલની અંદર રહેતા પેલેસ્ટાઇનના નાગરિકો અન્ય સ્થાનિકો સાથે હળીમળીને રહેવા લાગ્યા. ત્યાં તહેવારો ઉજવવા લાગ્યા, પ્રોપર્ટી પણ ખરીદવા લાગ્યા.
પરંતુ આ બરાબરીના દાવાઓ વચ્ચે હાલત સંપૂર્ણપણે સારી પણ નહોતી. ઇઝરાયલના ઘણા કાયદા-કાનૂન એવા છે જેમાં યહુદીઓને વિશેષ સવલતો છે જ્યારે પેલેસ્ટાઇનના નાગરિકોને નહિ, જેમ કે દુનિયાનો કોઇપણ યહુદી ગમે ત્યારે ઇઝરાયલમાં આવીને વસી શકે છે, પરંતુ પેલેસ્ટાઇનનો નાગરિક એવું કરી શકે નહિ. ઉપરાંત યહુદીઓ અને પેલેસ્ટાઇનના લોકો વચ્ચે પ્રોપર્ટી લે-વેચને લઇને પણ કાયદાઓ અલગ થઇ ગયા છે, મોટાભાગે નેતન્યાહુના કાર્યકાળમાં આ કાયદાઓ બદલાયા છે. નેતન્યાહુના કાર્યકાળમાં પેલેસ્ટાઇનના મૂળિયા ધરાવતા લોકો પર નજર રાખવાની ઘટનાઓ પણ બની.
એક તર્ક એવો પણ છે કે ગાઝા પટ્ટીને ખાલી કરાવી દેવાય, ઇઝરાયલ યુદ્ધ બાદ ગાઝાના રહેવાસીઓને ખસેડીને અન્ય જગ્યાએ વસાવી દે તેવું પણ શક્ય છે. થોડા સમય પહેલા ઇઝરાયલની મિનીસ્ટ્રી ઓફ ઇન્ટેલિજન્સે ગાઝાના 2.2 મિલિયન લોકોને હટાવવા માટે એક પ્રસ્તાવ રજૂ કર્યો હતો જેમાં સિનાઇ દ્વીપ પર તેમને વસાવવાની ભલામણ હતી. જે ઇજીપ્ત, ઇઝરાયલ અને ગાઝાને અડીને આવેલું એક બફર ઝોન છે.