ઇન્ટરનેશનલનેશનલ

બોલો! સ્લો ઈન્ટરનેટ મામલે પાકિસ્તાનની ફજેતી થઈ તો સરકારે દોષનો ટોપલો જનતા પર ઢોળ્યો

લાહોરઃ આપણો પડોશી દેશ પાકિસ્તાને પણ 14મી ઑગસ્ટ આઝાદીના 77 વર્ષ પૂરાં કર્યા, પણ ખોટી નીતિ, વેરઝેર અને અવળી દિશાએ ગયેલી નેતાગીરીએ દેશની હાલત બદથી બદતર કરી નાખી છે. પાકિસ્તાનમાં રાજકીય, આર્થિક કે સામાજિક સ્થિતિ હંમેશાં હાલકડોલક રહી છે અને આમાં માત્ર જનતા પિસાઈ છે.

હાલમાં જ પાકિસ્તાનની એક વધારે વાર ફજેતી થઈ. બાંગ્લાદેશની ક્રિકેટ ટીમ પાકિસ્તાન મેચ રમવા ગઈ ત્યારે તેમણે ઈન્ટરનેટ સ્લો ચાલતું હોવાની ફરિયાદ કરી હતી. આ મુદ્દો ઘણો ચગ્યો હતો ત્યારે હવે પાકિસ્તાનના પ્રધાને આ માટે જનતાને જવાબદાર ઠેરવીને મુદ્દાને ઔર ચગાવ્યો છે.

પાકિસ્તાનનાં આઈટી પ્રધાન ફાતિમા ખ્વાજાએ દેશમાં ધીમા ઈન્ટરનેટ માટે ત્યાંના લોકોને જવાબદાર ગણાવ્યા છે. ખ્વાજાએ સમગ્ર દેશમાં ધીમા ઈન્ટરનેટનું મુખ્ય કારણ VPN એટલે કે વર્ચ્યુઅલ પ્રાઈવેટ નેટવર્કનો વધુ પડતો ઉપયોગ ગણાવ્યો છે.

આ પણ વાંચો: 25 વર્ષ બાદ પાકિસ્તાને ભૂલ સ્વીકારી… ‘પાકિસ્તાને ભારત સાથેનો શાંતિ કરાર તોડ્યો હતો’

ફાતિમા ખ્વાજાએ દાવો કર્યો છે કે સરકારે પાકિસ્તાનમાં ઈન્ટરનેટને ન તો બ્લોક કર્યું છે કે ન તો તેને સ્લો ડાઉન કર્યું છે. આ બધું VPNના વધુ પડતા ઉપયોગને કારણે થયું છે. જો કે સરકારે દાવો કર્યો છે કે ટૂંક સમયમાં ઇન્ટરનેટ સેવામાં સુધારો કરવામાં આવશે.

પાકિસ્તાનમાં ધીમા ઈન્ટરનેટને કારણે ફાયરવોલ સિસ્ટમને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે. ત્યાંના કાર્યકર્તાઓનું માનવું છે કે પાકિસ્તાનમાં પણ ચીનની જેમ ઈન્ટરનેટ ફાયરવોલ લગાવીને ઓનલાઈન સ્પેસને કંટ્રોલ કરવાના પ્રયાસો થઈ રહ્યા છે. ફાયરવૉલ એટલે અહીં એવો અર્થ થાય છે કે જે વેબસાઈટ કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સરકારના નિયંત્રણમાં નથી, તે નાગરિકોને ઉપયોગમાં લેવા દેવામા આવે નહીં,

આ પણ વાંચો: રામ મંદિર મુદ્દે પાકિસ્તાને UNમાં ફરી ઓકયું ઝેર, ભારતે આપ્યો જડબાતોડ જવાબ

ઈલોન મસ્કનું માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ X આ વર્ષે ફેબ્રુઆરીથી પાકિસ્તાનમાં બ્લોક કરી દેવામાં આવ્યું છે. ત્યાંના નેટ યુઝર્સ VPN એટલે કે વર્ચ્યુઅલ પબ્લિક નેટવર્કનો ઉપયોગ કરીને X પર કંઈક પોસ્ટ કરવા ઈચ્છે તો કરી શકે છે. પાકિસ્તાનમાં X ના લગભગ 21 મિલિયન યુઝર્સ છે. તાજેતરમાં, પાકિસ્તાન સરકાર દ્વારા લાદવામાં આવેલા વર્ચ્યુઅલ ફાયરવોલને કારણે, ત્યાંના IT ક્ષેત્રને 300 મિલિયન ડોલર સુધીનું નુકસાન થયું છે, તેમ એક અહેવાલ કહે છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સરકાર દ્વારા લાદવામાં આવેલા પ્રતિબંધોને કારણે, ત્યાંના નેટ યુઝર્સ VPNનો ઉપયોગ કરવો પડે છે, જેના કારણે ઇન્ટરનેટ સેવા પ્રભાવિત થઈ હોવાનું કહેવાય છે. VPNના વધુ પડતા ઉપયોગને કારણે સર્વર પર ભાર વધી રહ્યો છે, જેના કારણે દરેકને હાલાકી ભોગવવી પડી રહી છે, તેવું સરકારનું કહેવાનું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button