પુતિને અમેરિકન નાગરિકને ₹19 લાખની મોટરસાઇકલ ભેટ આપી; જાણો શું છે કારણ

જુનો: રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન તાજેતરમાં યુએસના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે યુક્રેન યુદ્ધ અંગે ચર્ચા કરવા અલાસ્કા આવ્યા હતાં. અલાસ્કાની આ મુલાકાત દરમિયાન પુતિને એક અમેરિકન નાગરિકને અનોખી ભેટ આપી હતી. અલાસ્કાના એન્કોરેજમાં રહેતા રશિયન મોટરસાયકલ ચાહકને પુતિનની ટીમ તરફથી$22,000 એટલે કે લગભગ રૂ. 19 લાખની કિંમતની મોટરસાઇકલ ભેટ (Putin Gifts motorcycle to US citizen) આપી હતી.
એન્કોરેજ મ્યુનિસિપાલિટીના નિવૃત્ત ફાયર ઇન્સ્પેક્ટર માર્ક વોરેનને પુતિન તરફથી રશિયન બનાવટની સાઇડકાર સાથેની એક નવી ઓલિવ-ગ્રીન યુરલ ગિયર અપ મોટરસાઇકલ ભેટમાં આપવામાં આવી. આ મોટરસાઈકલ મળતા માર્ક વોરેન ખુબ ખુશ છે.
પુતીને માર્કને ભેટ કેમ આપી?
એક સામાન્ય યુએસ નાગરિકને રશિયાના રાષ્ટ્રપતિએ મોટરસાઈકલ કેમ આપી એવા પ્રશ્નો થઇ રહ્યા છે. હકીકતે માર્ક પાસે પહેલાથી જ એક જૂની યુરલ મોટરસાયકલ છે, પુતિનની મુલાકાત દરમિયાન અલાસ્કા આવેલા રશિયન ટેલિવિઝન ક્રૂની નજર આ મોટર સાઈકલ પર પડી હતી અને માર્ક સાથે મોટરસાયકલ અંગે વાતચીત કરી હતી.
રશિયન ટેલિવિઝન ચેનલને આપેલા એક ટૂંકા ઇન્ટરવ્યૂ દરમિયાન માર્કે જણાવ્યું કે સોવિયેતની મોટરસાઈકલ માટે સ્પેરપાર્ટ્સ શોધવા ખુબજ મુશ્કેલ છે, જેના કારણે ઘણી તકલીફ પડી રહી છે. તેનો આ ઈન્ટરવ્યું વાયરલ થઇ ગયો, અને કોઈ રીતે પુતિનની ટીમ સુધી પહોંચ્યો અને માર્ક માટે નવી જ મોટરસાઈકલ મંગાવવા આવી.
મોટરસાયકલ મળ્યા બાદ માર્કે જણાવ્યું કે “આ અવિશ્વાસનીય છે અને મને ખબર નથી કે શા માટે મને આ ભેટ મળી કારણ કે હું ખરેખર એક સામાન્ય વ્યક્તિ છું.”
મોટરસાયકલ 24 કલાક પહેલા જ બનાવવામાં આવી હતી:
13 ઓગસ્ટના રોજ એક પત્રકારે માર્ક ફોન કરીને કહ્યું કે તેમને મોટરસાયકલ ભેટ આવામાં આવશે. માર્કને લાગ્યું કે કોઈએ મજાક કરી રહ્યું છે. 15 ઓગસ્ટના રોજ પુતિન અને ટ્રમ્પની મુલાકાત બાદ રશિયન ડેલીગેટ્સની ટીમ તેને એન્કોરેજની એક હોટલના પાર્કિંગ લોટમાં લઈ ગઈ અને મોટરસાઈકલ તેને સોંપી.
મોટરસાઈકલના કાગળ પર સહી કરતી વખતે માર્કે મોટરસાયકલની મેન્યુફેક્ચર ડેટ તપાસી, તેને જાણવા મળ્યું કે આ મોટરસાયકલ માત્ર 24 કલાક પહેલા જ બની હતી, તેને તાત્કાલિક વિમાન દ્વારા અલાસ્કા લાવવામાં આવી હતી. માર્કે તરત ટેસ્ટ રાઈડ લીધી.
યુનાઇટેડ સ્ટેટ્સમાં રશિયન એમ્બસીના કર્મચારી આન્દ્રે લેડેનેવે માર્કને મોટરસાયકલની ચાવી સોંપી. આન્દ્રે લેડેનેવે કહ્યું કે આ રશિયન ફેડરેશનના રાષ્ટ્રપતિ તરફથી એક વ્યક્તિગત ભેટ છે.
આ પણ વાંચો…ટ્રમ્પની પુતિન સાથેની બેઠક બાદ હવે ઝેલેન્સ્કી સાથે મુલાકાત: યુદ્ધવિરામ માટે દબાણ થશે?