નેપાળની જેન ઝી પ્રોટેસ્ટને દુનિયા કઈ રીતે જોઈ રહી છે, જાણો મીડિયા અહેવાલો વિશે | મુંબઈ સમાચાર
ઇન્ટરનેશનલ

નેપાળની જેન ઝી પ્રોટેસ્ટને દુનિયા કઈ રીતે જોઈ રહી છે, જાણો મીડિયા અહેવાલો વિશે

નેપાળમાં યુવાઓના ઉગ્ર વિરોધથી રાજકીય ઉથલપાથલ સર્જાઈ છે, જેના કારણે વડાપ્રધાન કે.પી. શર્મા ઓલીએ રાજીનામું આપ્યું છે. સોશિયલ મીડિયા પર પ્રતિબંધ અને ભ્રષ્ટાચાર સામેના ગુસ્સાથી શરૂ થયેલા આ આંદોલનમાં, ‘જનરેશન Z’એ મહત્વની ભૂમિકા ભજવી છે. કાઠમંડુ, પોખરા અને વીરગંજ જેવા શહેરોમાં કર્ફ્યુ હોવા છતાં પણ વિરોધ યથાવત્ જોવા મળી રહ્યો છે. વડા પ્રધાનના રાજીનામા બાદ નેપાળી સેનાએ દેશનો કબજો સંપૂર્ણ પણે પોતાના હાથમાં લઈ લીધો છે. આ ઘટનાએ આંતરરાષ્ટ્રીય મીડિયાનું ધ્યાન ખેંચ્યું છે, જે નેપાળની અશાંતિને ભ્રષ્ટાચાર અને રાજકીય અસ્થિરતા સામેના યુવાઓમાં આક્રોશ તરીકે જુએ છે.

શાંતિપૂર્ણ આંદોલને ઉગ્ર સ્વરૂપ લીધુ

સોમવારે કાઠમંડુના મૈતીઘર મંડળ ખાતે શરૂ થયેલું આ આંદોલન શાંતિપૂર્ણ હતું, જોત જોતામાં શાંતિપૂર્ણ આંદોલને ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. જે બાદ પોલીસને ટીયર ગેસ અને રબરની ગોળઓ અને પાણીની તોપનો ઉપયોગ કરવાની ફરજ પડી હતી. આ ઘટનામાં ઓછામાં ઓછા 20 લોકોનાં મોત થયા અને 400થી વધુ લોકો ઘાયલ થયા હતા. સરકારે 26 સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર પ્રતિબંધ મૂક્યો હતો, જેને યુવાઓએ અભિવ્યક્તિની સ્વતંત્રતા પર હુમલો ગણાવ્યો. આ ઉપરાંત, રાજકીય નેતાઓના બાળકોની વૈભવી જીવનશૈલી અને ભ્રષ્ટાચારના આરોપોએ યુવાઓના ગુસ્સાને વધુ ભડકાવ્યો હતો.

શું કહ્યું વૈશ્વિક મીડિયાએ

આ ઘટનાના પડધા આખા વિશ્વમાં પડ્યા છે. જ્યારે અલગ અલગ દેશની સરકાર આ આંદોલનને વિવિધ દ્રષ્ટીએ જોઈ રહ્યા છે. જેમાં બ્રિટનના ‘ધ ગાર્ડિયન’એ આને ભ્રષ્ટાચાર અને રાજકીય અસ્થિરતા સામેનું સામાજિક આંદોલન ગણાવ્યું હતું. જે ફક્ત સોશિયલ મીડિયા પ્રતિબંધ સુધી મર્યાદિત નથી.

વોશિંગ્ટન પોસ્ટે યુવાઓના ગુસ્સાને સરકારની નીતિઓ અને પોલીસના હિંસક પ્રતિસાદ સાથે જોડ્યો હતો. જ્યારે અલ જઝીરાએ આંદોલનની શાંતિપૂર્ણ શરૂઆત અને પછીની હિંસા પર પ્રકાશ પાડ્યો હતો.

ચીનના ‘સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટ’ આ ઘટના પર લખ્યું કે, રાજધાની કાઠમંડુમાં અરાજકતા છે. મંગળવારે પણ, સરકાર સામેનો ગુસ્સો શાંત થવાના કોઈ સંકેત દેખાતા નહોતા, વિરોધીઓ સંસદની સામે અને રાજધાની કાઠમંડુમાં અન્ય સ્થળોએ એકઠા થયા હતા, અધિકારીઓ દ્વારા લાદવામાં આવેલા અનિશ્ચિત કર્ફ્યુનું ઉલ્લંઘન કર્યું હતું. મીડિયાએ ઓલીના ચોથા કાર્યકાળની શરૂઆતમાં રાજકીય અસ્થિરતા, ભ્રષ્ટાચાર અને ધીમી આર્થિક વૃદ્ધિ અંગે અસંતોષની લાગણીથી આ આંદોલનને વધું ઉગ્ર બનાવી હોવાનો દાવો કર્યો હતો.

આ ઉપરાંત, બાંગ્લાદેશના ‘ધ ડેઇલી સ્ટાર’એ ‘નેપો કિડ્સ’ની વૈભવી જીવનશૈલી સામેના ઓનલાઇન અભિયાન પર ધ્યાન કેન્દ્રિત કર્યું, જે યુવાઓના આક્રોશનું મુખ્ય કારણ બન્યું હતું.

નેપાળમાં હવે તણાવપૂર્ણ શાંતિ જોવા મળે છે. કાઠમંડુ, પોખરા અને વીરગંજમાં કર્ફ્યુ લાગુ છે, અને સેનાએ મહત્વના સ્થળોનો કબજો લીધો છે. પ્રદર્શનકારીઓએ સંસદ ભવન, સરકારી કચેરીઓ અને નેતાઓના ઘરોને નિશાન બનાવ્યા, જેમાં આગ લગાડવાની ઘટનાઓ પણ બની. ઓલીના રાજીનામા બાદ રાષ્ટ્રપતિ રામ ચંદ્ર પૌડેલે પ્રદર્શનકારીઓને વાતચીત માટે આમંત્રણ આપ્યું છે, પરંતુ આગળનું નેતૃત્વ કોણ સંભાળશે તે અંગે અનિશ્ચિતતા છે. નેપાળની 43% વસ્તી 15-40 વર્ષની છે, અને 10% બેરોજગારી દર સાથે આર્થિક સંકટે યુવાઓને વધુ ઉશ્કેર્યા છે. આ આંદોલન નેપાળના ભવિષ્ય માટે નિર્ણાયક સાબિત થઈ શકે છે.

આપણ વાંચો:  નેપાળમાં હિંસા, લૂંટફાટ અને તોડફોડ બેકાબૂ; સેનાએ સમગ્ર દેશમાં કર્ફ્યુ લાદ્યો

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button