નેપાળમાં હિંસા, લૂંટફાટ અને તોડફોડ બેકાબૂ; સેનાએ સમગ્ર દેશમાં કર્ફ્યુ લાદ્યો

કાઠમંડુ: નેપાળમાં યુવાનોએ ભ્રષ્ટાચાર મામલે સરકાર વિરુદ્ધ બળવો પોકાર્યો છે, સોમવારે નેપાળમાં શરુ થયેલા પ્રદર્શનો હવે આરાજકતામાં ફેરવાઈ ગયા છે. વડાપ્રધાન કે પી ઓલીએ રાજીનામું આપ્યા છતાં ઠેર ઠેર તોડફોડ અને હિંસા થઇ રહી છે. ગઈ કાલે પ્રદર્શનકારીઓએ સંસદ ભવન અને રાષ્ટ્રપતિ ભવન જેવી ઇમારતોને આગ ચાંપી દીધી હતી. હવે હિંસાને કાબુ લેવા માટે સેનાએ કમાન હાથમાં લીધી છે. અહેવાલ મુજબ સમગ્ર નેપાળના કર્ફ્યુ લાદવામાં આવ્યો છે.
જાહેર સલામતી માટે જોખમને ધ્યાનમાં રાખીને નેપાળની ગુરુવારે સવારે 6 વાગ્યા સુધી દેશવ્યાપી કર્ફ્યુ લાદવાની જાહેરાત કરવામાં આવી છે. સેનાએ ચેતવણી આપી છે કે હાલમાં ઉભી થયેલી પરિસ્થિતિનો લાભ ઉઠાવનારા અને સામાન્ય લોકો અને સરકારી સંપત્તિને નુકસાન પહોંચાડનારા તત્વો સામે સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
26 લોકોની ધરપકડ:
ગઈ કાલે કેટલીક બેંકો, હોટલો, રિસોર્ટ અને મોલમાં લૂંટ ચલવવામાં આવી હતી. હજારો કેદીઓ જેલમાંથી ભાગી ગયા છે. હવે નેપાળને સેના પરિસ્થિતિ કાબુમાં લેવા માટે પ્રયાસ કરી રહી છે. નેપાળ સેનાએ કાઠમંડુ અને આસપાસના વિસ્તારોમાં લૂંટ અને તોડફોડમાં સામેલ 26 લોકોની ધરપકડ કરી છે.
અધિકારીઓના જણાવ્યા અનુસાર, નવા બાણેશ્વરમાં એક બેંકમાં લૂંટ ચલવવાના કેસમાં પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે. હિંસા ફેલાવવા મામલે અન્ય 21 અન્ય લોકોની ધરપકડ કરવામાં આવી છે.
અહેવાલ અનુસાર નેપાળની સેનાની વળતી કાર્યવાહીમાં અત્યાર સુધીમાં 22 પ્રદર્શનકારીઓ માર્યા ગયા છે અને સેંકડો ઘાયલ થયા છે. હાલ સમગ્ર નેપાળમાં અજંપાભરી સ્થિતિ છે.
આપણ વાંચો: કેનેડા ભારતીય વિદ્યાર્થીઓ માટે દરવાજા બંધ કરી રહ્યું છે? 80% વિઝા એપ્લીકેશન રદ