લંડનમાં પેલેસ્ટાઈનના સમર્થનમાં નીકળેલી રેલીમાં હિંસા, 120થી વધુ લોકોની ધરપકડ
ઇન્ટરનેશનલ

લંડનમાં પેલેસ્ટાઈનના સમર્થનમાં નીકળેલી રેલીમાં હિંસા, 120થી વધુ લોકોની ધરપકડ

લંડન: ઇંગ્લેન્ડની રાજધાની લંડનમાં પેલેસ્ટાઈન તરફી રેલીમાં હિંસા ફાટી નીકળ્યા બાદ 120 થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી છે. સેન્ટ્રલ લંડનમાં લગભગ ત્રણ લાખ પેલેસ્ટાઈન સમર્થકોએ રેલી કાઢી હતી. જવાબમાં જમણેરી સમર્થકોએ પણ રેલી કાઢી હતી અને બે રેલીઓ વચ્ચે ઘર્ષણ થતાં હિંસા ફાટી નીકળી હતી. પીએમ ઋષિ સુનકે હિંસાની આ ઘટના પર ચિંતા વ્યક્ત કરી છે.

બ્રિટનમાં દર વર્ષે  પ્રથમ વિશ્વ યુદ્ધના અંતની યાદમાં 11 નવેમ્બરના દિવસે યુદ્ધવિરામ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ગઈ કાલે પેલેસ્ટાઈન સમર્થકોએ ગાઝામાં યુદ્ધવિરામની માંગ સાથે લંડનમાં રેલી કાઢી હતી. જ્યારે હિંસા ફાટી નીકળી ત્યારે વડાપ્રધાન ઋષિ સુનકે તેની નિંદા કરી. ઉલ્લેખનીય છે કે રેલી દરમિયાન ઇઝરાયલ વિરોધી નારા લગાવવામાં આવ્યા હતા. ગાઝામાં લડાઈ બાદથી બ્રિટનમાં ઘણી પેલેસ્ટાઈન તરફી રેલીઓ યોજાઈ છે, પરંતુ શનિવારની રેલી સૌથી મોટી હતી.

આ રેલીમાં હિંસા ફાટી નીકળવાની આશંકા પહેલાથી જ હતી પરંતુ લંડન મેટ્રોપોલિટન પોલીસે રેલી પર પ્રતિબંધ મૂકવાની ના પાડી દીધી હતી. આ હિંસા બાદ લંડનમાં તણાવનું વાતાવરણ છે. વડા પ્રધાને પોલીસને આ હિંસાની ગંભીરતાથી તપાસ કરવા સૂચના આપી છે. ગૃહ પ્રધાન સુએલા બ્રેવરમેને પેલેસ્ટાઈનના સમર્થનમાં યોજાયેલી રેલીને નફરતની રેલી ગણાવી હતી. બ્રેવરમેનના નિવેદનની લંડનના મેયર દ્વારા પણ ટીકા કરવામાં આવી છે.

Savan

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.
Back to top button