વેનેઝુએલાના નવા અને પૂર્વ રાષ્ટ્રપતિનું ભારત સાથે છે ખાસ કનેક્શન, જાણો સિક્રેટ?

કારાકાસ: દક્ષિણ અમેરિકાના તેલ સમૃદ્ધ દેશ વેનેઝુએલામાં સત્તાપલટો થયો છે. અમેરિકી સેના દ્વારા રાષ્ટ્રપતિ નિકોલસ માદુરોની અટકાયત કર્યા બાદ દેશમાં ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ છે. આ કપરા સમયમાં દેશનું સુકાન હવે ડેલ્સી રોડ્રિગ્ઝના હાથમાં આવ્યું છે. તેઓ માદુરો સરકારમાં ઉપરાષ્ટ્રપતિ તરીકે ફરજ બજાવતા હતા. બળજબરીપૂર્વકના સત્તાપલટાથી સમગ્ર વિશ્વની નજર અત્યારે વેનેઝુએલાની આંતરિક સ્થિતિ અને આંતરરાષ્ટ્રીય સંબંધો પર ટકેલી છે, પરંતુ આ દેશના બંને રાષ્ટ્રપતિ ભારત સાથે કનેક્શન ધરાવે છે.
નેશનલ એસેમ્બલીના નેતા અને ડેલ્સીના ભાઈ જોર્જ રોડ્રિગ્ઝે તેમને કાર્યકારી રાષ્ટ્રપતિ તરીકે શપથ લેવડાવ્યા હતા. શપથ ગ્રહણ દરમિયાન ડેલ્સી રોડ્રિગ્ઝ અત્યંત ભાવુક દેખાતા હતા. તેમણે જણાવ્યું હતું કે, તેઓ માતૃભૂમિ પર થયેલા ગેરકાયદેસર સૈન્ય હુમલા અને લોકોની પીડાના સાક્ષી બનીને આ જવાબદારી સ્વીકારી રહ્યા છે. તેમણે માદુરોની ધરપકડને ‘બે મહાનાયકોનું અપહરણ’ ગણાવીને અમેરિકી કાર્યવાહી સામે પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો.
આ પણ વાંચો…વેનેઝુએલાના રાષ્ટ્રપતિના હાલ જુઓ વીડિયોમાં, કોર્ટમાં કયા વેશમાં હાજર કર્યા?

આ રાજકીય સંકટ વચ્ચે એક અનોખું પાસું બહાર આવ્યું છે કે, પદભ્રષ્ટ રાષ્ટ્રપતિ નિકોલસ માદુરો અને વર્તમાન રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્ઝ બંને ભારતીય આધ્યાત્મિક ગુરુ શ્રી સત્ય સાઈ બાબાના પરમ ભક્ત છે. માદુરોએ વર્ષ 2005માં પુટ્ટપર્થીની મુલાકાત લીધી હતી અને તેમના કાર્યાલયમાં સાઈ બાબાની તસવીર હંમેશાં રહેતી હતી. તેવી જ રીતે, ડેલ્સી રોડ્રિગ્ઝે પણ વર્ષ 2023 અને 2024માં પ્રશાંતિ નિલયમની મુલાકાત લઈને શ્રદ્ધા સુમન અર્પિત કર્યા હતા. ભારત પ્રત્યેનો તેમનો આ આધ્યાત્મિક લગાવ વેનેઝુએલામાં સાઈ સંગઠનને વિશેષ રક્ષણ પૂરું પાડે છે.
વેનેઝુએલાની વર્તમાન સરકાર દુનિયાને એ બતાવવા માંગે છે કે દેશ હજુ પણ સ્વતંત્ર છે અને કોઈના નિયંત્રણમાં નથી. માદુરોના પુત્ર નિકોલસ માદુરો ગ્વેરાએ આ ઘટનાને વૈશ્વિક સ્થિરતા માટે ખતરો ગણાવ્યો છે. તેમણે ચેતવણી આપી છે કે જો આજે કોઈ એક દેશના રાષ્ટ્રપતિનું અપહરણ સામાન્ય ગણાશે, તો આવતીકાલે કોઈ પણ દેશ સુરક્ષિત રહેશે નહીં. હાલમાં કારાકાસમાં તણાવપૂર્ણ શાંતિ છે અને બંધારણીય જોગવાઈ મુજબ 30 દિવસમાં ચૂંટણી યોજવાની તૈયારીઓ અંગે ચર્ચાઓ ચાલી રહી છે.
આ પણ વાંચો…વેનેઝુએલામાં રાષ્ટ્રપતિ ભવન પાસે ફરી ફાયરિંગ, અજાણ્યા ડ્રોન જોવા મળતાં ફફડાટ



