ઇન્ટરનેશનલ

ઈરાન સામે પાકિસ્તાનનો ઉપયોગ: ટ્રમ્પ-મુનીરની મુલાકાત અને અમેરિકાની વ્યૂહરચના

વોશિંગટન ડીસી: ઇઝરાયલ-ઈરાનના યુદ્ધમાં અમેરિકા હસ્તક્ષેપ કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. અમેરિકા ઈચ્છે છે કે, ઈરાન અમેરિકા સાથે પરમાણુ સમજૂતી કરાર કરી લે. જેને લઈને ડૉનાલ્ડ ટ્રમ્પ પ્રયાસો પણ કરી રહ્યા છે. તાજેતરમાં અમેરિકાના વ્હાઈટ હાઉસથી પાકિસ્તાનના ફિલ્ડ માર્શલ જનરલ આસિમ મુનીરને આમંત્રણ આપવામાં આવ્યું હતું. જેને સ્વીકારીને આસિમ મુનીર વ્હાઈટ હાઉસ પહોંચ્યા હતા. ડૉનાલ્ડ ટ્રમ્પ અને આસિમ મુનીર વચ્ચે થયેલી મુલાકાતને પણ આ પ્રયાસોનો એક ભાગ ગણવામાં આવી રહી છે.

ડૉનાલ્ડ ટ્રમ્પ અને આસિમ મુનીરની મુલાકાતનું કારણ

ડૉનાલ્ડ ટ્રમ્પ અને આસિમ મુનીર વચ્ચે થયેલી મુલાકાતને લઈને અમેરિકાના રક્ષા મંત્રાલયના પૂર્વ અધિકારી અને અમેરિકન એન્ટરપ્રાઇઝ ઈન્સ્ટિટ્યૂટના વરિષ્ઠ વિશ્લેષક માઇકલ રૂબિને કેટલાક મોટા દાવાઓ કર્યા છે. મીડિયા સાથેની વાતચીતમાં માઇકલ રૂબિને જણાવ્યું હતું કે, “ડૉનાલ્ડ ટ્રમ્પ પાકિસ્તાનને અમેરિકાનું મિત્ર કહી રહ્યા છે. કારણ કે તેઓ આ મિત્રતાથી કશુંક મેળવવા માંગે છે. ડૉનાલ્ડ ટ્રમ્પ ઈચ્છે છે કે ઈરાનના પરમાણુ કાર્યક્રમને સંપૂર્ણ રીતે સમાપ્ત કરી દેવામાં આવે. જો ડૉનાલ્ડ ટ્રમ્પની ઈચ્છા પૂરી થઈ ગઈ તો ઈરાનની પરમાણુ સામગ્રીને ક્યાંકને ક્યાંક તો લઈ જવી પડશે. એવું બની શકે કે તેને પાકિસ્તાન મોકલવામાં આવે.”

શું ચીનનો સંદેશ લઈને આવ્યા અસિમ મુનીર?

માઇકલ રૂબિનનું અનુમાન છે કે, ડૉનાલ્ડ ટ્રમ્પ સાથેની મુલાકાતમાં અસિમ મુનીરે ચીન દ્વારા મોકલાવેલા કેટલાક ગૃપ્ત સંદેશાઓ પણ આપ્યા હોઈ શકે છે. આ અંગે રૂબિને જણાવ્યું હતું કે, “ક્રૂડ ઓઈલ ચીનની સૌથી મોટી ચિંતા છે. ચીનમાં ક્રૂડ ઓઈલ ફારસ અને હોરમુજની ખાડી મારફતે પહોંચે છે. જો ઇઝરાયલ-ઈરાનનું યુદ્ધ લાંબુ યુદ્ધ ચાલ્યું, તો ચીનને સૌથી વધારે નુકસાન થશે. આ યુદ્ધથી અમેરિકાને ફેર પડશે નહીં.”

માઈકલ રૂબિનનું કહેવું છે કે પાકિસ્તાનના વડા પ્રધાન કરતા વધારે તાકત આર્મી ચીફ મુનીર પાસે છે. એવું બની શકે છે કે, દોસ્તીના નાટકની પાછળ રહીને ટ્રમ્પે તેઓને ખાનગીમાં કોઈ ધમકી આપી હોઈ શકે છે. તાજેતરમાં ટ્રમ્પે પાકિસ્તાનને પ્રિય મિત્ર દેશ કહ્યો હતો. ટ્રમ્પની આ વાત હવે પાકિસ્તાન પર રાજદ્વારી દબાવ ઊભો કરી શકે છે. તેથી જો ડૉનાલ્ડ ટ્રમ્પ ઈરાન સાથેની પરમાણુ સમજૂતી કે અન્ય કોઈ બાબતને લઈને પાકિસ્તાનને કોઈ મહત્ત્વની ભૂમિકા ભજવવાનું કહે છે તો તે ના પાડી શકશે નહી.

અમેરિકા કરી શકે છે પાકિસ્તાનના એર સ્પેસની માંગ

રૂબિનનું માનવું છે કે, ઈરાન અને પાકિસ્તાન બંને એકબીજાના પ્રતિસ્પર્ધી છે. ઈરાનનો પરમાણુ કાર્યક્રમ પાકિસ્તાન માટે એક પડકાર છે. જો આ કાર્યક્રમ સમાપ્ત થઈ જાય છે, તો પાકિસ્તાનને તેનો લાભ થશે. તેથી તે પોતાના સ્વાર્થ ખાતર પણ અમેરિકાને મદદ કરશે.

આ પણ વાંચો -‏‏‎ ‘ટ્રમ્પને નોબેલ શાંતિ પુરસ્કાર મળવો જોઈએ…’ મુનીરે વ્હાઈટ હાઉસમાં કરી જી હજૂરી

ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન ઈરાનનો પડોશી દેશ છે. તેથી ઈરાન સામે કાર્યવાહી કરવા માટે અમેરિકા પાકિસ્તાનનો ઉપયોગ કરી શકે છે. અફઘાનિસ્તાન સાથેના યુદ્ધ વખતે પણ અમેરિકા માટે પાકિસ્તાને પોતાનું એસ સ્પેસ ખુલ્લુ મૂકીને મદદ કરી હતી. ત્યારે હવે ઈરાન પર હુમલો કરવા માટે અમેરિકા ફરી એકવાર આ એરસ્પેસ પાકિસ્તાન પાસે માંગી શકે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button