US શટડાઉનને કારણે H-1B અને ગ્રીન કાર્ડની પ્રક્રિયા બંધ; ભારતીયોને થશે અસર | મુંબઈ સમાચાર
ઇન્ટરનેશનલ

US શટડાઉનને કારણે H-1B અને ગ્રીન કાર્ડની પ્રક્રિયા બંધ; ભારતીયોને થશે અસર

વોશિંગ્ટન ડીસી: યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટી અને યુએસ કોંગ્રેસ ફંડિંગ મુદ્દે સહમતી પર પહોંચી શકી નથી, જેને કારણે બુધવારથી યુએસમાં સરકારી શટડાઉન શરૂ થઇ (US shutdown) ગયું છે. લાખો ફેડરલ કર્મચારીઓને પગાર વગર રજા પર ઉતરવાની ફરજ પડી છે, જેને કારણે કેટલીક સરકારી સેવાઓ ખોરવાઈ જવાની શક્યતા છે. શટડાઉનની ગંભીર અસર H-1B વિઝા અને ગ્રીન કાર્ડની પ્રક્રિયા પર પણ થશે.
અહેવાલ મુજબ મુજબ શટડાઉન સમાપ્ત થાય ત્યાં સુધી H-1B વિઝાની પ્રક્રિયા બંધ કરવામાં આવી છે. જ્યાં સુધી કોંગ્રેસ ફેડરલ ફંડિંગ પર સંમત ન થાય ત્યાં સુધી H-1B વિઝા ફાઇલિંગની પ્રક્રિયા બંધ રહેશે.

શટડાઉનને કારણે યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ લેબરને મળતું ફંડ રોકી દેવામાં આવ્યું છે. H-1B વિઝા અને ગ્રીન કાર્ડની પ્રક્રિયા માટે ડિપાર્ટમેન્ટ ઓફ લેબરની ભૂમિકા મહત્વની છે, હવે ડિપાર્ટમેન્ટનું ફંડિંગ બંધ થતા આ સર્વિસ ખોરવાઈ ગઈ છે.

આ કારણે થશે અસર:

નોકરી પર રાખનાર કંપની H-1B વિઝાને સ્પોન્સર કરે તે પહેલાં, કર્મચારીને યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ લેબરમાં લેબર કન્ડિશન એપ્લિકેશન (LCA) ફાઇલ કરવી પડે છે. ઇમિગ્રેશન અધિકારીઓ સમક્ષ અરજી કરવા માટે આ LCA મંજૂરી મહત્વની છે.
PERM સર્ટિફિકેટ પણ ડિપાર્ટમેન્ટ ઓફ લેબર દ્વારા આપવામાં આવે છે, જે કર્મચારીઓને રોજગાર-આધારિત ગ્રીન કાર્ડ મેળવવા માટે મંજૂરી આપે છે.

નોંધનીય છે કે હાલ યુએસમાં H-1B વિઝાના સૌથી વધુ લાભાર્થી ભારતીયો છે, યુએસમાં 71% થી વધુ ભારતીયો H-1B વિઝા હેઠળ છે. હાલ H-1B વિઝાની પ્રક્રિયા બંધ થતા ભારતીયોને ગંભીર અસર પડી શકે છે.

જયારે સરકારી શટડાઉન લાગુ કરવામાં આવે છે ત્યારે ફેડરલ એજન્સીઓ ઈમરજન્સી સર્વિસ ઉપરાંત અન્ય કર્યો માટે નાણાં ખર્ચી શકે નહીં, હવે કોંગ્રેસ ફંડિંગ ફરી શરુ ન કરે ત્યાં સુધી ઓછા જરૂરી અથવા બિનજરૂરી કાર્યોને સ્થગિત રહેશે.

આ પણ વાંચો…અમેરિકામાં શટડાઉન: હજારો ફેડરલ કર્મચારીઓ નોકરી ગુમાવશે; ટ્રમ્પે આપી ધમકી…

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button