ટ્રમ્પનો ભારત ‘વિરોધી’ નિર્ણય: અમેરિકન સેનેટરે જ કરી આકરી ટીકા

વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારતીય આયાત પર ૫૦ ટકા ટેરિફ ઝીંકવાના નિર્ણયને તેમના પોતાના જ દેશમાં સમર્થન મળી રહ્યું નથી. યુએસ સેનેટર ગ્રેગરી મીક્સે ટ્રમ્પના આ નિર્ણયની ટીકા કરતાં તેને ભારત-અમેરિકા સંબંધો માટે ખતરો ગણાવ્યો છે.
ટેરિફના આ પગલા પર પ્રતિક્રિયા આપતા ડેમોક્રેટે જણાવ્યું હતું કે ટ્રમ્પનો નિર્ણય કાળજીપૂર્વક રીતે કેળવવામાં આવેલા ભારત-અમેરિકા સંબંધો માટે ખતરો છે.
તેમણે કહ્યું કે કોઇ પણ ચિંતાનું નિરાકરણ આદરપૂર્વક રીતે લાવવું જોઇએ. યુએસ સેનેટર ગ્રેગરી મીક્સના જણાવ્યા મુજબ ટ્રમ્પનો તાજેતરનો ટેરિફ ટેન્ટ્રમ અમેરિકા-ભારતની ભાગીદારીને મજબૂત બનાવવાના વર્ષોના પ્રયાસોને જોખમમાં મૂકે છે.
તેમણે વધુમાં જણાવ્યું કે આપણી વચ્ચે ગાઢ વ્યૂહાત્મક, આર્થિક અને લોકો વચ્ચેના પારસ્પરિક સંબંધો છે. ચિંતાઓનો ઉકેલ આપણા લોકશાહી મૂલ્યો અનુસાર પરસ્પર આદર સાથે લાવવો જોઇએ. બીજી તરફ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું છે કે જ્યાં સુધી ટેરિફ વિવાદનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી ભારત સાથે વેપાર સોદા પર કોઇ વાતચીત થશે નહીં.
આપણ વાંચો: ટ્રમ્પના ટેરિફની અસર, વોલમાર્ટ, એમેઝોન સહિતની કંપનીઓએ ભારતના ઓર્ડર રોક્યા, કેટલું થશે નુકસાન ?
નોંધનીય છે કે ડોનાલ્ડ ટ્રમ્પે ગયા અઠવાડિયે ભારત પર ૨૫ ટકા ટેરિફની જાહેરાત કરી હતી. તેમ જ નવી દિલ્હીના ટેરિફને ખૂબ ઊંચા ગણાવ્યા હતા. વળી રશિયા પાસેથી લશ્કરી સાધનો અને ઉર્જા ખરીદવા બદલ ભારતની ટીકા પણ કરી હતી.
ટ્રમ્પે દિવસો બાદ ટેરિફ હુમલાને વધુ તીવ્ર બનાવતા વધારાનો ૨૫ ટકા ટેરિફ ઝીંક્યો હતો. જેથી કુલ ટેરિફ ૫૦ ટકા થઇ ગયો હતો. આ અન્ય પ્રતિબંધો રશિયા સાથેના ભારતના વેપારને લઇને લાદવામાં આવ્યા હતા.