Top Newsઇન્ટરનેશનલ

યુએસએ રશિયાની પેટ્રોલિયમ કંપનીઓ પર પ્રતિબંધો લાદ્યા! ટ્રમ્પ ભારાંત અંગે કર્યો આવો દાવો…

વોશિંગ્ટન ડી સી: યુક્રેન યુદ્ધ અંગે ચર્ચા કરવા યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ રશિયાના રાષ્ટ્રપતિ પુતિન સાથે હંગેરીમાં બેઠક કરવાના છે. એ પહેલા યુએસએ રશિયા સામે મોટું પગલું ભર્યું છે. યુએસએ રશિયાની પેટ્રોલિયમ કંપનીઓ પર પ્રતિબંધોની જાહેરાત કરી. આ સાથે ટ્રમ્પે ફરી એક વાર કહ્યું કે ભારત રશિયા પાસેથી પેટ્રોલિયમની ખરીદી ઓછી કરવા તૈયાર થયું છે.

પ્રતિબંધોની જાહેરાત કરતાં ટ્રમ્પ વહીવટીતંત્રએ જણાવ્યું કે “યુક્રેનમાં યુદ્ધનો અંત લાવવા માટેની શાંતિ પ્રક્રિયા અંગે રશિયા ગંભીર ન હોવાથી આ પ્રતિબંધો લાગુ કરવામાં આવી રહ્યા છે.”

ઘણાં પ્રયત્નો છતાં ટ્રમ્પ રશિયા-યુક્રેન યુદ્ધ રોકી નથી શક્યા, જેના કારણે તેઓ વધુ રોષે ભરાયા છે અને હવે કોઈ પણ શરતે યુદ્ધ રોકવાના પ્રયાસો કરી રહ્યા છે. તાજેતરમાં તેમણે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીને રશિયાએ મુકેલી શરતો સ્વીકારવા દબાણ કર્યું હતું.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરી:
વ્હાઇટ હાઉસમાં ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે એક દિવસ પહેલા તેમણે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરી હતી. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે “વર્ષના અંત સુધીમાં ભારત રશિયન પેટ્રોલીયમની ખરીદી લગભગ 40 ટકા ઓછી કરશે અને ખરીદી ધીમે ધીમે સાવ બંધ કરી દેશે.”

નોંધનીય છે ભારતના વિદેશ વિભાગે સ્પષ્ટતા કરી છે કે ટ્રમ્પ અને વડાપ્રધાન મોદી વચ્ચે રશિયન પેટ્રોલિયમની ખરીદી અંગે કોઈ વાત નથી થઇ. ભારત પોતાના વેપારીક હિતોના રક્ષણ માટે નિર્ણયો લેવા સ્વતંત્ર છે. છતાં ટ્રમ્પ વારંવાર આવા દાવા કરી રહ્યા છે.

ચીનની વાત અલગ છે:
આ સાથે ટ્રમ્પે એમ પણ કહ્યું કે ભારત સારો સહયોગ આપી રહ્યું છે, ત્યારે ચીન સાથે મામલો અલગ છે. ટ્રમ્પે કહ્યું “ચીનના રશિયા સાથે થોડા અલગ સંબંધો છે. પહેલા બંને દેશો વચ્ચેના સંબંધો સારા ન હતાં, બાઈડેન અને ઓબામાના કારણે બંને દેશો એકબીજા સાથે આવ્યા. તમની વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધો ન હોઈ શકે, હું ઈચ્છું છું કે તે મૈત્રીપૂર્ણ હોય, પણ એવું ન હોઈ શકે.”

આ પણ વાંચો…રશિયા-યુક્રેન યુદ્ધ: ટ્રમ્પ-પુતિનની બુડાપેસ્ટ બેઠક મુલતવી, શાંતિ પ્રયાસોને મોટો ફટકો…

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button