હનુમાન નકલી હિન્દુ ભગવાન! ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીના નેતાએ કરી ટીપ્પણી, યુએસના હિંદુ સમાજમાં રોષ

ઓસ્ટીન: ડોનાલ્ડ ટ્રમ્પે બીજી વાર યુએસ રાષ્ટ્રપતિ પદ સંભાળ્યા બાદ ભારત અને યુએસના સંબંધો સતત વણસી રહ્યા છે. ટેરિફ અને વિઝા નિયમોમાં ફેરફાર અંગે ભારત અને યુએસ વચ્ચે તણાવ ચાલી રહ્યો છે.
છેલ્લા ઘણા સમયથી યુએસના નેતાઓ અને અધિકારીઓ ભારત સામે વિવાદાસ્પદ ટિપ્પણીઓ કરી રહ્યા છે. એવામાં ટ્રમ્પના નજીકના ગણાતા એક રીપબ્લીકન નેતાએ હિંદુ દેવતા હનુમાન અંગે વાંધાજનક ટીપ્પણી કરી છે.
ટેક્સાસમાં ભગવાન હનુમાનની 90 ફૂટ ઊંચી પ્રતિમા ‘સ્ટેચ્યુ ઓફ યુનિયન’ સામે વાંધો ઉઠાવાતા રિપબ્લિકન પાર્ટીના એક નેતા એલેક્ઝાન્ડર ડંકને X પર એક પોસ્ટ કરી હતી. તેમણે એક વિડીયો પોસ્ટ કરી લખ્યું, “આપણે ટેક્સાસમાં નકલી હિન્દુ ભગવાનની નકલી પ્રતિમાને શા માટે મંજૂરી આપી રહ્યા છીએ? આપણે એક ખ્રિસ્તી રાષ્ટ્ર છીએ!”
અન્ય એક પોસ્ટમાં ડંકને બાઇબલના એક વાક્યનો ઉલ્લેખ કર્યો. તેમણે લખ્યું, “તમારે મારા સિવાય બીજા કોઈને ભગવાન ન માનવો. તમારે સ્વર્ગમાં, પૃથ્વી પર કે સમુદ્રમાં કોઈ પણ પ્રકારની મૂર્તિ અથવા કોઈ પણ છબી બનાવવી જોઈએ નહીં.”

યુએસના હિંદુ સમાજમાં રોષ:
એલેક્ઝાન્ડર ડંકને ટેક્સાસથી સેનેટની ચૂંટણી લડી રહ્યા છે. ડંકને કરેલી પોસ્ટનો હિન્દુ અમેરિકન ફાઉન્ડેશન અને ભારતીય-અમેરિકા લોકો તરફથી ઉગ્ર વિરોધ કરવામાં આવી રહ્યો છે.
હિન્દુ અમેરિકન ફાઉન્ડેશને રિપબ્લિક પાર્ટીને ટેગ કરીને X પર લખ્યું, “ભેદભાવ સામેની તમારી પોતાની ગાઈડલાઈન્સનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરી તમારા પક્ષના સેનેટ ઉમેદવાર સામે તમે પગલા લેશો? તેઓ હિન્દુ વિરોધી નફરત ફેલાવી રહ્યા છે.?
ઘણા સોશિયલ મીડિયા યુઝ્રસે ડંકનને યાદ અપાવ્યું કે યુએસનું બંધારણ તેમને કોઈપણ ધર્મનું પાલન કરવાની સ્વતંત્રતા આપે છે.
ટ્રમ્પના સહાયક પીટર નાવારોએ તાજેતરમાં ભારતીયો વિરુદ્ધ વંસવાદી ટીપ્પણી કરી હતી. હવે ડંકનની ટીપ્પણીથી બળતામાં ઘી હોમાયું છે.
તાજેતરમાં ટ્રમ્પે H-1B વિઝા માટે USD 100,000 ફી લાગુ કરી હતી, જેને કારણે ઘણા ભારતીયોને અસર પહોંચી છે.
આ પણ વાંચો…ટ્રમ્પના હનુમાન ગણાતા કાશ પટેલ બન્યા FBIના ડાયરેક્ટર, જાણો શું છે ગુજરાત કનેકશન