અમેરિકામાં રાષ્ટ્રપતિપદની ચૂંટણી નવેમ્બરના પહેલા મંગળવારે જ કેમ થાય છે?

આજે આખા વિશ્વની નજર અમેરિકાની ચૂંટણી પર છે. મહાસત્તા તરીકે જાણીતા આ દેશના ચૂંટણીના પરિણામો તમામ દેશોને ઓછાવધુ પ્રમાણમાં અસર કરે છે. ભારતના અમેરિકા સાથેના વ્યાપારિક સંબંધોને જોતા, તેમ જ અમેરિકામાં વસતા ભારતીયોની સંખ્યા જોતા આપણને વધારે રસ હોય તે સમજી શકાય છે. ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ અને કમલા હેરિસ વચ્ચેના આ મુકાબલાના સમાચારો વચ્ચે એક રસપ્રદ વાત બહાર આવી છે.
જો તમે ધ્યાન આપ્યું હોય તો અમિરેકાની ચૂંટણી હંમેશાં નવેમ્બર મહિનાના પહેલા મંગળવારે યોજાય છે. આવું કેમ તેવો સવાલ તમને થતો હોય તો આ પાછળનું કારણ ખરેખર જાણવા જેવું છે.
અમેરિકામાં 19મી સદીમાં મોટા ભાગના લોકો ખેતી સાથે જોડાયેલા હતા. નવેમ્બરના મહિનામાં ત્યાંના ખેડૂતો પ્રમાણમાં ફ્રી રહેતા. વસંત અને શરદ ઋતુ ન હોવાથી તેઓ મતદાન કરવા આવી શકતા.
આથી નવેમ્બર મહિનો પસંદ કરવામાં આવ્યો. ત્યારબાદ ત્યાં એક જ દિવસમાં મતદાન થાય તેવી માગણી ઊઠી હતી. આ એક દિવસ ક્યો રાખવો તે અંગે વિચારણા ચાલી.
આપણ વાંચો: વિશેષ: અમેરિકાની ચૂંટણીમાં ત્યાં વસેલા ભારતીયોના મત ગૅમચેન્જર બનશે?
તે સમયે મતદાન કરવા માટે એક આખો દિવસ લાગતો, કારણ કે મતદારોએ પ્રવાસ ખેડી પોતાના મતદાનકેન્દ્રમાં આવવું પડતું. શનિ, રવિ અને સોમ ક્રિશ્ચન સમુદાય ચર્ચમાં જતો. બુધવારે આખા દેશમાં ઠેર ઠેર મોટી બજાર લાગતી અને ખેડૂતો સહિત તમામ પોતાનો માલસામાન વેચતા. તેથી સર્વાનુમતે મંગળવારે મતદાન યોજવામાં આવે તેમ નક્કી થયું.
આ સાથે નવેમ્બર મહિનાની પહેલી તારીખે મતદાન ન યોજવું એમ પણ નક્કી થયું કારણ કે આ દિવસે અહીંના લોકો ઑલ સેંટ્સ ડે મનાવે છે અને વેપારીઓ મહિનાભરનો હિસાબ કરે છે. આ રીતે નવેમ્બર મહિનાના પહેલા મંગળવારે મતદાન કરવાનું નક્કી કર્યું અને ચૂંટણીઓથી આ પરંપરા ચાલી આવે છે.
જોકે હવે અહીં ભારતની જેમ જ ખેડૂતવર્ગ ઓછો થતો જાય છે, આથી મંગળવારે વર્કિગ ડેના દિવસે મતદાન યોજવા કરતા રજાના દિવસે યોજવામાં આવે તેવી માગણી થઈ રહી છે.