US Elections 2024: કમલા હેરિસ અને ડોનાલ્ડ ટ્રમ્પ પાસે કેટલી છે સંપત્તિ?
US presidential Election 2024: અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણીને હવે ગણતરીના જ દિવસો બાકી છે. મતદાન પહેલાં રિપબ્લિકન ઉમેદવાદ ડોનાલ્ડ ટ્રમ્પ (donald trump) અને ડેમોક્રેટ ઉમેદવાર કમલા હેરિસ (kamla harris) વચ્ચે કાંટાની ટક્કર છે. સર્વેમાં કમલા હેરિસે ડોનાલ્ડ ટ્રમ્પ પર પાતળી સરસાઈ લીધી છે. અમેરિકામાં 5 નવેમ્બરે મતદાન (us presidential election voting) થશે.
ડોનાલ્ડ ટ્રમ્પ કેટલી સંપત્તિના છે માલિક
વિશ્વભરના અમીરો અને તેમની સંપત્તિ પર નજર રાખતા ફોર્બ્સના (forbes) ટ્રેકર મુજબ, ડોનાલ્ડ ટ્રમ્પ વિશ્વમાં 533 નંબરના સૌથી ધનિક વ્યક્તિ છે. ટ્રમ્પની નેટવર્થ 6.2 અબજ ડૉલર છે. ઓક્ટોબર મહિનામાં ટ્રમ્પની નેટવર્થમાં મોટ ઉઠાળો આવ્યો હતો. 29 ઓક્ટોબરે ટ્રમ્પની નેટવર્થ 8 અબજ ડૉલર પહોંચી હતી. જાણકારોનું કહેવું છે કે રાષ્ટ્રપતિ ચૂંટણીમાં 78 વર્ષીય ટ્રમ્પની વધતી લોકપ્રિયતાની અસર તેમની નેટવર્થમાં પણ જોવા મળી હતી.
ટ્રમ્પની મોટાભાગની સંપત્તિનો હિસ્સો રિયલ એસ્ટેટમાં છે. આ ઉપરાંત તેની પાસે ગોલ્ફ કોર્સ, દારૂની ફેક્ટરી અને 1991માં બનેલું બોઇંગ 757 વિમાન પણ છે. જેને ટ્રમ્પ ફોર્સ વનથી ઓળખવામાં આવે છે. એક રિપોર્ટ મુજબ, ડોનાલ્ડ ટ્રમ્પને તેના પિતા તરફથી 4 કરોડ 13 લાખ ડૉલરની સંપત્તિ વારસામાં મળી હતી.
કમલા હેરિસની કેટલી છે નેટવર્થ
રાષ્ટ્રપતિ પદની દોડમાં સામેલ ડેમોક્રેટ ઉમેદવાર કમલા હેરિસ અને તેના પતિની કુલ સંપત્તિ 80 લાખ ડૉલર છે. ચાલુ વર્ષે મે મહિનામાં ફોર્બ્સ મેગેઝિને આ અંદાજ લગાવ્યો હતો. 2021માં હેરિસ ઉપરાષ્ટ્રપતિ બન્યા બાદ તેમની સંપત્તિમાં વધારો થયો છે.
2021માં તેમની સંપત્તિ 70 લાખ ડૉલર હતી. હેરિસ અને તેના પતિ સાથે લૉસ એન્જિલિસમાં લાખો ડૉલરની કિંમતનો બંગ્લો છે. હાલ તેની કિંમત 44 લાખ ડૉલર જેટલી છે. આ ઉપરાંત હેરિસ તથા તેના પતિની અન્ય સંપત્તિમાં કેશ, શેરબજારમાં રોકાણ, બોન્ડ અને પેન્શન પણ સામેલ છે.
જાન્યુઆરી 2021માં કમલા હેરિસની આવકમાં બે લાખ 35 હજાર ડૉલરનો વધારો થયો હતો. ઉપરાષ્ટ્રપતિ બન્યા બાદ તેણે સેન ફ્રાન્સિસ્કો સ્થિત ફ્લેટ વેચી નાંખ્યો હતો.
જેના તેને 8.60 લાખ ડૉલર મળ્યા હતા. આ ફ્લેટ તેણે 23 વર્ષ પહેલા 5.60 લાખ ડૉલરમાં ખરીદ્યો હતો. જ્યારે વૉશિંગ્ટન ડીસી સ્થિત ફ્લેટ 18.50 લાખ ડૉલરમાં વેચ્યો હતો. આ ઉપરાંત તેમણે લખેલા પુસ્તકની 5 લાખ ડૉલર રોયલ્ટી પણ મળી હતી.