ભારત ‘ટેરિફનો મહારાજા’: 50 ટકા ટેરિફ પાછળ વ્હાઈટ હાઉસે કર્યો ખુલાસો…

વોશિંગટન: અમેરિકાએ ભારત સિવાય ચીન, કેનેડા, બ્રાઝિલ, કેનેડા, દક્ષિણ આફ્રિકા પર વધારે ટેરિફ લાદ્યો છે. અમેરિકા દ્વારા ચીન પર 51 ટકા, બ્રાઝિલ પર 50 ટકા, કેનેડા પર 35 ટકા અને દક્ષિણ આફ્રિકા પર 30 ટકા ટેરિફ લાદવામાં આવ્યો છે. અમેરિકાના આ નિર્ણયની મોટાપાયે ટીકા થઈ રહી છે ત્યારે અમેરિકાએ આ દેશો પર વધારે ટેરિફ કેમ લાદવામાં આવ્યો છે તેને લઈને વ્હાઈટ હાઉસથી ટ્રેડ એડવાઈઝર પીટર નવારો દ્વારા ખુલાસો કરવામાં આવ્યો છે.
અમેરિકા માટે રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો
વેપાર સલાહકાર પીટર નવારોએ ભારત પર 50 ટકા રેરિફ લાદવાનું કારણ જણાવતા કહ્યું છે કે, “ભારતે રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવાનું બંધ કરવાની ના પાડી દીધી. ભારતની ‘ના’ અમેરિકા માટે રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો છે. આ કારણોસર અમેરિકાએ 25 ટકા ટેરિફ લાદ્યો છે. ભારત પર લાદવામાં આવેલા ટેરિફનો તર્ક ‘પારસ્પરિક ટેરિફ’થી તદ્દન અલગ છે.
તે સંપૂર્ણ રીતે એક રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો છે, જે ભારત સાથે રશિયાનું ક્રૂડ ઓઇલ ખરીદવાનું બંધ કરવાના નિર્ણય સાથે જોડાયેલો છે. અમેરિકાનો દરેક વ્યક્તિ તેને સમજવા ઈચ્છે છે, કારણ કે આ વ્યાપારિક સ્થિતિ સાથે સંબંધિત છે. તમે આ વાત સમજો કે, ભારત ‘ટેરિફનો મહારાજા’ છે. તે અમેરિકાના ઉત્પાદનો પર વધારે ટેરિફ લગાવે છે અને તેની પાસે ઊંચા બીન-ટેરિફ અવરોધો પણ છે. જેનાથી અમે પોતાના ઉત્પાદનો ત્યાં પહોંચાડી શકતા નથી.”
યુક્રેનને રશિયાના હથિયારોથી બચાવવાનું છે
પીટરે ભારત પર આરોપ લગાવતા જણાવ્યું કે અમેરિકા એક બીન ન્યાયસંગત વ્યાપારિક માહોલમાં ભારત પાસેથી ઉત્પાદનો ખરીદીને વિદેશમાં ઘણા ડૉલર મોકલે છે. ત્યારબાદ ભારતમાં આ અમેરિકન ડૉલરનો ઉપયોગ રશિયન ક્રૂડ ઓઇલ ખરીદવા માટે કરે છે.
પછી રશિયામાં ભારતથી આવનારા અમેરિકન ડૉલરનો ઉપયોગ પોતાના હથિયારો અને નાણાકીય જરૂરિયાતો અને યુક્રેનના લોકોની હત્યા કરવા માટે કરે છે. ત્યાર બાદ અમેરિકા દ્વારા કરદાતાઓને તે હથિયારો માટેની ભરપાઈ કરવાનું કહેવામાં આવે છે. યુક્રેનને રશિયાના હથિયારોથી બચાવવાનું છે. રશિયાના આ હથિયાર ભારતથી આવનારા અમેરિકન ડૉલર વડે ખરીદવામાં આવે છે. તેમણે કહ્યું કે, આ બધું રોકવું પડશે.”
ભારત રશિયાને સૌથી વધુ પૈસા આપે છે
તેમણે વધુમાં જણાવ્યું કે લોકોને આ જાણીને નવાઈ લાગશે કે, ભારત વિશ્વમાં રશિયન ક્રૂડ ઓઇલનું સૌથી મોટા ખરીદદારો પૈકીનું એક છે. અને તે દુનિયાના ઘણા અન્ય બજારો પાસેથી પણ સરળતાથી ક્રૂડ ઓઇલ મેળવી શકે છે. આ કારણોસર તે રશિયાની સેનાને સૌથી વધારે પૈસા પૂરા પાડનાર પૈકીનું એક બની જાય છે.
ટેરિફ સાત ઓગસ્ટથી લાગુ પણ થઈ ગયો
ઉલ્લેખનીય છે કે ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલ ટેરિફ સાત ઓગસ્ટથી લાગુ પણ થઈ ગયો છે. ટ્રમ્પે બુધવારે એક કાર્યકારી આદેશ પર સહી પણ કરી દીધી છે. જેના હેઠળ રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવાના કારણે 25 ટકા વધારો લાદ્યો છે. જેના હેઠળ કુલ 50 ટકા ટેરિફ થઈ ગયો છે. આ અંગે ભારતના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, “કોઈ પણ મોટી અર્થવ્યવસ્થાની જેમ, ભારત પોતાના રાષ્ટ્રીય હિતો અને આર્થિક સુરક્ષાની રક્ષા માટે તમામ જરૂરી પગલા ભરશે.”
આ પણ વાંચો…50 ટકા ટેરિફ અંગે શશિ થરૂરે અમેરિકા પર ઉઠાવ્યા સવાલ, ભારતને જવાબ આપવાની સલાહ