ટ્રમ્પની ટેરિફ નીતિને કાનૂની પડકાર: અપીલ કોર્ટે મોટાભાગના ટેરિફ ગેરકાયદેસર ગણાવ્યા…

અમેરિકાના ટ્રમ્પ જ્યારથી સત્તા પર આવ્યા છે, ત્યારથી જ ટેરિફને લઈ ખુબ ચર્ચામાં રહ્યા છે. ત્યારે ટ્રમ્પના ટેરિફને શુક્રવારે એક અપીલ કોર્ટે ગેરકાયદેસર ગણાવવાના સમાચાર સામે આવ્યા છે.
કોર્ટે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના મોટા ભાગના ટેરિફને ગેરકાયદેસર ગણાવ્યા છે. આ નિર્ણયને ટ્રમ્પની આર્થિક નીતિઓ પર મોટો આઘાત માનવામાં આવે છે, જેમાં રાષ્ટ્રપતિને આપાતકાલીન અધિકારો તો મળેલા છે, પરંતુ તેમાં ટેરિફ કે કર વસૂલવાની મંજૂરી નથી.
યુએસ કોર્ટ ઓફ અપીલ્સ ફોર ધ ફેડરલ સર્કિટે જણાવ્યું કે રાષ્ટ્રપતિને રાષ્ટ્રીય આપાતકાલમાં અનેક કાર્યવાહી કરવાની શક્તિ છે, પરંતુ તેમાં ટેરિફ લાદવાનો કોઈ ઉલ્લેખ નથી. આ નિર્ણય એપ્રિલમાં લાગુ કરાયેલા પારસ્પરિક ટેરિફ અને ફેબ્રુઆરીમાં ચીન, કેનેડા તથા મેક્સિકો પર લાદવામાં આવેલા શુલ્કો સાથે જોડાયેલો છે.
કોર્ટે 14 ઓક્ટોબર સુધી ટેરિફને જેમના તેમ રાખવાનો આદેશ આપ્યો છે, જેથી ટ્રમ્પ વહીવટને સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવાનો અવસર મળે.
રાષ્ટ્રપતિ ટ્રમ્પે કોર્ટના આદેશને સંપૂર્ણપણે નકારી કાઢ્યો અને જણાવ્યું કે તમામ ટેરિફ આગળ પણ અમલમાં રહેશે. તેમણે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર લખ્યું કે આ અપીલ કોર્ટ પક્ષપાતી છે અને તેનો નિર્ણય ખોટો છે, પરંતુ અંતે અમેરિકાની જીત થશે.
તેમણે વેપાર ઘટાડા, વિદેશી દેશોના અન્યાયી ટેરિફ અને માદક પદાર્થોની તસ્કરી જેવા મુદ્દાઓ ઉઠાવ્યા, અને કહ્યું કે આ નિર્ણય અમેરિકાને વિનાશ તરફ લઈ જશે.
ટ્રમ્પ વહીવટે કોર્ટમાં તેમના નિર્ણયોનો આધાર ઇન્ટરનેશનલ ઇમર્જન્સી ઇકોનોમિક પાવર્સ એક્ટ (IEEPA)ને આપ્યો, જે 1977નો કાયદો છે અને તે રાષ્ટ્રપતિને અસાધારણ ખતરાઓ સામે કાર્યવાહી કરવાની શક્તિ આપે છે. ટ્રમ્પ પ્રથમ રાષ્ટ્રપતિ છે જેમણે IEEPAનો ઉપયોગ ટેરિફ માટે કર્યો.
જોકે, કોર્ટનું કહેવું છે કે કોંગ્રેસે આ કાયદો બનાવતી વખતે રાષ્ટ્રપતિને અમર્યાદિત ટેરિફ લાદવાનો અધિકાર આપવાનો ઇરાદો નહોતો. અગાઉ પણ ન્યૂયોર્ક અને વોશિંગ્ટનની અદાલતોએ આવા ટેરિફને અસંવિધાનિક ગણાવ્યા છે, અને અત્યાર સુધીમાં આઠથી વધુ કેસમાં ટ્રમ્પની નીતિઓને પડકારવામાં આવી છે.
ટ્રમ્પે જણાવ્યું કે લેબર ડે વીકએન્ડની શરૂઆતમાં આપણે યાદ રાખવું જોઈએ કે ટેરિફ અમેરિકી મજૂરો અને મેડ ઇન અમેરિકા ઉત્પાદનોને ટેકો આપવાનું શ્રેષ્ઠ માધ્યમ છે. તેમણે અગાઉના રાજનેતાઓને અવિચારી ગણાવ્યા જેમણે ટેરિફનો ઉપયોગ અમેરિકા વિરુદ્ધ કરવા દીધો.
હવે તેઓ સુપ્રીમ કોર્ટની મદદથી ટેરિફનો ઉપયોગ રાષ્ટ્રહિતમાં કરીને અમેરિકાને ફરી સમૃદ્ધ અને મજબૂત બનાવશે. આ નિર્ણય અન્ય કાયદાકીય પ્રાવધાનો હેઠળના ટેરિફ, જેમ કે સ્ટીલ અને એલ્યુમિનિયમ પરના શુલ્કોને અસર કરશે નહીં.
આ પણ વાંચો…ટ્રમ્પને જોરદાર જવાબ! ભારત અમેરિકા સિવાય આ 40 દેશો સાથે ડીલ કરવાની તૈયારી કરી