ડોનાલ્ડ ટ્રમ્પને કોર્ટે આપ્યો મોટો ઝટકો: બળાત્કાર કેસમાં મહિલાને કરોડોનું વળતર ચૂકવવાનો આદેશ…

ન્યુયોર્ક: યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સતત વિવાદોમાં રહે છે, યુએસમાં તેમની સામે કેટલાક ક્રિમીનલ કેસ પણ ચાલી રહ્યા છે. સોમવારે ન્યૂયોર્ક સ્થિત સેકંડ યુએસ સર્કિટ કોર્ટ ઓફ અપીલ્સે રાષ્ટ્રપતિ ટ્રમ્પને મોટો ઝટકો આપ્યો હતો.
પત્રકાર અને લેખક ઇ. જીન કેરોલને 83.3 મિલિયન ડોલર ચુકવવાના કોર્ટના અગાઉના આદેશને ટ્રમ્પે સર્કિટ કોર્ટ ઓફ અપીલ્સમાં પડકાર્યો હતો, પરંતુ કોર્ટે ટ્રમ્પની અરજી ફગાવી દીધી હતી.
ઇ. જીન કેરોલ હાલ 81 વર્ષના છે, તેઓ ફેશન અને બ્યુટી મેગેઝિન Elleમાં કોલમ લખતા હતાં છે. તેમણે ટ્રમ્પ પર ગંભીર આરોપો લગાવ્યા હતાં. આરોપ મુજબ ટ્રમ્પે 1990ના દાયકામાં ન્યૂયોર્કના એક ડિપાર્ટમેન્ટલ સ્ટોરના ડ્રેસિંગ રૂમમાં તેમના પર બળાત્કાર ગુજાર્યો હતો.
ટ્રમ્પનો બચાવ:
ટ્રમ્પે આ આરોપોને નકારી કાઢ્યા હતા અને વળતો આરોપ લગાવ્યો હતો કે પોતાનું પુસ્તક વેચવા માટે કેરોલે આ વાર્તા ઉપજાવી કાઢી છે.
અગાઉ કોર્ટે કેરોલને 83.3 મિલિયન ડોલર (લગભગ 693 કરોડ રૂપિયા) ચુકવવા માટે ટ્રમ્પને આદેશ કર્યો હતો. જેન ટ્રમ્પે પડકાર્યો હતો, ટ્રમ્પે દલીલ કરી હતી કે યુએસ સુપ્રીમ કોર્ટે 2024માં આપેલા એક ચુકાદા મુજબ રાષ્ટ્રપતિને ફોજદારી બાબતોથી પ્રતિરક્ષા મળે છે. જો તેમને આ મુકદમાઓ સામે પ્રતિરક્ષા આપવામાં નહીં આવે તો વહીવટીતંત્રને નુકશાન પહોંચશે.
કોર્ટે ટ્રમ્પની દલીલો ફગાવ્યો:
કોર્ટના ત્રણ ન્યાયાધીશોની બેન્ચે ટ્રમ્પની દલીલોને ફગાવતા કહ્યું, “આ મામલો અસાધારણ છે અને ગંભીર છે, જેને ધ્યાનમાં રાખીને જ્યુરી દ્વારા આપવામાં આવેલો વળતરનો નિર્ણય યોગ્ય છે. આ કેસમાં રાષ્ટ્રપતિને મળતી પ્રતિરક્ષાનો દાવો ન કરી શકાય.”
યુએસની કોર્ટે અગાઉ આપેલા આદેશો:
મે 2023માં કોર્ટની એક જ્યુરીએ 5 મિલિયન ડોલર (આશરે 42 કરોડ રૂપિયા)નું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો. જૂન 2024માં, સેકન્ડ સર્કિટ કોર્ટે આ ચુકાદાને યોગ્ય ઠેરવ્યો હતો. જાન્યુઆરી 2024માં આપવામાં આવેલા એક ચુકાદામાં કોર્ટે 83.3 મિલિયન ડોલરના ચુકવવાનો આદેશ આપ્યો.
આ પણ વાંચો…ટ્રમ્પની ટેરિફ નીતિને કાનૂની પડકાર: અપીલ કોર્ટે મોટાભાગના ટેરિફ ગેરકાયદેસર ગણાવ્યા…