ઇન્ટરનેશનલ

નાતાલના દિવસે અમેરિકાએ નાઇજીરીયા પર હુમલો કર્યો; ટ્રમ્પે આપ્યું આવું કારણ

વોશિંગ્ટન ડીસી: એક અંદાજ મુજબ છેલ્લા એક દાયકામાં યુનાઇટેડ સ્ટેટ્સ વિશ્વના 80થી વધુ દેશોમાં “આતંકવાદ વિરોધી પ્રવૃત્તિઓ”ના નામે હુમલા કરી ચુક્યું છે, એવામાં ગઈ કાલે નાતાલના દિવસે આ યાદીમાં હજુ એક દેશનું નામ ઉમેરાયું છે. યુએસ સેનાના આફ્રિકા કમાન્ડે પશ્ચિમ આફ્રિકાના દેશ નાઇજીરીયામાં મિસાઈલ હુમલો કર્યો હતો. યુએસ રાષ્ટ્રપતિ ટ્રમ્પે આ વાતની જાહેરાત કરી હતી.

યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી કે યુએસ ડીપાર્ટમેન્ટ ઓફ વોર દ્વારા નાઇજીરીયામાં ઇસ્લામિક સ્ટેટ્સ(IS)ના આતંકવાદીઓને નિશાન બનાવીને એક ઘાતક હુમલો કરવમાં આવ્યો હતો. ટ્રમ્પે જણાવ્યું કે નાઇજીરીયામાં ખ્રિસ્તીઓની ઘાતકી હત્યાના જવાબમાં આ હુમલો કરવામાં આવ્યો હતો.

નાઇજીરીયાના ઉત્તર ભાગમાં મુસ્લિમો અને દક્ષિણમાં રહેતા ખ્રિસ્તીઓની બહુમતી છે. નાઇજીરીયાના ઉત્તરપૂર્વીય વિસ્તારમાં 15 વર્ષથી વધુ સમયથી ઇસ્લામિક કટ્ટરપંથી જૂથ બોકો હરામ આતંકવાદી પ્રવૃતિઓ કરી રહ્યું છે, જેમાં બંને સુમુદાયના 40,000 થી વધુ લોકો માર્યા ગયા છે અને 20 લાખ લોકો વિસ્થાપિત થયા છે.

ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, ટ્રુથ સોશિયલ પર લખ્યું.”આજે રાત્રે, કમાન્ડર ઇન ચીફ તરીકે મારા નિર્દેશો પર યુનાઇટેડ સ્ટેટ્સે ઉત્તરપશ્ચિમ નાઇજીરીયામાં ISIS આતંકવાદી પર એક શક્તિશાળી અને ઘાતક હુમલો કર્યો હતો. આ આતંકવાદીઓ નિર્દોષ ખ્રિસ્તીઓને નિશાન બનાવી રહ્યા છે અને તેમની ક્રૂરતા પૂર્વક હત્યા કરી રહ્યા હતાં.”

આતંકવાદીઓને મેરી ક્રિસમસ:

ટ્રમ્પે વધુ ચેતવણી આપતા કહ્યું કે તેઓ તેમના નેતૃત્વ હેઠળ યુએસ કટ્ટરપંથી ઇસ્લામિક આતંકવાદને આગળ વધવા નહીં દે. જો ખ્રિસ્તીઓની કતલ ચાલુ રહેશે તો ઘણા આતંકવાદીઓ મોતને ભેટશે.

ટ્રમ્પે કહ્યું, “મેં અગાઉ આ આતંકવાદીઓને ચેતવણી આપી હતી કે જો તેઓ ખ્રિસ્તીઓની હત્યા કરશે, તો તેમને કિંમત ચૂકવવી પડશે. ડીપાર્ટમેન્ટ ઓફ વોરએ હુમલાઓ કર્યા, કેમ કે યુએસ જ આવું કરી શકે એમ છે. ભગવાન આપણી સેનાને આશીર્વાદ આપે, માર્યા ગયેલા આતંકવાદીઓ સહિત બધાને મેરી ક્રિસમસ.”

નાઇજીરીયન સરકાર શું કહ્યું:

નાઇજીરીયાની સરકારે જણાવ્યું કે તેમના દેશના સશસ્ત્ર જૂથો મુસ્લિમો અને ખ્રિસ્તીઓ બંનેને નિશાન બનાવે છે, ખ્રિસ્તીઓ પર અત્યાચાર થાય છે એવા ટ્રમ્પના દાવા ભૂલ ભરેલા છે. ધાર્મિક સ્વતંત્રતાના રક્ષણના પ્રયાસો કરવામાં આવ્યા છે. પરંતુ આતંકવાદી જૂથો લડાઈ માટે યુએસ સાથે કામ કરવા નાઇજીરીયાન સરકારે સંમતી દર્શાવી છે.

આ પણ વાંચો…ભારતીય ટેક વર્કર્સની મુશ્કેલી વધશે! ટ્રમ્પના વિઝા ફી વધારાના નિર્ણય પર કોર્ટની મહોર

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button