પેરિસના મ્યુઝિયમમાં હોબાળો, મોનાલિસાના પેઇન્ટિંગ પર મહિલાઓએ ફેક્યું સૂપ
Monalisa Painting: પેરિસના જગવિખ્યાત લુવ્ર મ્યુઝિયમમાં કેટલાક પર્યાવરણ માટે કામ કરતા કાર્યકર્તાઓએ વિરોધ પ્રદર્શન કરવા માટે મોનાલિસાના પ્રખ્યાત પેઇન્ટિંગને નિશાન બનાવ્યું હતું. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
વીડિયોમાં જોઇ શકાય છે કે 2 મહિલા કાર્યકરો પેઇન્ટિંગ પાસેની રેલિંગમાંથી પહેલા સૂપ ફેંકે છે અને પછી તેઓ રેલિંગની નીચેથી અંદર ઘુસી જાય છે અને પેઇન્ટિંગની નજીક આવીને તેઓ ફ્રેન્ચમાં સરકારને સંબોધીને સવાલો કરી રહી છે. આ મહિલાઓએ પૂછ્યું હતું કે ‘શું વધું જરૂરી છે, કળા કે પોષણક્ષમ ભોજનનો અધિકાર?’ જો કે પેઇન્ટિંગને આ ઘટનાને પગલે કોઇ નુકસાન પહોંચ્યુ નથી. તે પહેલેથી જ કાચમાં સુરક્ષિત રીતે જ મુકવામાં આવી હોવાથી તેને ઉની આંચ પણ આવી નથી. સુરક્ષા કર્મીઓએ આ મહિલાઓને પકડીને પોલીસ હવાલે કરી દીધી હતી.
મહિલાઓએ વિરોધ પ્રદર્શનમાં સવાલો કર્યા હતા કે “તમારી ખેતી વ્યવસ્થા ખરાબ છે. અમારા ખેડૂતો મરી રહ્યા છે.” ફ્રાન્સમાં મોટાપાયે પર્યાવરણના મુદ્દે સામાજીક કાર્યકર્તાઓ દેખાવો કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે પ્રજાને પોષક ભોજન મળે એ તેમનો બંધારણીય અધિકાર છે. દેશમાં ખેડૂતોની હાલત ખરાબ છે. તેમને ફાયદો ન મળતા તેઓ મરી રહ્યા છે અને લોકોને સારું ભોજન નથી મળી રહ્યું.
આ પહેલા પણ મોનાલિસાની પેઇન્ટિંગને નુકસાન કરવાના ઘણા પ્રયાસો કરવામાં આવ્યા છે. આશરે 16મી સદીમાં લિયોનાર્દો દ વિન્ચી દ્વારા બનાવાયેલી આ પેઇન્ટિંગ વિશ્વવિખ્યાત છે. વર્ષ 1911માં આ પેઇન્ટિંગ લુવ્ર મ્યુઝિયમમાંથી ચોરાયું હતું. ચોરી કરનાર મ્યુઝિયમમાં કામ કરતો શખ્સ જ હતો.
એ પછી તેને રક્ષણાત્મક રીતે કાચની અંદર જ મુકી દેવાયું, તેમ છતાં હુમલા થતા રહ્યા. 1950ની આસપાસ એક મુલાકાતીએ તેના પર એસિડ રેડ્યું હતુ. ત્યારપછી 2019માં પેઇન્ટિંગને બુલેટપ્રુફ કાચની અંદર મુકી દેવાયું. વર્ષ 2022માં એક મુલાકાતીએ તેના પર કેક ફેંકી હતી. ફ્રાન્સની સ્પેસ ડિફેન્સ યુનિટ આ પેઇન્ટિંગની સુરક્ષા કરે છે.