યુક્રેને રશિયાના ઓઈલ ટર્મિનલ પર કર્યો મોટો ડ્રોન હુમલો; વિકરાળ આગ ફાટી નીકળી

કિવ: રશિયા અને યુક્રેન વચ્ચે લગભગ છેલ્લા ચાર વર્ષથી ચાલી રહેલા યુદ્ધને રોકવા માટે યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિવિધ રીતે પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ આ યુદ્ધનો કોઈ અંત નથી દેખાઈ રહ્યો. યુક્રેને ગત રાત્રે બ્લેક સીના કાંઠે આવેલા રશિયાના તુઆપ્સે ઓઇલ ટર્મિનલ પર ડ્રોન વડે મોટો હુમલો કર્યો હતો, નોંધનીય છે કે યુક્રેને આ સતત બીજા દિવસે રશિયા પર ડ્રોન હુમલો કર્યો છે.
સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવેલ ફોટોઝ અને વિડીયોમાં જોવા મળે છે કે ઓઇલ ટર્મિનલ પરથી આગની વિકરાળ જ્વાળાઓ ઉઠી રહી છે. અહેવાલ મુજબ ટર્મિનલના એક ટેન્કર અને માળખાને નુકસાન પહોંચ્યું છે.
રશિયા આ પોર્ટ પરથી નવેમ્બરમાં ક્રૂડ અને રિફાઇન્ડ ઉત્પાદનો શિપમેન્ટ વધવાની તૈયારી કરી રહ્યું હતું, એવામાં આ હુમલો થતા રશિયાને મોટો ફટકો પડ્યો છે.
રશિયન વહીવટીતંત્રના જણાવ્યા મુજબ, “તુઆપ્સે બંદરમાં, UAV એક ઓઈલ ટેન્કર પર ત્રાટક્યા હતાં, જેનાથી ડેક સુપરસ્ટ્રક્ચરને નુકસાન થયું હતું. એક જહાજમાં પણ આગ લાગી હતી. ક્રૂ મેમ્બર્સને બહાર કાઢવામાં આવ્યા હતા.”
અહેવાલ મુજબ તુઆપ્સે બંદરથી રશિયાની ઓઇલ રિફાઇનરી રોઝનેફ્ટના ઓઈલ પ્રોડ્કટની નિકાસ થાય છે, યુક્રેને આ વર્ષે અનેક વાર આ બંદર પર ડ્રોનનો પ્રયાસ કર્યો હતો.
હુમલા પછી ટર્મિનલ કાર્યરત છે કે નહીં એ હજુ જાણવા મળ્યું નથી. રશિયા અને યુક્રેનની કેટલીક ટેલિગ્રામ ચેનલોએ એક ટર્મિનલ અને એક ટેન્કરમાં આગ લાગી હોય એવા ફોટો પોસ્ટ કર્યા હતા.
રશિયન સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા મુજબ તેના એર ડિફેન્સ યુનીટે ક્રાસ્નોદર પ્રદેશમાં 32 યુક્રેનિયન ડ્રોનને તોડી પાડ્યા હતા.
આપણ વાંચો: લંડન જતી ટ્રેનમાં છરી વડે હુમલો; 9 મુસાફરોને ગંભીર ઈજા, બે આરોપી ઝડપાયા…



