યુક્રેને રશિયાની સૌથી મોટી ઓઇલ રિફાઇનરી પર કર્યો ડ્રોન હુમલો: પેટ્રોલની અછત સર્જાઈ…

મૉસ્કૉ: યુક્રેને રશિયાની સૌથી મોટી ઓઈલ રિફાઇનરીઓમાં એક પર ડ્રોન હુમલો કર્યો હતો. ડ્રોન હુમલાના કારણે રિફાઈનરીમાં આગ લાગી હતી. રશિયન અધિકારીઓ અને યુક્રેનિયન સૈન્યએ આ માહિતી આપી હતી.
રશિયાના ઉત્તરપશ્ચિમ લેનિનગ્રાદ ક્ષેત્રમાં સ્થિત કિરીશી રિફાઇનરી પર આ હુમલો કરવામાં આવ્યો હતો. આ એ જ રિફાઇનરી છે, જેને યુક્રેન છેલ્લા ઘણા અઠવાડિયાથી રશિયન ઓઈલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની મજબૂત કડી તરીકે જોઈ રહ્યું છે.
યુક્રેનના મતે ઓઈલ પુરવઠો રશિયાની યુદ્ધ ક્ષમતાને મજબૂત બનાવી રહ્યો છે, તેથી આવા લક્ષ્યોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે.
આ રિફાઇનરી દર વર્ષે લગભગ 17.7 મિલિયન મેટ્રિક ટન અથવા લગભગ 3.55 લાખ બેરલ ક્રૂડ તેલનું ઉત્પાદન કરે છે. યુક્રેનના જનરલ સ્ટાફના જણાવ્યા અનુસાર, ત્યાં અનેક વિસ્ફોટ અને આગના અહેવાલો મળ્યા હતા.
તેમણે એક તસવીર પણ શેર કરી હતી, જેમાં રાત્રિના અંધારામાં જ્વાળાઓ અને ધુમાડાના વાદળો જોવા મળ્યા હતા.
લેનિનગ્રાદ પ્રદેશના ગવર્નર એલેક્ઝાન્ડર ડોઝડેનકોએ જણાવ્યું હતું કે કિરીશી વિસ્તારમાં ત્રણ ડ્રોન તોડી પાડવામાં આવ્યા હતા, પરંતુ તેમના પડવાથી રિફાઇનરીમાં આગ લાગી હતી.
તેમણે કહ્યું હતું કે આ ઘટનામાં કોઈ ઘાયલ થયું નથી અને આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો છે.
આ મામલે રશિયન અધિકારીઓએ હજુ સુધી કોઈ ટિપ્પણી કરી નથી. રશિયા વિશ્વનો બીજો સૌથી મોટો તેલ નિકાસકાર દેશ છે.
પરંતુ તાજેતરના અઠવાડિયામાં પેટ્રોલની વધતી માંગ અને યુક્રેન દ્વારા વારંવાર કરવામાં આવતા ડ્રોન હુમલાઓને કારણે દેશના ઘણા ભાગોમાં પેટ્રોલની અછત સર્જાઈ છે.
કેટલાક વિસ્તારોમાં પેટ્રોલ પંપ સંપૂર્ણપણે ખાલી થઈ ગયા છે. લોકો લાંબી કતારોમાં ઉભા મજબૂર બન્યા છે અને અધિકારીઓએ પેટ્રોલના વેચાણને મર્યાદિત કરવા અથવા બંધ કરવા જેવા પગલાં લેવા પડ્યા છે.
આ કટોકટીનો સામનો કરવા માટે રશિયાએ પેટ્રોલ નિકાસ બંધ કરવાનો નિર્ણય લીધો છે. બુધવારે અધિકારીઓએ જાહેરાત કરી હતી કે પેટ્રોલ નિકાસ 30 સપ્ટેમ્બર સુધી સંપૂર્ણપણે બંધ રહેશે અને વેપારીઓ અને વચેટિયાઓ પર આંશિક પ્રતિબંધો 31 ઓક્ટોબર સુધી રહેશે.