ઇન્ટરનેશનલ

મુકલ્લા બંદર પર સાઉદીની એર સ્ટ્રાઈક બાદ UAEની પીછેહઠ! યમનમાંથી સૈન્ય પાછું ખેંચશે

અબુધાબી: આ વર્ષે મધ્યપૂર્વમાં સતત ભૂ-રાજકીય તણાવ રહ્યો, વર્ષના અંતે યમનમાં ચાલતા ગૃહ યુદ્ધ મામલે સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાત (UAE) બાખડી પડ્યા. ગઈ કાલે મંગળવારે સાઉદીની આગેવાની હેઠળના સંયુક્ત દળોએ યમનના મુકલ્લા બંદર પર યુએઈથી આવેલા શિપમેન્ટને નિશાન બનાવી બોમ્બમારો કર્યો હતો. હવે UAEએ જણાવ્યું છે કે તે યમનમાંથી તેની સેના પાછી ખેંચી લેશે.

સાઉદી અરેબિયા અને UAE એક સમયે યમનના હુતી બળવાખોરો સામે લડતા દળોના મુખ્ય સ્તંભો હતાં, હવે યમનમાં રાજકીય સ્થિતિ મામલે બંને દેશો આમને સામને આવી ગયા છે, હવે ચાલી રહેલો તણાવ લશ્કરી કાર્યવાહી અને અને રાજદ્વારી કટોકટીમાં પરિણમ્યો છે.

સાઉદીના આરોપ:

યુએઈના ફુજૈરાહ બંદરથી નીકળેલું એક શિપમેન્ટ ગઈ કાલે મંગળવારે યમનના મુકલ્લા બંદર પર પહોંચ્યું હતું, ત્યારે સાઉદી અરેબિયાની આગેવાની વાળા દળોએ મુકલ્લા પર બોમ્બમારો કર્યો હતો. સાઉદીએ આરોપ લગાવ્યો કે શિપમેન્ટમાં UAEએ સધર્ન ટ્રાન્ઝિશનલ કાઉન્સિલ (STC) માટે મોકલેલા શસ્ત્રો હતાં.

યમન માટે તણાવ કેમ?

UAE સમર્થિત STC એપ્રિલ 2017 થી યમનના દક્ષિણ ભાગો પર સંપૂર્ણ કબજો કરી અને પોતાની સત્તા સ્થાપવાનો પ્રયાસ કરી રહ્યું છે, બીજી તરફ સાઉદી અરેબિયા યેમેની સૈન્યને સમર્થન આપી રહ્યું છે, સ્થાનિક આદિવાસી ગઠબંધનો, હદ્રામૌત ટ્રાઇબલ એલાયન્સ પણ તેની સાથે જોડાયેલું છે. આમ સાઉદી અને UAE યમનનાં રાજકીય હરીફ જૂથોને સમર્થન આપી રહ્યા છે.

નોંધનીય છે કે ગત મહીને STC એ યમનના હદ્રામાઉટ અને માહરા પ્રાંતોનો કાજાબો કરી લીધો હતો, આ પ્રદેશમાં આવેલા કેટલીક પેટ્રોલિયમ ફેસિલિટી આવેલી છે, ત્યાર બાદથી UAE અને સાઉદી વચ્ચે તણાવ વધી રહ્યો હતો.
રેડ સી અને ગલ્ફ ઓફ એડનને જોડતો દરયાઈ માર્ગ યમનના દરિયા કિનારા પાસેથી પસાર થાય છે. માટે યમનનું ભૌગોલિક મહત્વ બંને દેશો માટે મહત્વનું છે.

UAEએ આરોપો નકાર્યા:

UAE એ સાઉદી અરેબિયા દ્વારા લગાવવામાં આવેલા તમામ આરોપો નકારી કાઢ્યા છે. UAEએ દલીલ કરી કે શિપમેન્ટમાં રહેલા વાહનો યમનમાં UAE સૈનિકો માટે હતાં, સાથે સાથે UAEએ એમ પણ જણાવ્યું કે ટૂંક સમયમાં તે યમનમાંથી તેના દળો પાછા ખેંચી લેશે.

STC લાંબા સમયથી દક્ષિણ યમનને સ્વતંત્ર દેશ જાહેર કરવાની માંગ કરી રહ્યું છે. ગત શુક્રવારે સાઉદી અરેબિયાએ હડ્રામાઉટ પ્રદેશમાં એર સ્ટ્રાઈક પણ કરી હતી.

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button