તુર્કીયેની ધરતી ફરી ધણધણી: મોડી રાત્રે આવ્યો આટલી તીવ્રતાનો ભૂકંપ | મુંબઈ સમાચાર
Top Newsઇન્ટરનેશનલ

તુર્કીયેની ધરતી ફરી ધણધણી: મોડી રાત્રે આવ્યો આટલી તીવ્રતાનો ભૂકંપ

ઇસ્તંબુલ: ગત મોડી રાત્રે તુર્કીયેની ધરતી કંપી ઉઠી હતી. જર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સિસ (GFZ) એ આપેલી માહિતી મુજબ 4.7 ની તીવ્રતાના ભૂકંપનો આંચકો આવ્યો હતો. અત્યાર સુધી જાનમાલના નુકસાનના કોઈ અહેવાલ નથી, પરંતુ લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

તુર્કીયેમાં આવેલા ભૂકંપની તીવ્રતાGFZએ શરૂઆતમાં 5.33 જણાવી હતી. જોકે, પછીથી તીવ્રતા 4.7 હોવાનું જણાવવામાં આવ્યું. GFZ એ આપેલી માહિતી મુજબ ભૂકંપ સ્થાનિક સમય મુજબ 2:54 વાગ્યે આવ્યો હતો અને તેનું સેન્ટર સપાટીથી 10 કિલોમીટરની ઊંડાઈએ હતું.

યુનાઇટેડ સ્ટેટ્સ જીઓલોજિકલ સર્વે (USGS) એ તુર્કીયેમાં આવેલા ભૂકંપની તીવ્રતા 4.9 હોવાનું જણાવ્યું છે. USGSના જણાવ્યા મુજબ ભૂકંપનું કેન્દ્રબિંદુ એમેટ શહેરથી 17 કિલોમીટર દક્ષિણપશ્ચિમમાં અને 7.4 કિલોમીટરની ઊંડાઈએ હતું.

તુર્કીયેમાં અવારનવાર આવે છે ભૂકંપ:

નોંધનીય છે કે તુર્કી ભૂકંપ માટે ખુબ સંવેદનશીલ છે, કેમ કે તે મુખ્ય ફોલ્ટ લાઇનની ઉપર આવેલો દેશ છે. અહીં અવારનવાર ભૂકંપના આંચકા આવતા રહે છે. તાજેતરમાં 2 ઓક્ટોબર, 2025 ના રોજ ઇસ્તંબુલ અને ઉત્તરપશ્ચિમ તુર્કીમાં ભૂકંપનો જોરદાર આંચકો અનુભવાયો હતો.

28 સપ્ટેમ્બરના રોજ પણ ઉત્તરપશ્ચિમ તુર્કીમાં 5.8 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો. જેને કારણે લોકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો, કેટલાક લોકો દિવસભર ઇમારતોની બાહર રહ્યા હતાં.

2023માં ભૂકંપે સર્જ્યો હતો વિનાશ:

તાજેતરમાં આવી રહેલા આંચકા લોકોને વર્ષ 2023 માં આવેલા વિનાશક ભૂકંપની યાદ અપાવે છે. 6 ફેબ્રુઆરી 2023ના રોજ આવેલા 7.8 ની તીવ્રતાના ભૂકંપે તુર્કીયે અને સીરિયામાં વિનાશ સર્જ્યો હતો. તુર્કીમાં 53,000 થી વધુ લોકોના મોત થયા હતાં અને સીરિયામાં 6,000 લોકો માર્યા ગયા હતાં.

આ પણ વાંચો…પાકિસ્તાનના બલુચિસ્તાનમાં 5.2 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button