ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામનો જશ ખાટ્યા બાદ ટ્રમ્પનો યુટર્ન, મધ્યસ્થીના દાવામાં કરી પીછેહઠ

દોહા: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત-પાકિસ્તાન સીઝફાયર પર આપેલા તેમના નિવેદનથી યુ-ટર્ન લીધો છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પહેલી વાર સ્વીકાર્યું છે કે તેમણે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ કરાવ્યો નથી.
તેમણે અગાઉ સીઝફાયરમાં પોતાની મધ્યસ્થીની વાત કરી હતી, પરંતુ હવે તેમણે કહ્યું છે કે તેમણે બંને દેશો વચ્ચેના તણાવને શાંત કરવામાં મદદ કરી છે. ટ્રમ્પે ગુરુવારે કતારના દોહામાં આપેલા નિવેદનમાં કહ્યું હતું કે, તેઓ સીધી રીતે એમ કહેવા નથી માંગતા કે તેમણે મધ્યસ્થી કરી હતી.
આપણ વાંચો: ડોનાલ્ડ ટ્રમ્પે ભારત-પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થીની કરી વાત
ચર્ચા ડ્રોન અને મિસાઇલની ભાષામાં
કતારનાં દોહામાં આપેલા નિવેદનમાં ટ્રમ્પે કહ્યું હતું કે, કતારના દોહામાં એક કાર્યક્રમ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ભારત અને પાકિસ્તાન વચ્ચે પરિસ્થિતિ ખૂબ જ તણાવપૂર્ણ બની ગઈ હતી.
ત્યાં ચર્ચા ડ્રોન અને મિસાઇલની ભાષામાં થવાની હતી, તેથી જ મેં બંને દેશો સાથે વાત કરી અને પરિસ્થિતિ શાંત કરી. જોકે અમેરિકી રાષ્ટ્રપતિએ એમ પણ કહ્યું કે મને આશા છે કે હું અહીંથી બહાર નિકળું બાદ પણ, મને સાંભળવા મળશે કે બંને દેશો શાંતિ ઈચ્છે છે.
10 મેના રોજ ટ્રમ્પે કરી હતી જાહેરાત
ઉલ્લેખનીય છે કે, ભારત અને પાકિસ્તાને 10 મેના રોજ યુદ્ધવિરામની જાહેરાત કરી હતી. આની જાણકારી સૌપ્રથમ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર શેર કરી હતી.
પોતાના ટ્વિટમાં ટ્રમ્પે કહ્યું હતું, “હું એ જાહેરાત કરતાં ખૂબ જ ખુશ છું કે ભારત અને પાકિસ્તાન સંપૂર્ણ અને તાત્કાલિક યુદ્ધવિરામ પર સહમત થયા છે. બંને દેશોને સામાન્ય સમજ અને ઉત્તમ બુદ્ધિમત્તાનો પરિચય આપવા બદલ અભિનંદન.”
આપણ વાંચો: ભારત અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ મુદ્દે ડોનાલ્ડ ટ્રમ્પે આપ્યું આ મોટું નિવેદન
કાશ્મીર મુદ્દે ભારત નહિ સ્વીકારે કોઇની મધ્યસ્થતા
જોકે ટ્રમ્પે ભારત અને પાકિસ્તાનનાં વિવાદ મુદ્દે તેના જૂના દાવાનું પુનરાવર્તન કરતાં કહ્યું હતું કે જો તેઓ ઈચ્છે તો દરેક મુદ્દાનો ઉકેલ લાવી શકે છે, જમ્મુ અને કાશ્મીરમાં પણ મદદ કરી શકે છે, પરંતુ તે એટલું સરળ નહીં હોય. જોકે ભારતે સ્પષ્ટ કરી દીધું છે કે જમ્મુ-કાશ્મીરના મુદ્દામાં કોઈ ત્રીજા પક્ષની મધ્યસ્થતા સ્વીકારશે નહીં. ભારત સરકારે તો ત્યાં સુધી કહ્યું છે કે જો પાકિસ્તાન સાથે કોઈ ચર્ચા થશે તો તે ફક્ત PoJK પર જ થશે.