ટ્રમ્પે ભારત સહિત અનેક દેશો પર લાગુ કર્યો રેસિપ્રોક્લ ટેરિફ, એશિયન શેરબજારમાં મચ્યો હડકંપ

વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સહિત અનેક દેશો પર રેસિપ્રોકલ ટેરિફ લાગુ કરી દીધો છે. રેસિપ્રોકલ ટેરિફની અસર આજે એશિયન શેરબજાર પર જોવા મળી હતી. મોટાભાગના માર્કેટમાં કડાકો બોલ્યો હતો. ભારતીય શેરબજારમાં પણ મોટો કડાકો બોલવાની શક્યતા છે.
ટ્રમ્પ દ્વારા આજના દિવસને લિબ્રેશન ડે નામ આપવામાં આવ્યું છે. તેમણે જાહેરાત કરતા જણાવ્યું કે, નવા ટેરિફ રેટ પ્રમાણે અમેરિકા ચીન પાસેથી 34 ટકા, યુરોપિયન યુનિયન પાસેથી 20 ટકા, જાપાન પાસેથી 24 ટકા અને ભારત પાસેથી 26 ટકા રેસિપ્રોકલ ટેરિફ વસૂલ કરશે. ભારત પર 26 ટકા રેસિપ્રોકલ ટેરિફ લાગુ કર્યાની જાહેરાત બાદ અમેરિકાના કોમર્સ સેક્રેટરીને આ અંગે પૂછવામાં આવતાં તેમણે કંઈ કહેવાનું ટાળ્યું હતું.
એશિયન શેરબજારોમાં મચ્યો હડકંપ
રેસિપ્રોકલ ટેરિફની જાહેરાત સાથે જ એશિયન બજારોમાં હડકંપ મચી ગયો હતો. જાપાનનું શેરબજાર ઊંધા માથે પછડાયું હતું. રેસિપ્રોકલ ટેરિફની જાહેરાત બાદ જાપાનનો નિક્કેઈ ઈન્ડેક્સ 4 ટકાથી વધૂ તૂટ્યો હતો. નિક્કઈ ઈન્ડેક્સ 4.6 ટકા તૂટીને આઠ મહિનાના નીચલા સ્તર 34102 પર પહોંચી ગયો હતો. જાપાન પર અમેરિકાએ 24 ટકા ટેરિફ લગાવ્યો છે.
દક્ષિણ કોરિયા, હોંગકોંગમાં પણ હાહાકાર
જાપાન ઉપરાંત દક્ષિણ કોરિયાનો કોસ્પી ઈન્ડેક્સ ખુલતાની સાથે જ 3 ટકા તૂટ્યો હતો. હોંગકોંગનો હેંગ સેંગ ઈન્ડેક્સ તેના ગત બંધ મુકાબલાની તુલનામાં તૂટીને 23094 પર આવી ગયો હતો. ઑસ્ટ્રેલિયાનો એસએન્ડપી-એએસએક્સ 200 પણ 1.55 ટકા ગબડ્યો હતો.
આ પણ વાંચો : US Tariff : અમેરિકાએ રેસિપ્રોકલ ટેરિફ લાદતા પૂર્વે કરી આ મોટી સ્પષ્ટતા…
ભારતીય શેરબજાર પર શું થઈ શકે છે અસર
ભારતીય શેરબજાર પર પણ આજે ટ્રમ્પના રેસિપ્રોક્લ ટેરિફ લાગુ કરવાની અસર જોવા મળી શકે છે. ઓટો, આઈટી, ફાર્મા સ્ટોક પર સૌથી વધુ અસર જોવા મળી શકે છે. ટ્રમ્પે લગાવેલા ટેરિફથી સૌથી વધુ અસર ફાર્મા સેક્ટર પર પડી શકે છે. આઈટી સેક્ટરને પણ અસર થઈ શકે છે.