ડૉનાલ્ડ ટ્રમ્પ ફરી મેદાનમાં: કંબોડિયા અને થાઇલેન્ડ વચ્ચે યુદ્ધવિરામ કરાવવા વેપાર રોકવાની આપી ધમકી | મુંબઈ સમાચાર

ડૉનાલ્ડ ટ્રમ્પ ફરી મેદાનમાં: કંબોડિયા અને થાઇલેન્ડ વચ્ચે યુદ્ધવિરામ કરાવવા વેપાર રોકવાની આપી ધમકી

વોશિંગટન ડીસી: છેલ્લા કેટલાક મહિનાથી વિશ્વના ઘણા દેશો વચ્ચે યુદ્ધનો માહોલ ઊભો થયો છે. તાજેતરમાં પ્રીહ વિહાર મંદિરને લઈને કંબોડિયા અને થાઇલેન્ડ આમને-સામને આવી ગયા છે. ત્યારે બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ થાય તે માટે અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ સામે આવ્યા છે.

ટ્રમ્પે વેપાર રોકવાની ધમકી આપી

આંતરરાષ્ટ્રીય મીડિયા પાસેથી મળતી માહિતી મુજબ, કંબોડિયા અને થાઇલેન્ડ વચ્ચેના યુદ્ધમાં ડૉનાલ્ડ ટ્રમ્પે હસ્તક્ષેપનો પ્રયાસ કર્યો છે. ડૉનાલ્ડ ટ્રમ્પે બંને દેશોના નેતાઓ સાથે વાત કરીને યુદ્ધ રોકવાની અપીલ કરી છે અને જો યુદ્ધ નહી રોકાય તો બંને દેશો સાથે અમેરિકા વેપાર નહી કરે એવી ધમકી પણ આપી છે. ડૉનાલ્ડ ટ્રમ્પે આ અંગે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર માહિતી આપી છે.

ડૉનાલ્ડ ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું કે, “હમણાં થાઇલેન્ડ સાથે યુદ્ધ રોકવાની બાબતે કંબોડિયાના વડા પ્રધાન સાથે વાત થઈ.” ત્યારબાદ ટ્રમ્પે બીજી પોસ્ટમાં લખ્યું કે, “મેં હમણાં થાઇલેન્ડના કાર્યકારી વડા પ્રધાન સાથે વાત કરી છે અને તે હકારાત્મક રહી છે…કંબોડિયા તરફથી થાઇલેન્ડ પણ તાત્કાલિક યુદ્ધવિરામ અને શાંતિ ઈચ્છે છે. હવે હું કંબોડિયાના વડા પ્રધાનને પાછા મોકલી રહ્યો છું. બંને પક્ષો વચ્ચે વાતચીત કર્યા બાદ યુદ્ધવિરામ, શાંતિ અને સમૃદ્ધિ આવશે. અમે આ બાબતે જલદી આગળ વધશું.”

બંને દેશો યુદ્ધવિરામ માટે તૈયાર છે: ડૉનાલ્ડ ટ્રમ્પ

ડૉનાલ્ડ ટ્રમ્પે પોતાની આગળની પોસ્ટમાં લખ્યું કે, “મેં હમણા કંબોડિયાના વડા પ્રધાનનને જણાવ્યું કે, થાઇલેન્ડના કાર્યકારી વડા પ્રધાન સાથે મારી વાત થઈ છે. બંને પક્ષો યુદ્ધવિરામ અને શાંતિ માટે તૈયાર છે. સાથોસાથ બંને દેશો યુ.એસ.એ. સાથે ટ્રેડ ટેબલ પર આવવા માટે પણ તૈયાર થયા છે. જોકે, મને એવું લાગે છે કે, આ ત્યાં સુધી શક્ય નહીં બને, જ્યાં સુધી બંને દેશો સંપૂર્ણપણે શાંતિ પ્રાપ્ત ન કરી લે. જ્યારે આ બધુ સમાપ્ત થઈ જશે, ત્યારે હું બંને દેશો સામે વ્યાપારિક કરાર કરવા માટે તૈયાર છું.”

ઉલ્લેખનીય છે કે, કંબોડિયા અને થાઇલેન્ડ વચ્ચે છેલ્લા 3 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે. ડૉનાલ્ડ ટ્રમ્પના જણાવ્યાનુસાર, આ યુદ્ધમાં 33 લોકોનું મ઼ત્યુ થયું છે. અગાઉ ઇઝરાયલ અને ઈરાન વચ્ચે પણ ડૉનાલ્ડ ટ્રમ્પે પણ યુદ્ધવિરામ કરાવ્યું હતું. હવે તેઓ વધુ બે દેશો વચ્ચે યુદ્ધવિરામ કરાવશે એવું નિષ્ણાતો અનુમાન લગાવી રહ્યા છે.

આ પણ વાંચો…‘ઇમિગ્રેશન યુરોપને બરબાદ કરી રહ્યું છે’ ટ્રમ્પે યુરોપિયન નેતાઓને ચેતવણી આપી…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button