ઇન્ટરનેશનલ

ટ્રમ્પનો મોટો નિર્ણય: 39 દેશ પર ‘ટ્રાવેલ બેન’, પેલેસ્ટાઈનવાસીઓ મુશ્કેલીમાં; જાણો ભારતનું લિસ્ટમાં નામ છે કે નહીં?

વોશિંગટન ડીસી: છેલ્લા કેટલાક સમયથી અમેરિકાના રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ અવનવા નિર્ણયો લઈ રહ્યા છે, જે અમેરિકામાં રહેતા અન્ય દેશના નાગરિકો તથા અમેરિકામાં કામ કરવા ઈચ્છતા અન્ય દેશોના નાગરિકો માટે અડચણરૂપ અને જોખમી બની રહ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ પ્રશાસને અમેરિકામાં આવનારા ટ્રાવેલ બેનનું કદ વધાર્યું છે, જ્યારે પંદર દેશને આંશિક પ્રતિબંધ મૂક્યો છે.

5 દેશના નાગરિકોના પ્રવેશ પર પ્રતિબંધ

અમેરિકા જવાનું સપનું જોઈ રહેલા 5 દેશના નાગરિકોને ડૉનાલ્ડ ટ્રમ્પે માઠા સમાચાર આપ્યા છે. ટ્ર્મ્પના નેતૃત્વવાળી અમેરિકન સરકારે પોતાના ટ્રાવેલ અને ઇમિગ્રેશન નિયમોને વધુ કડક બનાવ્યા છે, જેના હેઠળ 5 દેશના નાગરિકોનું અમેરિકામાં ટ્રાવેલ બેન કરવામાં આવ્યું છે. આ સિવાય કેટલાક દેશોના નાગરિકો પર પણ આશિંક પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. ટ્રમ્પ પ્રશાસને વધુ દેશોની સાથે પેલેસ્ટાઈન ઓથોરિટી મારફત જારી દસ્તાવેજવાળા લોકો પર પણ પ્રતિબંધ મૂક્યો છે.

જૂન 2025માં રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પે 12 દેશના નાગરિકોના અમેરિકામાં આવવા પર પ્રતિબંધ લાદ્યો હતો. જ્યારે 7 દેશોના નાગરિકો પર શરતોને આધિન પ્રવેશની મંજૂરી આપવામાં આવી હતી. અમેરિકા દ્વારા અફઘાનિસ્તાન, મ્યાનમાર, ચાડ, કોંગો પ્રજાસત્તાક, વિષુવવૃત્તીય ગિની, એરિટ્રિયા, હૈતી, ઈરાન, લિબિયા, સોમાલિયા, સુદાન તથા યમનના નાગરિકોના પ્રવેશ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો. આ ઉપરાંત બુરંડી, ક્યૂબા, લાઓસ. સિએરા લિયોન, ટોગો, તુર્કમેનિસ્તાન અને વેનેઝુએલાના નાગરિકો પર આંશિક પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો.

અમેરિકાએ કયા કયા દેશો પર લાદ્યો પ્રતિબંધ

અમેરિકન સરકાર દ્વારા ટ્રાવેલ અને ઇમિગ્રેશનના નિયમોમાં તાજેતરમાં કરેલા ફેરફારમાં બુર્કિના ફાસો, માલી, નાઇઝર, સાઉથ સુડાન અને સીરિયાના નાગરિકો માટે સંપૂર્ણપણે ટ્રાવેલ બેન કરવામાં આવ્યું છે. આ સિવાય ફિલિસ્તાન દ્વારા જાહેર કરવામાં આવેલા ટ્રાવેલ ડૉક્યુમેન્ટની મદદથી અમેરિકા આવતા લોકોને પણ સંપૂર્ણપણે પ્રતિબંધિત કરવામાં આવ્યા છે. આ સિવાય અમેરિકાએ અંગોલા, એન્ટિગુઆ અને બારબુડા, બેનિન, કોટ ડી આઈવર, ડોમિનિકા, ગૈબોન, ગામ્બિયા, મલાવી, મોરિટાનિયા, નાઇઝીરિયા, સેનેગલ, તન્જાનિયા, ટોંગા, જામ્બિયા અને જિબ્બાવેના નાગરિકોના અમેરિકા પ્રવેશ પર શરતી પ્રતિબંધ લાદ્યો છે.

ઉલ્લેખનીય છે કે, અમેરિકા દ્વારા પ્રતિબંધિત દેશોની યાદીમાં ભારતનો સમાવેશ કરવામાં આવ્યો નથી. પરંતુ અગાઉ અમેરિકાએ H-1B વીઝાના નિયમોમાં ફેરફાર કર્યો હતો. આ ઉપરાંત H-1B વિઝાની ફીમાં પણ વધારો કર્યો હતો, જેના કારણે પણ અમેરિકામાં રહેતા ભારતીયો મુશ્કેલીમાં મૂકાયા હતા.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button