ટ્રમ્પ અને ઝેલેન્સ્કીની નિર્ણાયક બેઠક: 95% મુદ્દે સંમતિ, યુદ્ધવિરામ માટે ડૉનબાસ મોટો પડકાર

લાંબા સમયની પ્રતિક્ષા બાદ આખરે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી વચ્ચે ફ્લોરિડાના માર-એ-લાગો ખાતે ઐતિહાસિક મુલાકાત યોજાઈ હતી. લગભગ ત્રણ કલાક સુધી ચાલેલી આ બંધ બારણે બેઠકે રશિયા-યુક્રેન યુદ્ધના અંત માટેની નવી આશા બની શકે છે. ટ્રમ્પે આ બેઠકને અત્યંત સકારાત્મક ગણાવીને સંકેત આપ્યા છે કે બંને દેશો વચ્ચે શાંતિ સ્થાપવા માટેનો કરાર હવે ખૂબ જ નજીક છે.
બેઠક બાદ સંયુક્ત નિવેદનમાં જણાવવામાં આવ્યું હતું કે પ્રસ્તાવિત શાંતિ યોજનાના 20 મુદ્દાઓમાંથી લગભગ 90% થી 95% જેટલા મુદ્દાઓ પર સહમતિ બની ગઈ છે. ખાસ કરીને યુક્રેનની સુરક્ષા ગેરંટી જેવી જટિલ બાબતો પર હવે કોઈ મોટો વિવાદ રહ્યો નથી. ઝેલેન્સ્કીએ અમેરિકાના સમર્થન બદલ ટ્રમ્પનો આભાર માનતા જણાવ્યું હતું કે જાન્યુઆરીમાં વોશિંગ્ટનમાં આ અંગે વધુ ચર્ચાઓ હાથ ધરવામાં આવશે. બંને નેતાઓએ સ્વીકાર્યું છે કે વાતચીત હવે અંતિમ અને નિર્ણાયક તબક્કામાં પહોંચી ચૂકી છે.
શાંતિની દિશામાં મોટી પ્રગતિ થઈ હોવા છતા, પૂર્વી યુક્રેનનના ડૉનબાસ ક્ષેત્રનો મુદ્દો પણ હજુ ઉકેલાયો નથી. રશિયા આ વિસ્તારો પર પોતાનો દાવો કરી રહ્યું છે, જ્યારે યુક્રેન પોતાની જમીન છોડવા તૈયાર નથી. ટ્રમ્પે સ્વીકાર્યું હતું કે આ ક્ષેત્રનું ભવિષ્ય અને જમીની વિવાદ હજુ પણ સૌથી મોટી અડચણ છે. ઝેલેન્સ્કીએ સ્પષ્ટ કર્યું કે ડૉનબાસ અંગે યુક્રેનનું વલણ મક્કમ છે અને કોઈપણ મોટા નિર્ણય માટે જનમત સંગ્રહ અથવા સંસદીય મંજૂરીની જરૂર પડી શકે છે.
ટ્રમ્પે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથેની પોતાની તાજેતરની ટેલિફોનિક વાતચીતનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે આશ્ચર્યજનક નિવેદન આપતા કહ્યું કે રશિયા પણ ઈચ્છે છે કે યુક્રેન સફળ થાય. આગામી અઠવાડિયામાં અમેરિકન, યુક્રેનિયન અને યુરોપિયન પ્રતિનિધિમંડળો ટેકનિકલ પાસાઓ પર કામ કરવાનું ચાલુ રાખશે. જાન્યુઆરીમાં વોશિંગ્ટન આ શાંતિ પ્રક્રિયાનું મુખ્ય કેન્દ્ર બનશે અને રશિયા સાથે પણ અંતિમ શરતો પર હસ્તાક્ષર કરવા અંગે ચર્ચા થઈ શકે છે.
આ પણ વાંચો…ટ્રમ્પ-ઝેલેન્સ્કીની મુલાકાત પહેલા રશિયાનો કડક મિજાજ, પુતિને આપી સૈન્ય કાર્યવાહીની ધમકી



