ટ્રમ્પે ચીન પર 155% ટેરિફ લાદવાની ધમકી આપી! યુએસને ચીન પાસેથી શું જોઈએ છે?

વોશિંગ્ટન ડી સી: બીજી વાર યુએસ રાષ્ટ્રપતિ બન્યા બાદ યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિવિધ દેશો સાથે વેપાર સોદો કરવા માટે ટેરીફનો હથિયારની જેમ ઉપયોગ કરી રહ્યા છે. સોમવારે ટ્રમ્પે ચીન પર ભારે ટેરિફ લાદવાની ધમકી આપી છે. ટ્રમ્પે કહ્યું કે જો ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ યુએસ સાથે ટ્રેડ ડીલ પર સાઈન નહીં કરે તો ચીન પર 155 ટકા ટેરિફ લાદવામાં આવશે.
વ્હાઇટ હાઉસમાં ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન એન્થોની અલ્બેનીઝ સાથે એક ખનિજ કરાર પર હસ્તાક્ષર કર્યા બાદ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ટ્રમ્પે કહ્યું, “ચીન અમારા પ્રત્યે ખૂબ આદર પૂર્વક વર્તી રહ્યું છે. તેઓ અમને ટેરિફના રૂપે મોટી રકમ ચુકવે છે. હાલ ચીન પર 55% ટેરીફ લાગેલો છે, જો કોઈ ટ્રેડ ડીલ સાઈન કરવામાં નહીં આવે, તો તે 1લી નવેમ્બરથી 155% કરવામાં આવશે,.”
ટ્રમ્પે કહ્યું, “મને અપેક્ષા છે કે અમે ચીનના રાષ્ટ્રપતિ શી સાથે વાજબી ટ્રેડ ડીલ કરીશું. આશા છે કે તમારામાંથી મોટાભાગના લોકો ત્યાં હશે. તે ખૂબ જ રોમાંચક રહેશે.”
શી અને ટ્રમ્પની બેઠક:
ટ્રમ્પે કહ્યું કે તેઓ ટૂંક સમયમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને મળશે. અહેવાલ મુજબ આગામી દિવસોમાં દક્ષિણ કોરિયામાં બંને દેશના રાષ્ટ્રપતિ વચ્ચે બેઠક થઇ શકે છે.
ટ્રમ્પે કહ્યું કેટલાક દેશો અગાઉ અમેરિકાનો લાભ ઉઠાવતા હતા, પણ હવે એવું નહીં થાય. હવે વોશિંગ્ટને ઘણા દેશો સાથે ટ્રેડ ડીલ કરી છે. અમે અમારા હિતોનું રક્ષણ કરીશું. આ ડીલ અમેરિકા અને ચીન બંને માટે ફાયદાકારક હશે.
યુએસને શું જોઈએ છે?
નોંધનીય છે ચીને સ્માર્ટફોન, ઇલેક્ટ્રિક વાહનો અને ડિફેન્સ ટેકનોલોજી માટે જરૂરી રેર અર્થ મિનરલ્સના નિકાસ નિકાસ પર કડક નિયંત્રણો લાદ્યા છે. યુનાઇટેડ સ્ટેટ્સ માટે આ ખનીજો ખુબ જરૂરી છે. ટ્રમ્પ ટેરિફથી દબાણ બનાવીને ચીન પાસેથી રેર અર્થ મિનરલ્સ મેળવવા ઈચ્છે છે.
આ પણ વાંચો…ટ્રમ્પ ચીન પ્રત્યે નરમ પડ્યા? ટેરિફની સમયમર્યાદા આટલા દિવસ લંબાવી